અરીસાની પેલે પાર...
ભાગ – ૯ : બાળકોની ખુશી
અરીસાના એક પછી એક કાચના ટુકડા સુનૈનાના જીવનના નવા અધ્યાયો ખોલી રહ્યા હતા...
સુનૈનાએ બાજુમાં પડેલો અરીસાનો બીજો કાચનો ટુકડો હાથમાં લીધો.
અને
ફરી એક વાર સમયના પડદા ધીમે ધીમે ખૂલવા લાગ્યા.
સુનૈનાના જીવનમાં છેલ્લા થોડા સમયથી ઘણું બદલાઈ રહ્યું હતું.
શરીર બદલાઈ રહ્યું હતું...
મન બદલાઈ રહ્યું હતું...
સંબંધોમાં પણ પહેલાં જેવી ઉષ્મા રહી નહોતી.
પરંતુ જીવન ક્યારેય એક જ જગ્યાએ અટકી રહેતું નથી.
એક દિવસ ઘરમાં અચાનક એક સમાચાર આવ્યા—
બાળકોના લગ્નની વાત નક્કી થઈ ગઈ હતી.
ઘરમાં જાણે એકસાથે અનેક દીવા પ્રગટ્યા હોય એવી ખુશી છવાઈ ગઈ.
સુનૈનાના ચહેરા પર વર્ષો પછી એવી ચમક આવી, જે કોઈ મેકઅપ કે સજાવટથી નહોતી આવી શકતી.
તેની દીકરી માટે સાડીઓ જોવાની હતી.
દીકરાના કપડાં લેવા જવાના હતા.
ઘરેણાંની ખરીદી કરવાની હતી.
સગાંસંબંધીઓને ફોન કરવાના હતા.
લગ્નની તારીખ...
મહેમાનોની યાદી...
ઘરની સજાવટ...
એક પછી એક કામ વધતું જતું હતું.
અને સુનૈના?
તે દરેક કામમાં સૌથી આગળ હતી.
કોઈ પૂછે—
"સુનૈના, થાકી નથી?"
તો તરત હસીને કહેતી—
"આવા દિવસો તો વારંવાર નથી આવતા!"
તેના શરીરમાં હજી પણ દુખાવો હતો.
ક્યારેક અચાનક ગરમીની લહેર આવતી.
ક્યારેક થાકથી પગ દુખતા.
ક્યારેક રાત્રે ઊંઘ પૂરી ન થતી.
પણ બાળકોના ચહેરા પરની ખુશી જોઈને તે બધું ભૂલી જતી.
તેને લાગતું—
"મારા બાળકો ખુશ છે... તો બસ, મારી બધી તકલીફ નાની છે."
લગ્નની ખરીદી માટે જ્યારે આખું પરિવાર બહાર જતું, ત્યારે સુનૈના ફરી પહેલાં જેવી જ બની જતી.
દુકાનમાં સુનૈના એક સાડી હાથમાં લઈને પ્રેમથી બોલી—
“આ રંગ બહુ સરસ છે ને?”
દીકરીએ હસતાં કહ્યું—
“મમ્મી, આ તમારા માટે લઈ લો.”
સુનૈના તરત જ બોલી—
“મારા માટે પછી... પહેલાં તારા માટે પસંદ કરીએ. તારા ભાઈનાં લગ્ન પછી તારા લગ્ન પણ જલ્દી આવશે ને! એટલે તારી તૈયારી પણ અત્યારથી જ કરી લઈએ.”
દીકરી તેની સામે જોઈને હસી પડી અને એની
મમ્મીને પૂછ્યું—
“મમ્મી, તમે ક્યારેય તમારા માટે વિચારશો?”
સુનૈના પણ હળવેથી હસી અને બોલી—
“મારા માટે તો તમે બંને જ છો.”
દીકરીએ કહ્યું—
“મમ્મી, હું હંમેશાં તમારી સાથે જ રહીશ. મારે લગ્ન નથી કરવા.”
સુનૈના તરત જ બોલી—
“અરે ગાંડી! આવું કેમ બોલે છે? દરેક છોકરીએ એક દિવસ પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં તો જવું જ પડે. આ તો સૃષ્ટિનો નિયમ છે.”
થોડી ક્ષણ રોકાઈને તે બોલી—
“જો, હું પણ તો વર્ષો પહેલાં મારું ઘર, મારા મમ્મી-પપ્પા અને મારી આખી દુનિયા છોડીને તારા પપ્પા સાથે અહીં આવી ગઈ હતી ને... અને એટલે જ તો મને તારા જેવી સુંદર દીકરી મળી.”
દીકરી થોડું મૌન રહી. પછી કહ્યું—
“હા મમ્મી... પણ એટલે જ તો મારે લગ્ન નથી કરવા.”
સુનૈના દીકરી સામે જોઈ રહી.
દીકરી આગળ બોલી—
“હું મારા મમ્મી-પપ્પાને છોડીને કોઈ બીજાને કેવી રીતે અપનાવી લઉં? અને પછી ત્યાં જઈને સાસુના ટોણા સહન કરવા, પતિની નારાજગી અને ગુસ્સો સહન કરવો... આખી જિંદગી ઘર માટે કામ કરવું, બધાના વિશે વિચારવું... છતાં આપણી કોઈ કિંમત જ ન હોય તો એવા લગ્નજીવનનો શું અર્થ, મમ્મી?”
તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
“ક્યારેક તો મમ્મી, મને એવો વિચાર આવે છે કે આવતા જન્મમાં હું તમારી મમ્મી બનું અને તમે મારી દીકરી.”
તે મમ્મીને ભેટી પડી.
“એ વખતે હું તમને ક્યારેય કોઈની સામે ઓછા નહીં પડવા દઉં. તમને ક્યારેય કોઈ વાતની કમી નહીં પડવા દઉં. દુનિયાનું દરેક સુખ તમને આપીશ... કારણ કે તમે એ બધાં સુખની હકદાર છો, મમ્મી.”
સુનૈના: ના, દીકરા આવું ન બોલાય, તારા પપ્પા મને ખૂબ પ્રેમ કરે છે, મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે, મારી કેટલી ચિંતા કરે છે.. અને બા પણ સારા જ છે, એતો હવે એમની ઉંમર થઈ ગઈ છે ને એટલે એનો સ્વભાવ થોડો ચિડચિડિયો થઈ ગયો છે.
દીકરી : પપ્પા ફક્ત સાથે રહેવાની ફરજ પૂરી કરે છે મમ્મી. એને પ્રેમ ન કેહવાય, અને એ પણ એટલે કે તું એમનું ઘર, એમના મમ્મી પપ્પા બધા ને સારી રીતે સાચવે છે...બસ બીજું કંઈ જ નથી. તું માને કે ન માને...
દીકરીના શબ્દોએ સુનૈનાને ફરી એક વાર વિચારતા કરી દીધી...
અને કદાચ આ જ કારણોસર આજની ઘણી દીકરીઓ લગ્ન કરવા માટે રાજી નથી થતી...
કારણ કે તેમણે પોતાની મમ્મીને આખી જિંદગી સમાધાન કરતાં, બધાની ખુશી માટે પોતાની ખુશીઓ ભૂલતાં અને ઘણી વખત પોતાની જ કિંમત માટે લડતાં જોઈ છે.
એ પોતાની મમ્મી જેવી જિંદગી નથી જીવવા માંગતી.
એ બીજી સુનૈના બનવા નથી માંગતી...
એ પોતાની એક અલગ ઓળખ સાથે, સન્માન અને પ્રેમથી ભરેલું જીવન જીવવા માંગે છે.
સુનૈના દીકરીને છાતીએ લગાવીને ચૂપચાપ ઊભી રહી.
આજે પહેલી વાર તેને લાગ્યું કે તેની દીકરીએ માત્ર તેના દુઃખો જોયા નહોતા...
તેની આખી જિંદગી વાંચી લીધી હતી.
આટલું કહીને તે આગળ વધી જતી.
પરંતુ એ એક વાતમાં તેની આખી જિંદગી સમાઈ ગઈ હતી.
લગ્નના દિવસો નજીક આવતા ગયા.
ઘરમાં સગાંસંબંધીઓ આવવા લાગ્યા.
રસોડામાં સતત કંઈક બનતું.
ઘરમાં હાસ્ય...
બાળકોની મજાક...
લગ્નના ગીતો...
મહેમાનોની અવરજવર...
વર્ષો પછી સુનૈનાનું ઘર ફરી જીવતું લાગતું હતું.
એક સાંજે સુનૈના થાકીને પોતાના રૂમમાં આવી.
તેને લાગ્યું કે આજે શરીર જાણે જવાબ આપી રહ્યું છે.
તે થોડા સમય માટે પલંગ પર બેસી ગઈ.
પછી બહારથી બાળકોના હસવાનો અવાજ આવ્યો.
તેના ચહેરા પર ફરી સ્મિત આવી ગયું.
તે ઊભી થઈ.
અરીસા સામે ગઈ.
આજે ચહેરા પર થાક હતો.
આંખોની નીચે કાળા કુંડાળા હતા.
વાળમાં સફેદીની લટો દેખાતી હતી.
પરંતુ આંખોમાં...
આજે ગજબની ચમક હતી.
નૈના અરીસામાંથી તેને જોઈને બોલી—
"આજે તો બહુ ખુશ છે તું."
સુનૈના હસીને બોલી—
"હા..."
"બાળકોની ખુશી સામે મારું દુઃખ બહુ નાનું લાગે છે."
નૈના : "પણ તારા દુઃખને નાનું સમજવાની જરૂર નથી, સુનૈના."
સુનૈનાએ અરીસામાં પોતાને જોયું.
"મને ખબર છે..."
"પણ આજે મને ખુશ રહેવા દે."
નૈના હળવું સ્મિત કરી ચૂપ થઈ ગઈ.
કારણ કે તે જાણતી હતી—
કેટલીક ખુશીઓ એવી હોય છે, જેમાં માણસ થોડા સમય માટે પોતાનું દુઃખ ભૂલી જવા માગે છે.
અને કદાચ એ પણ જરૂરી હોય છે.
લગ્નનો દિવસ આવી ગયો.
ઘરમાં શણગાર હતો.
હાસ્ય હતું.
સંગીત હતું.
અને સુનૈનાની આંખોમાં વારંવાર આંસુ આવી જતા.
દુઃખના નહીં...
આનંદના.
પોતાના દિકરાને પોતાના નવા જીવનમાં પગ મૂકતા જોઈને તેને લાગ્યું કે જાણે તેની વર્ષોની મહેનત આજે પૂર્ણ થઈ રહી છે.
તે દૂર ઊભી રહીને બંનેને જોઈ રહી હતી.
આંખોમાં આંસુ હતાં...
અને હોઠ પર સ્મિત.
નૈના જાણે તેના કાનમાં ધીમેથી બોલી—
"જુએ છે, સુનૈના?
જીવન કેટલું વિચિત્ર છે.
એક તરફ શરીર તને રોકે છે...
બીજી તરફ બાળકોની ખુશી તને ફરી દોડતા શીખવે છે."
સુનૈના મનમાં જ બોલી—
"હા નૈના...
કદાચ આ જ તો જીવન છે.
ક્યારેક દુઃખ સાથે જીવવાનું...
અને ક્યારેક એ જ દુઃખની વચ્ચે ખુશી શોધી લેવાનું."
લગ્નની ખુશીઓ વચ્ચે થોડા સમય માટે સુનૈનાનું અંદરનું વાવાઝોડું જાણે શાંત થઈ ગયું હતું.
પરંતુ...
જીવનના અરીસામાં હજી ઘણાં કાચના ટુકડા બાકી હતા.
અને દરેક ટુકડામાં સુનૈનાના જીવનની એક નવી હકીકત છુપાયેલી હતી.
સુનૈનાએ અરીસાના એ કાચના ટુકડા તરફ જોયું.
આ વખતે તેની આંખોમાં ભય નહોતો.
માત્ર એક શાંત સ્વીકાર હતો.
અને સુનૈના બાજુમાં પડેલા બીજા કાચના ટુકડામાં એના જીવનનો બીજો અધ્યાય શરૂ થતાં જોઈ રહી...
ક્રમશઃ...
Comments
Post a Comment