અરીસાની પેલે પાર…
ભાગ – ૧ સુનૈના અને અરીસો
તેનું નામ સુનૈના હતું,
અથવા કદાચ દેવિકા.
અથવા કદાચ કોઈ બીજી...
કારણ કે આ માત્ર એક
સ્ત્રીની કહાની નથી.
આ એ તમામ સ્ત્રીઓની કહાની છે, જે આખી જિંદગી બીજાઓ માટે જીવતાં-જીવતાં એક દિવસ અચાનક પોતાને જ ભૂલી જાય છે.
મારી આ કહાનીની શરૂઆત સુનૈના નામની એક સ્ત્રીથી થાય છે, જેનું બસ એક નાનું એવું સપનું હતું. જે દરેક સ્ત્રીનું હોય છે...
“એને એવો પતિ મળે, જે એને ખૂબ પ્રેમ કરે. એની નાનામાં નાની ખુશીનું પણ ધ્યાન રાખે અને એની આંખોમાં છુપાયેલી ખુશી અને ઉદાસીને કંઈ કહ્યા વગર જ સમજી જાય.”
સુનૈના આજે ખૂબ થાકી ગઈ હતી.
આખો દિવસ જાણે ઘરના કામમાં જ પસાર થઈ ગયો હતો. સવારથી સાંજ સુધી એક પછી એક કામ. રસોડું, વાસણો, કપડાં, ઘરની સફાઈ, ઘરના દરેક સભ્યની જરૂરિયાતો…
કામ પૂરું થવાનું નામ જ લેતું નહોતું.
આજે ઘરમાં કોઈ નહોતું.
થોડીવાર માટે તેને લાગ્યું હતું કે હવે તે આરામથી બેસી શકે છે. કદાચ એક કપ ચા લઈને પોતાના રૂમમાં શાંતિથી બેસી રહે. કોઈ તેને બોલાવનાર નહીં હોય, કોઈની કોઈ માંગ નહીં હોય.
પણ…
સુનૈના એવી સ્ત્રી હતી જ નહીં, જે ઘરમાં કોઈ વસ્તુ અસ્તવ્યસ્ત જોઈને આરામથી બેસી શકે.
ઘરમાં કોઈ ન હોય ત્યારે પણ તે ઘર ગોઠવ્યા વગર બેસી શકતી નહીં.
એટલે થાકેલી હોવા છતાં તેણે ફરી એકવાર આખું ઘર ગોઠવવાનું શરૂ કર્યું.
સુનૈનાનું ઘર મોટું હતું.
ઘરમાં પ્રવેશતાં જ એક વિશાળ દીવાનખાનું આવતું. ડાબી બાજુ એક મોટો સોફાસેટ હતો, જેની સામે એક મોટું ટીવી મૂકેલું હતું.
દરરોજ રાત્રે પરિવારના બધા સભ્યો અહીં ભેગા થતા. કોઈ ટીવી જોતું, તો કોઈ પોતાની સાથે લાવેલું કામ કરતું. પણ જ્યારે કોઈનો મનપસંદ કાર્યક્રમ આવતો, ત્યારે બધા એકસાથે ટીવી સામે બેસી જતા.
અને ત્યારે સુનૈના બધાની વચ્ચે દોડતી રહેતી.
કોઈ માટે ચા…
કોઈ માટે નાસ્તો…
કોઈ માટે પોપકોર્ન…
તો કોઈ માટે ગરમાગરમ ભજીયા.
આ બધું પણ તે ક્યારેય કોઈ ફરિયાદ વિના કરતી.
કારણ કે સુનૈના એવી જ હતી.
કદાચ આજની દરેક સ્ત્રી આવું કરી શકે એવું નથી. પણ સુનૈના માટે પરિવારની ખુશી જ તેની પોતાની ખુશી હતી.
અને કદાચ…
આ જ વાત સુનૈનાને બધાથી ખાસ બનાવતી હતી.
ટીવીની સામે કાચનું એક નાનું ટેબલ હતું. ટેબલ પર હંમેશાં તાજાં ફૂલોનો એક નાનો ગુલદસ્તો રહેતો.
દીવાનખાનાની સામેની દીવાલ પર પરિવારના કેટલાંક જૂના ફોટોગ્રાફ્સ લગાવેલા હતા.
એક ફોટામાં સુનૈના અને તેના પતિ લગ્નના વસ્ત્રોમાં હતાં.
બીજા ફોટામાં આખો પરિવાર સાથે ઊભો હતો.
અને એક ફોટો એવો હતો, જેને સુનૈના ઘણી વાર જોયા કરતી…
પણ એ ફોટો જોતી વખતે તેના ચહેરા પર હંમેશાં કંઈક બદલાઈ જતું.
જાણે એ ફોટા સાથે તેની કોઈ જૂની યાદ જોડાયેલી હોય.
દીવાનખાનાની જમણી બાજુ રસોડું હતું.
રસોડું પણ સુનૈનાની જેમ જ વ્યવસ્થિત હતું.
દરેક ડબ્બો પોતાની જગ્યાએ.
દરેક વાસણ પોતાની જગ્યાએ.
મસાલાના ડબ્બા એક જ લાઇનમાં ગોઠવાયેલા.
ચાની બરણી એક ખૂણામાં.
અને બારીની પાસે એક નાનું મંદિર.
હા…
ઘરમાં એક અલગ નાનું મંદિર પણ હતું.
સવારની શરૂઆત સુનૈના ઘણીવાર ત્યાં દીવો પ્રગટાવીને કરતી.
મંદિરમાં ભગવાનની મૂર્તિઓની બાજુમાં એક નાનકડી ચાંદીની ઘંટડી હતી.
અને ઘંટડીની નીચે એક જૂનો ફોટો.
સુનૈના એ ફોટા તરફ ભાગ્યે જ નજર કરતી.
પણ જ્યારે કરતી…
ત્યારે થોડીવાર માટે ચૂપ થઈ જતી.
રસોડાની પાછળ એક નાનો મહેમાનખંડ હતો.
ઘરમાં મહેમાનો આવે ત્યારે એ રૂમ ઉપયોગમાં આવતો.
મહેમાનખંડની બાજુમાં ઉપર જતી સીડી હતી.
ઉપરની માળે સૌથી પહેલા તેના સાસુ-સસરાનો રૂમ હતો.
તેમની બાજુમાં તેના જેઠનો રૂમ હતો.
અને તેની બાજુમાં…
સુનૈના અને તેના બાળકોનો રૂમ.
આ ઘર માત્ર ઈંટો અને દીવાલોથી બનેલું નહોતું.
આ ઘરમાં ઘણા લોકો રહેતા હતા.
ઘણા સંબંધો રહેતા હતા.
ઘણી વાતો રહેતી હતી.
ઘણું હાસ્ય…
અને કદાચ ઘણું બધું એવું પણ…
જે ક્યારેય કોઈની સામે બોલાયું નહોતું.
સુનૈનાના સાસુ-સસરા ઉંમરલાયક હતા.
તેના જેઠ પોતાના કામમાં વ્યસ્ત રહેતા અને જેઠાણી એક સ્કૂલમાં શિક્ષિકા હતી.
સુનૈનાના જેઠ અને જેઠાણીનાં પ્રેમલગ્ન થયાં હતાં.
લગ્ન પહેલાં જ જેઠાણીએ સ્પષ્ટ કહી દીધું હતું કે લગ્ન પછી પણ તે પોતાની નોકરી ચાલુ રાખશે અને સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરશે.
પરિવારે આ વાતને સ્વીકારી હતી.
અને તેનું એક મોટું કારણ હતું સુનૈનાના જેઠનો પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ.
તેઓ તેને ખૂબ પ્રેમ કરતા હતા.
એટલો કે જો તેમની પસંદની છોકરી સાથે લગ્ન ન થાય, તો તેઓ આખી જિંદગી લગ્ન નહીં કરે—એવી વાત તેઓ ઘણીવાર કહેતા.
સુનૈનાનો એક નાનો દિયર પણ હતો.
તેની પત્ની એટલે કે સુનૈનાની દેરાણી પણ ખૂબ જ પ્રેમાળ હતી.
બંને નોકરી કરતા હતા.
ઘરમાં સૌથી વધુ હાસ્ય જો કોઈના કારણે ગુંજતું હોય તો એ બંનેના કારણે.
દિયર અને દેરાણી બંને સુનૈનાને ખૂબ સમજતા.
સુનૈના કંઈ બોલે એ પહેલાં જ ઘણીવાર બંને સમજી જતા કે તેના મનમાં શું ચાલી રહ્યું છે.
સુનૈના માટે તેઓ માત્ર દિયર અને દેરાણી નહોતાં.
તેઓ તેના ખૂબ જ લાડકા હતાં.
બંને ઘણીવાર તેને ચીડવતા.
મજાક કરતા.
ક્યારેક તો બંને સાથે મળીને સુનૈનાની એવી મજાક કરતા કે તે ગુસ્સો કરવાનો પ્રયત્ન કરતી અને પછી પોતે જ હસી પડતી.
અને જ્યારે પણ સુનૈનાને કોઈ વાતનું દુઃખ થતું…
ત્યારે સૌથી પહેલા બંને તેની બાજુમાં ઊભા રહેતા.
દિયર : "ભાભી, તમે ચિંતા ન કરો. અમે છીએ ને!"
આ બે શબ્દો સુનૈના માટે ઘણીવાર કોઈ દવાથી ઓછા નહોતા.
પણ આજે…
ઘરમાં કોઈ નહોતું.
ન પતિ.
ન જેઠ.
ન જેઠાણી.
ન દિયર.
ન દેરાણી.
ન બાળકો.
ન સાસુ-સસરા.
આખું ઘર જાણે સુનૈનાની રાહ જોઈ રહ્યું હતું.
ઘરનું બધું કામ પૂરું કરીને તેણે એક લાંબો શ્વાસ લીધો.
સુનૈના : "હવે હું થોડીવાર બેસીશ."
તે પોતાના રૂમ તરફ ચાલી.
રૂમમાં પ્રવેશતાં જ તેની નજર ઘડિયાળ પર પડી.
ટિક…
ટિક…
ટિક…
દીવાલ પરની ઘડિયાળ સતત ચાલી રહી હતી.
રૂમની એક બાજુ મોટી અલમારી હતી.
અલમારીની સામે પલંગ હતો.
પલંગની બાજુમાં બાલ્કની તરફ જતો દરવાજો હતો.
બાલ્કનીની બાજુમાં એક નાનું ટેબલ હતું.
ટેબલ પર કેટલીક પુસ્તકો હતી.
એક નાની ફૂલદાની હતી.
અને…
ફૂલદાનીની બાજુમાં…
એક મોટો અરીસો હતો.
સુનૈનાએ રૂમમાં નજર કરી.
તેના પતિ અને બાળકો રૂમને ફરી એકવાર અસ્તવ્યસ્ત કરીને ગયા હતા.
કપડાં આમતેમ પડ્યાં હતાં.
કેટલીક વસ્તુઓ પલંગ પર હતી, તો કેટલીક ખુરશી પર.
એક પણ વસ્તુ પોતાની જગ્યાએ નહોતી.
આ વાત સુનૈનાને બિલકુલ ગમતી નહોતી.
તે થાકેલી હતી, છતાં તરત જ રૂમ ગોઠવવા લાગી.
એક પછી એક કપડાં ઉઠાવીને પોતાની જગ્યાએ મૂકવા લાગી.
પલંગની ચાદર વ્યવસ્થિત કરી.
ટેબલ ગોઠવ્યું.
ખુરશી પર પડેલાં કપડાં અલમારીમાં મૂક્યાં.
થોડીવારમાં આખો રૂમ ફરી એકવાર સુનૈનાની જેમ વ્યવસ્થિત થઈ ગયો.
પણ આ બધું કરતાં કરતાં તેના પગ ખૂબ થાકી ગયા હતા.
સુનૈના ધીમા પગલે અરીસાની સામે જઈને ઊભી રહી.
પહેલા તેણે અરીસાની સારી રીતે સફાઈ કરી.
પછી અરીસાની સામે જોઈને હસતાં હસતાં બોલી—
સુનૈના : "વાહ! આજે તો તું એકદમ ચમકી ગઈ, નૈના. જો હું તારું આટલું ધ્યાન રાખું છું, તો તારે પણ મારું ધ્યાન રાખવાનું છે. મારો મિત્ર બનીને… મારો પડછાયો બનીને… મારી રાજદાર બનીને."
આટલું કહીને તે થોડીવાર પોતાની જાતને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જોતી રહી.
પછી તેણે પોતાના ચહેરાને ધ્યાનથી જોયો.
વાળ અસ્તવ્યસ્ત હતા.
સાડીનો પાલવ એક બાજુથી સરકી ગયો હતો.
ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો.
આંખોની નીચે કાળા કુંડાળા હતાં.
ચહેરા પર ઉંમરની કરચલીઓ દેખાતી હતી.
સુનૈનાએ અરીસામાં પોતાની જાતને જોઈને કહ્યું—
સુનૈના : "હે ભગવાન! આજે તો મારી હાલત જોઈ છે? એકદમ કામવાળી બાઈ જેવી લાગી રહી છું."
અરીસામાં ઊભેલી સ્ત્રી કંઈ બોલી નહીં.
સુનૈનાએ ભ્રમર ચડાવી.
સુનૈના : "હવે તું કંઈ બોલવાની નથી?"
થોડી ક્ષણ પછી તેણે પોતે જ હસીને કહ્યું—
નૈના : "હું શું બોલું? તું મારી વાત ક્યારેય સાંભળે છે ક્યાં?"
સુનૈના તરત જ અરીસામાં જોઈને હસી પડી.
સુનૈના : "નૈના! તું ફરી શરૂ થઈ ગઈ?"
નૈના : "હા, કારણ કે તું સુધરતી નથી."
સુનૈના : "હું બહુ સારી છું."
નૈના : "હા, એ તો તું આખો દિવસ પોતાને જ કહેતી રહે છે."
સુનૈના ખડખડાટ હસી પડી.
સુનૈના : "તને ખબર છે ને, તારા સિવાય મારી સાથે આ રીતે વાત કરવાની કોઈની હિંમત નથી."
નૈના : "કારણ કે તારા ઘરમાં બધા તને ખૂબ પ્રેમ કરે છે."
સુનૈના : "હા… કરે તો છે."
સુનૈનાના ચહેરા પર અચાનક એક નાનું સ્મિત આવ્યું.
નૈના : "તારો દિયર અને દેરાણી તો તને સૌથી વધારે લાડ કરે છે."
સુનૈના : "એ બંને છે જ એવા. બંને મારા લાડકા છે. મેં તેમને ક્યારેય મારા દિયર કે દેરાણી ગણ્યા જ નથી. તેઓ તો મારા બે સંતાન સમાન છે."
થોડીવાર રોકાઈને સુનૈના ધીમેથી બોલી—
સુનૈના : "મારો દિયર રાહુલ… જ્યારથી હું આ ઘરમાં આવી છું, ત્યારથી એ મને 'મોટી મમ્મી' કહીને બોલાવે છે. બસ, ત્યારથી જ મને મા બન્યા પહેલાં જ મા હોવાનો અહેસાસ થયો હતો. રાહુલે મને મા બન્યા પહેલાં જ માતૃત્વનો અહેસાસ કરાવી દીધો હતો. એટલે જ તો એ આ ઘરમાં મને સૌથી વધારે પ્રિય છે."
નૈના : "અને એટલે જ તું પણ તેને એટલો જ પ્રેમ કરે છે."
સુનૈના : "હા."
થોડીવાર માટે સુનૈના ચૂપ થઈ ગઈ.
પછી ધીમેથી બોલી—
સુનૈના : "નૈના… તું જાણે છે ને, એ બંને મને કેટલું સમજે છે?"
નૈના : "હા, હું જાણું છું. પણ તું મારી વાત તો ક્યારેય નથી સમજતી."
સુનૈનાએ તરત જ અરીસામાં જોયું.
સુનૈના : "ફરી શરૂ ન થઈ જા!"
નૈના : "હું તો વર્ષોથી તને સમજાવું છું."
સુનૈના : "શું સમજાવ્યું છે તેં મને?"
નૈના : "કે તું દરેક વાત પોતાના મનમાં ન રાખ."
સુનૈના : "હું નથી રાખતી."
નૈના : "ખોટું બોલે છે."
સુનૈનાના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ગાયબ થઈ ગયું.
સુનૈના : "નૈના…"
નૈના : "હું સાચું કહું છું."
સુનૈના : "ચૂપ."
નૈના : "તું આખી જિંદગી બધાની વાત સાંભળતી રહી. બધાની ચિંતા કરતી રહી. બધાની ખુશી માટે જીવતી રહી."
સુનૈનાએ અરીસામાંથી નજર હટાવી.
સુનૈના : "બસ."
નૈના : "પણ ક્યારેય પોતાની વાત સાંભળી?"
સુનૈના ચૂપ રહી.
નૈના : "ક્યારેય વિચાર્યું કે તને શું જોઈએ છે?"
સુનૈના : "નૈના, મેં કહ્યું ને… બસ કર."
નૈના : "તું ગુસ્સે કેમ થાય છે?"
સુનૈના : "કારણ કે તું મને હંમેશાં એ જ વાતો યાદ કરાવે છે."
નૈના : "કારણ કે તું ભૂલી જવા માંગે છે."
આ શબ્દો સાંભળીને સુનૈના અચાનક અરીસાની સામે ફરી ઊભી રહી.
તેની આંખોમાં ગુસ્સો હતો.
સુનૈના : "હા! ભૂલી જવા માંગુ છું!"
નૈના : "શું?"
સુનૈના : "બધું!"
નૈના : "બધું શું?"
સુનૈના : "તું કેમ નથી સમજતી?"
નૈના : "હું તો તને સૌથી વધારે સમજું છું."
સુનૈના : "તું મને સમજતી નથી!"
તેનો અવાજ હવે ઊંચો થઈ ગયો હતો.
નૈના : "સુનૈના…"
સુનૈના : "ચૂપ!"
થોડી ક્ષણ માટે બંને વચ્ચે મૌન છવાઈ ગયું.
સુનૈના જાણે કોઈથી રિસાઈ ગઈ હોય તેમ અરીસાની સામે પીઠ કરીને ઊભી રહી ગઈ.
થોડીવાર પછી તે પલટી.
ત્યારબાદ અરીસામાં પોતાની જ આંખોમાં જોઈને ધીમેથી બોલી—
સુનૈના : "તું જ તો મારી સૌથી મોટી મુશ્કેલી છે."
નૈના : "હું?"
**સુનૈના : "હા, તું!"
નૈના : "પણ હું તો તારી પોતાની છું."
સુનૈના : "એ જ તો મારી ભૂલ છે."
નૈના ચૂપ થઈ ગઈ.
સુનૈનાએ બાજુમાં પડેલી ફૂલદાની તરફ જોયું.
તેના હાથ ધ્રૂજવા લાગ્યા.
નૈના : "સુનૈના… શું કરે છે?"
સુનૈનાએ ફૂલદાની હાથમાં ઉપાડી.
નૈના : "મને ખબર છે તું ગુસ્સામાં છે."
સુનૈના : "ચૂપ!"
નૈના : "પણ અરીસો તોડી નાખવાથી કંઈ બદલાશે નહીં."
સુનૈના અરીસાની સામે ઊભી રહી.
સુનૈના : "મને તારો ચહેરો નથી જોવો!"
નૈના : "પણ એ ચહેરો તારો જ છે."
સુનૈનાની આંખોમાં આંસુ આવી ગયા.
સુનૈના : "ચૂપ!"
નૈના : "તું મારાથી ભાગી શકે છે, પણ પોતાની જાતથી નહીં. આજે ભલે તું ગુસ્સામાં મને તોડી નાખે, પણ હું તો તારી અંદર જ છું. તું મારાથી ક્યારેય છૂટકારો મેળવી નહીં શકે. અરીસો તૂટશે તો હું કદાચ ચૂપ થઈ જઈશ, પણ મારી સાથે તારી બધી વાતો પણ બંધ થઈ જશે. પછી તારી સાથે વાત કોણ કરશે? તું તારા મનની વાત કોને કહેશે?"
સુનૈના આજે કોઈ પણ રીતે અરીસામાં છુપાયેલી નૈનાની વાત સાંભળવા તૈયાર નહોતી.
નૈના : "ફરી એક વાર વિચાર કરી જો. મારા વગર તારી જિંદગીનો કોઈ મતલબ જ નહીં રહે."
આજે સુનૈના ખબર નહીં કેમ, પણ અરીસાની અંદર છુપાયેલી નૈનાની કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતી.
અને…
આખરે આટલી નાની વાતમાં પણ સુનૈનાએ ગુસ્સામાં ફૂલદાની અરીસા તરફ ફેંકી.
ધડામ!
અરીસો એક જોરદાર અવાજ સાથે તૂટી ગયો.
અરીસાના ટુકડાઓ જમીન પર વિખેરાઈ ગયા.
સુનૈના સ્તબ્ધ ઊભી રહી.
તેના પગ પાસે અરીસાનો એક ટુકડો પડ્યો હતો.
તેણે નીચે જોયું.
એ ટુકડામાં…
નૈના ઊભી હતી.
સુનૈનાની આંખોમાં આંસુ આવી ગયા.
તે ધીમેથી જમીન પર બેસી ગઈ.
સુનૈના : "નૈના…"
અરીસાના ટુકડામાંથી કોઈ જવાબ આવ્યો નહીં.
સુનૈના : "હવે તું મારી સાથે વાત નહીં કરે?"
મૌન.
સુનૈનાએ આંખો બંધ કરી.
પણ નૈનાનો અવાજ હજુ પણ તેના કાનમાં સંભળાતો હતો.
નૈના : "તું મારી વાત ક્યારેય સાંભળતી નથી, સુનૈના…"
સુનૈનાએ આંખો ખોલી.
અરીસો તૂટી ગયો હતો.
જમીન પર કાચના અસંખ્ય ટુકડાઓ વિખેરાયેલા પડ્યા હતા.
સુનૈના ધીમેથી નીચે બેસી ગઈ.
તેની નજર સામે પડેલા એક કાચના ટુકડા પર પડી.
તેમાં તેને પોતાની આંખો દેખાઈ.
આંખોમાં આંસુ હતાં.
તેણે ધીમેથી બીજો ટુકડો હાથમાં લીધો.
પણ…
આ વખતે નૈના નહોતી.
સુનૈના થોડીવાર એ કાચના ટુકડાને જોતાં રહી.
સુનૈના : "નૈના…?"
કોઈ જવાબ નહીં.
તેને લાગ્યું કદાચ નૈના ગુસ્સે થઈ ગઈ હશે.
સુનૈના : "નૈના… મારી સાથે વાત કર."
મૌન.
સુનૈનાએ ફરી આજુબાજુ જોયું.
સુનૈના : "નૈના… તું ક્યાં છે?"
પણ આજે…
નૈના ચૂપ હતી.
સાવ ચૂપ.
જે નૈના થોડા સમય પહેલાં સુધી તેની સાથે ઝઘડી રહી હતી…
જે તેને સમજાવી રહી હતી…
જે તેને કહી રહી હતી કે—
"તું મારાથી ભાગી શકે છે, પણ પોતાની જાતથી નહીં…"
એ નૈના આજે ક્યાંય નહોતી.
અરીસો તૂટી ગયો હતો.
જમીન પર કાચના નાના-નાના ટુકડા વિખેરાયેલા પડ્યા હતા.
એક કાચના ટુકડામાં સુનૈનાની આંખો દેખાતી હતી.
બીજા ટુકડામાં તેના વિખરાયેલા વાળ.
એક ટુકડામાં તેના હોઠ.
બીજા ટુકડામાં તેનો ગાલ.
એક ટુકડામાં તેનો હાથ.
એક ટુકડામાં તેની સાડીની અલગ-અલગ ભાત દેખાતી હતી.
એક ટુકડામાં તેના માથાની બિંદી.
એક ટુકડામાં તેના માથા પરનું સિંદૂર.
અને એક ટુકડામાં…
તેની આંખોમાંથી પડતાં આંસુ.
જાણે સુનૈનાની આખી જિંદગી પણ એ કાચના ટુકડાઓની જેમ જમીન પર વિખેરાઈ ગઈ હતી.
પણ નૈના…
હજી પણ ત્યાં જ હતી.
કારણ કે નૈના કોઈ બીજી સ્ત્રી નહોતી.
નૈના…
સુનૈનાની પોતાની પરછાઈ હતી.
એ પરછાઈ, જેની સાથે સુનૈના દિવસમાં કેટલીય વાર વાત કરતી.
ક્યારેક હસતી.
ક્યારેક ઝઘડતી.
ક્યારેક રડતી.
અને ક્યારેક…
એ જ પરછાઈને પોતાની સૌથી સારી સખી માનીને પોતાના દિલની એવી વાતો કહેતી…
જે દુનિયાના કોઈ માણસને કહી શકી નહોતી.
નૈના તેની સખી હતી.
તેની પરમ મિત્ર હતી.
તેની રાજદાર હતી.
તેના દિલની ધડકન હતી.
તેના મનમાં આવતા દરેક વિચારની સાક્ષી હતી.
નૈના…
સુનૈના માટે બધું જ હતી.
પણ આજે પહેલી વાર…
સુનૈનાએ નૈનાને પોતાનાથી અલગ કરવાની કોશિશ કરી હતી.
અને અરીસો તોડી નાખ્યો હતો.
સુનૈનાએ ફરી એકવાર કાચના ટુકડામાં જોયું.
આ વખતે તેને પોતાનો ચહેરો દેખાયો.
માત્ર પોતાનો ચહેરો.
ન કોઈ નૈના…
ન કોઈ અવાજ…
ન કોઈ સવાલ…
ન કોઈ જવાબ.
સુનૈના અચાનક ખૂબ જ એકલી થઈ ગઈ.
આખું ઘર ખાલી હતું.
રૂમ ખાલી હતો.
અરીસો ખાલી હતો.
અને…
તેનું મન પણ ખાલી થઈ ગયું હતું.
પણ શું અરીસો તૂટવાથી…
પરછાઈ પણ તૂટી શકે?
કદાચ નહીં.
કારણ કે અરીસો તો માત્ર કાચ હતો.
સુનૈના નીચે પડેલા કાચના એક ટુકડામાં પોતાનું બાળપણ જોઈ રહી હતી.
એ બાળપણ… જેમાં સુનૈના માત્ર આઠ કે નવ વર્ષની એક નાની બાળકી હતી.
એ બાળપણ… જ્યાંથી તેની અંદરની નૈનાની કહાની શરૂ થઈ હતી.
સુનૈનાની આંખો સામે જાણે ભૂતકાળના બંધ દરવાજા ધીમે ધીમે ખુલવા લાગ્યા.
સુનૈના પોતાના જીવનથી એટલી દૂર કેમ થઈ ગઈ હતી કે તેને પોતાની જ પરછાઈ સાથે વાત કરવી પડતી હતી?
સાચી કહાની તો…
હવે શરૂ થવાની હતી.
સુનૈનાના બાળપણની કહાની…
જ્યારે તે માત્ર આઠ કે નવ વર્ષની નાનકડી બાળકી હતી.
ક્રમશઃ…
ભાગ – ૨ : કાગળની હોડી અને એક તૂટેલું બાળપણ
સુનૈના નીચે પડેલા કાચના એક નાનકડા ટુકડામાં પોતાનું બાળપણ જોઈ રહી હતી.
ધીમે ધીમે કાચનો ટુકડો જાણે જીવંત થવા લાગ્યો...
એ બાળપણ… જ્યાંથી તેની અંદરની નૈનાની કહાની શરૂ થઈ હતી.
એ બાળપણ...
જ્યાં ચિંતા નહોતી.
જ્યાં આવતીકાલનો કોઈ ડર નહોતો.
જ્યાં વરસાદ એટલે ઉત્સવ હતો.
સુનૈનાની આંખો સામે જાણે ભૂતકાળના બંધ દરવાજા ધીમે ધીમે ખુલવા લાગ્યા.
સુનૈના ત્યારે માત્ર આઠ વર્ષની હતી.
ગોરો નિખરતો ચહેરો, મોટી કાળી આંખો, કપાળ પર વાળની લટ અને હોઠ પર હંમેશાં રમતું નિર્દોષ સ્મિત.
ઘરમાં બધા કહેતા,
"આ છોકરી તો જાણે ઢીંગલી જેવી લાગે છે."
પણ સુનૈનાને પોતાના રૂપનો ખ્યાલ નહોતો.
તેને તો બસ વરસાદ ગમતો.
જેવો પહેલો વરસાદ વરસે, કે તરત જ તે જૂના અખબારમાંથી કાગળની હોડી બનાવતી. ઘરની બહાર વરસાદનું પાણી ભરાતું અને તેના માટે એ કોઈ નાનો ખાડો નહોતો—એ તો આખો સમુદ્ર હતો.
એ દોડતી...
છબછબિયાં કરતી...
હસતી...
અને પોતાની હોડીને પાણીમાં તરતી મૂકતી.
ઘરની અંદરથી મમ્મીનો અવાજ આવતો.
મમ્મી : "સુનૈના... બસ હવે અંદર આવી જા. બહુ ભીંજાઈશ તો તને તાવ આવી જશે."
સુનૈના હસી પડતી.
સુનૈના : "હજી પાંચ મિનિટ..."
એને લાગતું હતું કે જેમ તેની કાગળની હોડી પાણી પર હળવેથી તરતી જાય છે, તેમ તેનું જીવન પણ હંમેશાં આવું જ હળવું અને ખુશીઓથી ભરેલું રહેશે.
પણ તેણે ક્યારેય પાછળ ફરીને એ કાગળ ની હોડી ને જોય નહોતી...
અને સુનૈનાના ત્યાં થી જવા સાથે જ,
વરસાદ વધે,
એટલે એ જ કાગળની હોડી ધીમે ધીમે પલળી જતી... વળી જતી... અને આખરે પાણીમાં જ ઓગળી જતી.
જિંદગી પણ ક્યારેક આવું જ કરે છે.
સપનાઓને ડૂબતા પહેલાં કોઈ અવાજ આવતો નથી.
થોડી વાર પછી સુનૈના ભીની થઈને ઘરમાં આવી.
એના નાનકડા પગલાં જમીન પર પાણીના નિશાન છોડી રહ્યા હતા.
એ દિવસે પહેલી વાર તેને એવી એક ઘટના અનુભવી, જેને એ સમજી શકી નહીં. તેને માત્ર એટલું જ સમજાયું કે કોઈ ખૂબ ઓળખીતું વ્યક્તિ હોવા છતાં તેની નજીક આવવાથી તેને અચાનક ડર લાગ્યો હતો.
"ઘરમાં અવારનવાર આવતા એના પપ્પાના દોસ્તનું વર્તન એ દિવસે સુનૈનાને અચાનક અજાણ્યું અને અસ્વસ્થ લાગ્યું. તેમની નજર અને નજીક આવવાની રીતથી તેના મનમાં એક અજાણ્યો ડર જન્મ્યો. એ પહેલી વાર હતું જ્યારે સુનૈનાને સમજાયું કે દરેક ઓળખીતો માણસ સુરક્ષિત હોય જ એવું નથી. શું થયું હતું, તે શબ્દોમાં મૂકી શકવાની ઉંમર પણ તેની નહોતી... પણ તેને એટલું જરૂર સમજાયું કે તેને આ બધું જરાય ગમતું નહોતું."
તે એક શબ્દ પણ બોલી શકી નહીં.
ગભરાયેલી સુનૈના દોડતી દોડતી પોતાના રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો.
રૂમમાં સામે મોટો અરીસો હતો.
એના ભીના વાળમાંથી પાણીના ટીપાં હજુ પણ જમીન પર ટપકી રહ્યા હતા.
સુનૈનાએ અરીસામાં પોતાને જોયું.
એની આંખોમાં વરસાદ નહોતો...
ડર હતો.
એની આંખોમાંથી આંસુ સરકી પડ્યાં.
એ જ ક્ષણે અરીસામાં ઊભેલી હૂબહૂ બીજી સુનૈના એને બોલતી જોઈ, સુનૈના ને જાણે કોઈ મીઠો અવાજ સંભળાયો.
"શું થયું, સુનૈના?"
સુનૈના ચમકી ગઈ.
સુનૈના : "મને... મને બહુ ડર લાગે છે."
અરીસા માં ઊભેલી સુનૈના એ કહ્યું, "જો તને કંઈ ખોટું લાગ્યું હોય... તો મમ્મીને કહી દે."
સુનૈનાએ હિંમત ભેગી કરી.
એ દોડતી દોડતી રસોડા સુધી ગઈ.
મમ્મી રસોઈમાં વ્યસ્ત હતાં.
સુનૈનાએ મોઢું ખોલ્યું...
"મમ્મી..."
પણ શબ્દો ગળામાં જ અટકી ગયા.
મમ્મીએ પાછળ વળી પ્રેમથી કહ્યું,
મમ્મી : "પહેલા કપડાં બદલી લે બેટા. પછી ગરમ દૂધ પીજે."
સુનૈના મમ્મીને ભેટી પડી.
એને ખૂબ કંઈ કહેવું હતું.
પણ એ દિવસે...
મૌન જીતી ગયું.
અને એ જ દિવસે...
અરીસામાં રહેતી નૈનાનો જન્મ થયો.
નૈના કોઈ પરછાંયો નહોતી.
એ સુનૈનાની અંદર બચી રહેલી હિંમત હતી.
એનો અવાજ હતો.
એનું સત્ય હતું.
અને કદાચ...
આગળના આખા જીવનમાં સુનૈનાને સૌથી વધુ સાથ આપનાર પણ એ જ બનવાની હતી.
સુનૈના ચૂપ રહી ગઈ.
થોડીવાર પછી મમ્મી રૂમમાં આવી.
મમ્મી : "ચાલ, વાળ સૂકવી દઉં. પછી ગરમ દૂધ પીજે."
સુનૈના મમ્મીની ગોદમાં માથું મૂકી બેસી ગઈ.
એને બધું કહી દેવું હતું...
પણ શબ્દો ફરી ગળામાં જ અટકી ગયા.
બીજા દિવસે સવાર પડી.
જાણે ગઈકાલે કંઈ બન્યું જ ન હોય એમ ઘરનું જીવન ફરી શરૂ થઈ ગયું.
સુનૈનાએ પોતાનો નીલો સ્કૂલ યુનિફોર્મ પહેર્યો.
સફેદ શર્ટ પર નીલો પિનાફોર, કમરમાં સરસ રીતે બંધાયેલો પટ્ટો, બે લાંબી ચોટલીઓ અને તેમાં બંધાયેલા સફેદ રિબન.
મમ્મીએ પ્રેમથી તેના કપાળ પર હાથ ફેરવ્યો.
મમ્મી : "મારી રાજકુમારી કેટલી સુંદર લાગે છે."
સુનૈનાએ અરીસામાં પોતાને જોયું.
પહેલાં એને આ શબ્દો સાંભળીને ખૂબ આનંદ થતો.
પણ આજે...
તેના મનમાં એક અજાણ્યો પ્રશ્ન જન્મ્યો.
અને સુનૈના એ અરીસા માં ઊભેલી સુનૈના ને નૈના નામ આપ્યું.
સુનૈના : "નૈના... બધા મને સુંદર કેમ કહે છે?"
નૈના : "કારણ કે તું સુંદર છે."
સુનૈના : "પણ સુંદર હોવું સારું છે ને?"
નૈના થોડું મૌન રહી.
નૈના : "લોકો ની નજર ખોટી હોઈ શકે... પણ તું ક્યારેય ખોટી નથી."
આ શબ્દો સુનૈનાના મનમાં ક્યાંક ઊંડે ઉતરી ગયા.
સમય પસાર થતો ગયો.
સુનૈના પહેલાં જેવી જ હસતી, રમતી અને સ્કૂલ જતી રહી.
પણ હવે એક ફેરફાર આવી ગયો હતો.
જ્યાં પહેલાં તે દરેક માણસ સાથે નિઃસંકોચ વાત કરતી હતી, ત્યાં હવે અજાણતાં જ થોડું અંતર રાખવા લાગી.
ઘરમાં કોઈ ઓળખીતું આવે તો તે ધીમેથી બીજા રૂમમાં ચાલી જતી.
કોઈ તેની નજીક ઊભું રહે તો તેને અસ્વસ્થતા અનુભવાતી.
તેને પોતાને પણ સમજાતું નહોતું કે આવું કેમ થાય છે.
દરેક સાંજે એ અરીસા સામે ઊભી રહેતી.
અરીસો હવે માત્ર કાચ રહ્યો નહોતો.
એ તો તેનો મિત્ર બની ગયો હતો.
એની અંદર રહેતી નૈના દરેક દિવસ તેની વાત સાંભળતી.
સુનૈના : "મને કેમ લાગે છે કે હું પહેલાની જેવી રહી નથી?"
નૈના : "કારણ કે તું મોટી નથી થઈ રહી... તું અંદરથી મૌન થવા લાગી છે."
એ દિવસે વરસાદ ફરી આવ્યો.
ઘરની બહાર બાળકો કાગળની હોડીઓ તરાવતા હતા.
સુનૈના બારી પાસે ઊભી રહીને તેમને જોતી રહી.
મમ્મીએ હસીને કહ્યું,
મમ્મી : "શું થયું? આજે હોડી નહીં બનાવે?"
સુનૈનાએ બહાર જોયું...
પાણી તો એ જ હતું.
વરસાદ પણ એ જ હતો.
પણ હવે એની અંદરનું બાળપણ પહેલાની જેમ નિર્ભય રહ્યું નહોતું.
એણે હળવેથી માથું ના માં હલાવ્યું.
મમ્મીને લાગ્યું—કદાચ દીકરી મોટી થઈ રહી છે.
પણ અરીસામાં ઊભેલી નૈનાને ખબર હતી...
સુનૈના મોટી નહોતી થઈ.
તે ફક્ત સમય કરતાં વહેલી ગંભીર બની ગઈ હતી.
આ જ રીતે સુનૈનાની સુંદરતા જ તેના જીવન માટે અભિશાપ બની ગઈ.
" આ માત્ર સુનૈનાની જ વાત નથી, પરંતુ આવી કેટલીય સુનૈનાઓ હશે, જે કોઈ કાકા, મામા, ભાઈ કે અન્ય ઓળખીતાના ખોટા સ્પર્શ અને શોષણનો ભોગ બને છે. તે સમયે તેઓ એટલી નાની હોય છે કે ડર સિવાય કંઈ અનુભવી શકતી નથી. તેમને સમજાતું જ નથી કે શું થઈ રહ્યું છે, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
પછી શરૂ થાય છે પોતાની જ જાત સાથેનું એક મૌન યુદ્ધ... એવું યુદ્ધ, જે ઘણીવાર આખું જીવન ચાલતું રહે છે. શરીર પરના ઘા કદાચ સમય સાથે ભરાઈ જાય, પરંતુ મન પર પડેલા ઘા સહેલાઈથી નથી ભરાતા.
ખબર નથી... આવી માનસિકતા ક્યારે બદલાશે? ક્યારે આપણા સમાજની દરેક સુનૈના નિર્ભય બનીને પોતાનું બાળપણ જીવી શકશે?
શાળામાં પણ એક સર તેને ખરાબ નજરથી જોતો. એ નજરનો અર્થ સુનૈનાને સંપૂર્ણ સમજાતો નહોતો, પરંતુ એટલું જરૂર સમજાતું હતું કે.. તેને બિલકુલ ગમતું નથી.
ઘરે આવીને કપડાં બદલતી વખતે તે અરીસાની સામે ઊભી રહી. અરીસામાં દેખાતી નૈનાને તે પોતાની બધી વાતો કહેવા લાગી.
નૈના: "આવું હોય તો મમ્મીને હમણાં જ કહી દે. રિક્ષા બદલી દેશે."
સુનૈનાએ મનમાં વિચાર્યું, "આજે તો કહી જ દઉં."
પણ જેવી તે મમ્મી પાસે ગઈ, મમ્મીએ કહ્યું,
મમ્મી: "ટ્યુશનવાળા સરનો ફોન આવ્યો હતો. પરીક્ષામાં બહુ ઓછા માર્ક્સ આવ્યા છે. આજથી રમવાનું બંધ. પહેલાં જમવા બેસ, પછી હોમવર્ક કરજે. કાલે ફરી પરીક્ષા છે, એમ સર કહેતા હતા."
સુનૈના હિંમત કરીને કંઈક કહેવા જતી હતી...
સુનૈના: "મમ્મી... મને તમને એક વાત..."
પણ મમ્મીએ તેની વાત અધૂરી જ રાખી.
મમ્મી: "પહેલા જમી લે. પછી રૂમમાં જઈને હોમવર્ક કર. હું કપડાં લઈને આવું છું, ત્યાં સુધી મોઢે કરી લે. પછી આવીને તને ભણાવું."
સુનૈના ચૂપચાપ માથું ઝુકાવીને પોતાના રૂમમાં ચાલી ગઈ.
સુનૈના ની નજર અરીસામાં પડી.
નૈના: "ફરી વાત ન કરી ને...? ખબર નથી, તારું શું થશે..."
સુનૈનાની આંખો ભરાઈ ગઈ.
સુનૈના: "ટ્યુશનના સર પણ રોજ મને ખરાબ રીતે અડવાનો પ્રયત્ન કરે છે. મને જરાય ગમતું નથી. હું ના પાડું તો વધારે હોમવર્ક આપે છે. આજે તો મમ્મીને પણ એમણે ફોન કરી દીધો."
થોડી ક્ષણ મૌન રહ્યું.
પછી સુનૈના ધીમે ધીમે બોલી,
સુનૈના: "સુંદર દેખાવું... શું એ ગુનો છે? મારી સાથે જ બધા આવું કેમ કરે છે? મને આમાંથી કંઈ જ ગમતું નથી. શું બધી છોકરીઓ સાથે આવું જ થતું હશે?"
નૈનાએ ઊંડો શ્વાસ લીધો.
"કદાચ... ઘણી છોકરીઓ સાથે ક્યારેક આવું બનતું હોય છે. પણ લોકો સમજતા નથી કે આ ઉંમરે બાળકના મન અને લાગણીઓ પર કેટલી ઊંડી અસર પડે છે. ખબર નથી, આવા લોકોને બીજાને દુઃખ આપી શું આનંદ મળતો હશે."
રાત્રે જ્યારે સુનૈનાના પપ્પા ઘરે આવ્યા, ત્યારે સુનૈના દોડી જઈને તેમના ખોળામાં બેસી ગઈ. પપ્પાને વ્હાલ કરવા લાગી. પપ્પા હંમેશાં તેને મમ્મીના ગુસ્સાથી બચાવતા, હોમવર્કમાં મદદ કરતા અને ખૂબ પ્રેમ કરતા. જ્યારે પપ્પા ઘરે ન હોય ત્યારે સુનૈનાને બિલકુલ ગમતું નહોતું. રજાના દિવસે તો આખો દિવસ પપ્પાની આસપાસ જ ફરતી, તેમની સાથે રમતી અને ખૂબ મસ્તી કરતી.
પછી અરીસા સામે જઈને નૈનાને હસતાં હસતાં કહેતી,
સુનૈના: "આજે તો પપ્પા ઘરે છે. આજે તો બહુ મજા આવશે. અમે બંને ખૂબ મસ્તી કરીશું."
નૈના: "તો પછી તું પપ્પાને બધું કહી દે."
સુનૈના આશ્ચર્યથી બોલી,
સુનૈના: "શું કહું?"
નૈના: "અરે બુદ્ધુ... શાળામાં, ટ્યુશનમાં અને રિક્ષામાં જે લોકો તારી સાથે ખોટું વર્તન કરે છે, એ બધું. પપ્પા બધાને પાઠ ભણાવશે."
સુનૈનાએ ઘણી વાર નક્કી કર્યું કે આજે પપ્પાને બધું કહી દઈશ... પણ જ્યારે પણ બોલવાનો સમય આવતો, ત્યારે તેનો ગળો સુકાઈ જતો. ડર તેના શબ્દોને રોકી લેતો. તે એક પણ શબ્દ બોલી શકતી નહોતી.
દિવસો પસાર થતા ગયા.
સુનૈનાની ઉંમર વધતી ગઈ...
અને તેની અંદરનો ડર પણ.
દરરોજ તે વિચારતી...
"આજે મમ્મીને કહી દઈશ..."
"કાલે પપ્પાને બધું કહી દઈશ..."
પણ એ "આજે" ક્યારેય આવતું જ નહોતું.
" એક નાની છોકરીના જીવનમાં સૌથી મોટો સાથી ઘણી વાર તેનો ડર બની જાય છે. આ જ ડરના કારણે કેટલીય છોકરીઓ અંદરથી તૂટી જાય છે. બહારથી તેઓ હસતી હોય છે, પરંતુ તેમના હૃદયમાં ચાલતું યુદ્ધ કોઈ જોઈ શકતું નથી.
જ્યારે કોઈ બાળકને પહેલી વાર ન ગમતા સ્પર્શનો અનુભવ થાય, ત્યારે તેને હિંમત કરીને પોતાના માતા-પિતાને બધું કહી દેવું જોઈએ. કારણ કે મૌન ઘણી વાર દુઃખને વર્ષો સુધી જીવતું રાખે છે."
આજે જમીન પર પડેલા અરીસાના કાચના ટુકડાઓમાં પોતાનું પ્રતિબિંબ જોતા જોતા સુનૈનાને ફરી પોતાનું એ બાળપણ યાદ આવી ગયું.
તે ધ્રૂજી રહી હતી.
તે કાચમાં તેને પોતાનો વર્ષો જૂનો ડર ફરી દેખાઈ રહ્યો હતો.
આંખોમાં આંસુ સાથે તે નૈનાને કહેવા લાગી,
સુનૈના: "જો મેં એ વખતે તારી વાત માની હોત... જો મેં હિંમત કરીને મમ્મી-પપ્પાને બધું કહી દીધું હોત... તો કદાચ આજે હું આ રીતે ડર સાથે જીવતી ન હોત."
આ વખતે...
સામે ઊભેલી નૈના સંપૂર્ણ શાંત હતી.
તેની તરફથી કોઈ જવાબ આવ્યો નહીં.
નિરાશ થયેલી સુનૈનાની નજર બાજુમાં પડેલા અરીસાના બીજા એક કાચના ટુકડા પર ગઈ...
અને અચાનક...
તેને ફરી કંઈક યાદ આવવા લાગ્યું...
ક્રમશઃ...
ભાગ – ૩ : સુનૈના અને મહાવારીના દિવસો
સુનૈનાની નજર બાજુમાં પડેલા અરીસાના બીજા એક કાચના ટુકડા પર ગઈ...
અને અચાનક...
ભૂતકાળનું એક વધુ પાનું તેની આંખો સામે ખુલવા લાગ્યું...
સમયની સાથે સુનૈના પણ ધીમે ધીમે મોટી થવા લાગી હતી. હવે તે ચૌદ વર્ષની થઈ ગઈ હતી.
એક રાત્રે લગભગ બે વાગ્યાનો સમય હતો. સુનૈના ગાઢ નિંદ્રામાં સૂતી હતી. અચાનક તેના પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો. પીડા એટલી તીવ્ર હતી કે ઊંઘમાં જ તેના મોઢામાંથી જોરદાર ચીસ નીકળી ગઈ...
"મમ્મી...!"
રૂમનો દરવાજો બંધ હતો. કદાચ તેનો અવાજ મમ્મી સુધી પહોંચ્યો નહીં.
પણ અરીસામાંથી એક ઓળખીતો અવાજ આવ્યો...
નૈના : "શું થયું સુનૈના? આમ અચાનક ચીસ કેમ પાડી? કોઈ ખરાબ સપનું જોયું?"
સુનૈના ફરી પીડાથી કણસી ઊઠી.
સુનૈના : "નૈના, અત્યારે તું ચૂપ રહે... મને બહુ પેટમાં દુખે છે... આવું તો મને ક્યારેય નથી થયું..."
નૈના : "ઓહ... તો સમય આવી ગયો લાગે છે..."
સુનૈના : "શેનો સમય? કંઈ સમજાય એમ બોલ."
નૈના : "હવે તારી મમ્મી જ તને સારી રીતે સમજાવી શકશે."
પેટ નું દર્દ સતત વધતું જતું હતું.
હિંમત કરીને સુનૈના ઊભી થઈ. બાજુના રૂમમાં મમ્મી-પપ્પા સૂતા હતા. તેણે દરવાજો જોરથી ખટખટાવ્યો.
સુનૈનાના મમ્મી અને પપ્પા ગભરાઈને જાગી ગયા.
દરવાજો ખોલતાં જ તેમણે જોયું કે સુનૈના પેટ પકડીને, દરવાજા પાસે બેસી ને રડતી ઊભી હતી.
સુનૈનાના પપ્પાએ તરત તેને ઊંચકીને બેડ પર સુવાડી.
સુનૈનાના પપ્પા એને પૂછી રહ્યાં હતાં, કે સુનૈના શું થયું ? આમ રડે છે કેમ ?
સુનૈનાના પપ્પાના મોઢા પર આજે એનો દીકરી પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો હતો.
ત્યારે સુનૈનાની મમ્મીની નજર સુનૈનાના કપડાં પર પડેલા લાલ ડાઘ પર ગઈ...
એક જ ક્ષણે સુનૈનાની મમ્મીને બધું સમજાઈ ગયું.
તેમણે શાંતિથી સુનૈનાના પપ્પાને ઈશારાથી વાત સમજાવી અને એમને બહાર જવાનો ઈશારો કર્યો.
સુનૈનાના પપ્પા પણ વાત સમજી ગયા, અને એ રૂમમાં થી બહાર નીકળી ગયા.
મમ્મીએ પ્રેમથી સુનૈનાના માથે હાથ ફેરવ્યો, તેને પોતાની છાતી સાથે ચાંપી લીધી અને કહ્યું,
"ડરતી નહીં બેટા... તારી સાથે કંઈ ખરાબ નથી થયું."
સુનૈના રડતાં રડતાં બોલી,
"મમ્મી... બહુ પેટમાં અને કમરમાં દુખે છે..."
મમ્મીએ તેને પાણી પીવડાવ્યું, ગરમ પાણીની થેલી પેટ અને કમર પર મૂકી, જરૂરી દવા આપી અને થોડો સમય તેની પાસે જ બેસી રહી.
થોડીવાર પછી સુનૈનાએ ધીમેથી પૂછ્યું,
"મમ્મી... આજે હું તમારી પાસે જ સૂઈ જાઉં? મને બહુ ડર લાગે છે..."
મમ્મીએ સ્મિત સાથે તેને પોતાની બાજુમાં સુવાડી, ચાદર ઓઢાડી અને તેના વાળમાં હાથ ફેરવતાં સમજાવવા લાગી...
"સુનૈના... આજે તારા જીવનમાં એક નવો પડાવ શરૂ થયો છે. આને મહાવારી કહે છે. દરેક છોકરીના જીવનમાં આ સમય આવે જ છે. આ કોઈ બીમારી નથી, કોઈ સજા નથી અને શરમાવાની પણ કોઈ વાત નથી. આ તો એ સંકેત છે કે તારું શરીર ધીમે ધીમે યુવાની તરફ આગળ વધી રહ્યું છે."
"દર મહિને થોડા દિવસો સુધી આવું થશે. ક્યારેક પેટમાં દુખાવો થશે, કમર દુખશે, થાક લાગશે કે મન પણ ઉદાસ થઈ જશે. આ બધું સામાન્ય છે. આવા દિવસોમાં શરીરને આરામ, સ્વચ્છતા, પૌષ્ટિક ખોરાક અને પોતાની સંભાળની જરૂર પડે છે."
"સૌથી મહત્વની વાત... આ વિશે ક્યારેય શરમ અનુભવતી નહીં. જો કોઈ તકલીફ થાય, વધારે દુખાવો થાય કે કોઈ પ્રશ્ન હોય, તો હંમેશા મારી સાથે ખુલ્લા મનથી વાત કરજે. હું હંમેશા તારી સાથે છું."
"તું હવે માત્ર મોટી નથી થઈ રહી... પણ ધીમે ધીમે એક મજબૂત સ્ત્રી બનવાની સફર શરૂ કરી રહી છે."
સુનૈના મમ્મીની દરેક વાત ધ્યાનથી સાંભળતી હતી.
બધી વાતો તેને પૂરી રીતે સમજાઈ નહોતી.
પણ એટલું જરૂર સમજાઈ ગયું હતું કે...
હવે તે એકલી નહોતી. તેની મમ્મી તેની સાથે હતી.
મમ્મીના ખોળામાં માથું મૂકતાં મૂકતાં ક્યારે તેને ફરી ગાઢ ઊંઘ આવી ગઈ, તેની તેને પણ ખબર ન પડી.
બીજા દિવસે સવારે પણ પેટમાં દુખાવો ચાલુ હતો.
તે ધીમે ધીમે રસોડા તરફ ગઈ.
ત્યાં જ બહારથી બાનો કડક અવાજ આવ્યો...
"સુનૈનાને કહી દેજે... ચાર દિવસ રસોડામાં નહીં આવે... અને મારા મંદિર પાસે પણ નહીં ફટકે."
આ શબ્દો સાંભળીને સુનૈના થંભી ગઈ.
તેને કંઈ સમજાયું નહીં.
મમ્મીએ માત્ર આંખોથી તેને શાંત રહેવાનો ઈશારો કર્યો.
પછી તેને પ્રેમથી રૂમમાં મોકલી દીધી.
"તું આરામ કર. હું દૂધ અને નાસ્તો રૂમમાં જ લઈને આવું છું."
સુનૈના ધીમા પગલે પોતાના રૂમમાં પહોંચી.
સામે અરીસો હતો.
તે પોતાની જાતને જોતી રહી.
થોડી ક્ષણો પછી...
અરીસામાંથી ફરી નૈનાનો અવાજ આવ્યો...
નૈના : "હવે કેમ છે સુનૈના? થોડું સારું લાગે છે?"
સુનૈના : "દર્દ તો હજુ છે... પણ મને એક વાત જ સમજાતી નથી. બા મારી પર આટલી નારાજ કેમ છે? અહીં ન જા... આને અડકતી નહીં... મંદિર પાસે ન જા... એવું શા માટે?"
નૈના : "મમ્મીએ તને બધું સમજાવ્યું ને?"
સુનૈના : "હા... પણ બધું હજુ સમજાયું નથી. સૌથી વધારે તો એ વાતનો ડર લાગે છે કે હવે દર મહિને આ બધું ફરી થશે. આ પીડા... આ નિયમો... આ બધું મને જ શા માટે સહન કરવું પડે?"
નૈના થોડું સ્મિત કરીને બોલી...
"આ પ્રશ્ન ફક્ત તારો નથી, સુનૈના... દુનિયાની કેટલીય છોકરીઓએ જીવનમાં પહેલી વાર આવો જ પ્રશ્ન પૂછ્યો છે."
સુનૈના મૌન રહી ગઈ.
તેની આંખોમાં હજી પણ અનેક પ્રશ્નો હતા...
અને કદાચ...
એ પ્રશ્નોના જવાબ તેને જીવનના દરેક નવા પડાવ સાથે ધીમે ધીમે મળવાના હતા...
સુનૈના મૌન રહી ગઈ.
થોડીવાર પછી તે ધીમેથી બારી પાસે જઈને ઊભી રહી.
બહાર સૂરજ તો રોજની જેમ જ ઉગ્યો હતો...
પણ આજે સુનૈનાની દુનિયા બદલાઈ ગઈ હતી.
એક જ રાતમાં તે બાળપણમાંથી કિશોરાવસ્થાના ઉંબરે આવીને ઊભી રહી હતી.
હવે માત્ર શરીર જ નહીં...
તેના વિચારો, તેના પ્રશ્નો અને દુનિયાને જોવાની તેની નજર પણ બદલાવાની હતી.
પણ તેને ક્યાં ખબર હતી કે...
મહાવારીનો આ પહેલો દિવસ માત્ર પીડાની શરૂઆત નહોતો...
આ તો એવા અનેક સવાલોની શરૂઆત હતી, જેના જવાબ શોધવામાં તેને હજુ આખું જીવન પસાર કરવાનું હતું.
અને અરીસામાં ઉભેલી નૈના...
હજી પણ તેની સાથે જ હતી.
ભાગ – ૪ : સુનૈનાના સપનાનો રાજકુમાર અને તેનું યૌવન
સુનૈનાની નજર બાજુમાં પડેલા અરીસાના બીજા એક કાચના ટુકડા પર ગઈ...
અને અચાનક...
ભૂતકાળનું વધુ એક પાનું તેની આંખો સામે ધીમે ધીમે ખુલવા લાગ્યું...
સમયની સાથે સુનૈના પણ ધીમે ધીમે મોટી થતી ગઈ હતી. બાળપણ અને કિશોરાવસ્થા પાછળ રહી ગઈ હતી. હવે તે યુવાનીના ઉંબરે ઊભી હતી.
આજે તેના કોલેજનો પહેલો દિવસ હતો.
ખુશી એટલી હતી કે જાણે આખી રાત ઊંઘ જ આવી ન હોય. સવારે ઊઠતાની સાથે જ તેણે કબાટમાંથી ચાર-પાંચ ડ્રેસ કાઢીને પથારી પર મૂકી દીધા.
"આજે શું પહેરું...?" તે પોતાની જાતને જ પૂછતી હતી.
ખુશીની સાથે થોડો ડર પણ હતો.
"કોલેજમાં રેગિંગ તો નહીં થાય ને?"
ડ્રેસ લઈને તે સીધી અરીસા સામે આવી.
અરીસામાં ઊભેલી પોતાની જ પરછાંઈ... તેની નૈના...
સુનૈના હસતાં હસતાં બોલી,
સુનૈના : "નૈના... કહે ને, હું શું પહેરું? કંઈ સમજાતું જ નથી. આજે પહેલો દિવસ છે... થોડો ડર પણ લાગે છે."
નૈના : "અરે... તારો આ ડર ક્યારે જશે? દરેક વાતમાં ડરવાનું નથી. હવે તું નાની નથી રહી. હવે તું પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. કયો ડ્રેસ પહેરવો એ પણ મને પૂછે છે? લાગે છે તને મારી બહુ આદત પડી ગઈ છે."
સુનૈના : "ના રે... એવું નથી. આજે ફક્ત પહેલો દિવસ છે એટલે પૂછ્યું. કાલથી બધું હું જાતે નક્કી કરી લઈશ."
નૈના જોરથી હસવા લાગી.
નૈના : "ચાલ, આજે તારો સાથ નથી છોડતી. પેલો પીળો ડ્રેસ પહેરી લે. તારા પર બહુ સરસ લાગે છે. એની સાથે પપ્પાએ જન્મદિવસે આપેલી ઓક્સિડાઈઝની ઈયરિંગ્સ, મેચિંગ બંગડીઓ, મમ્મી લાવેલા નવા સેન્ડલ અને તારો મનપસંદ પર્સ લઈ લે. અને હા... વાળ ખુલ્લા રાખજે. તારા ખુલ્લા વાળમાં તું ખરેખર ખૂબ સુંદર લાગે છે."
નૈનાની વાત સાંભળીને સુનૈના ખુશ થઈ ગઈ.
થોડી જ વારમાં તૈયાર થઈને ફરી અરીસા સામે આવી.
નૈના તેને જોતાં જ બોલી,
"વાહ... આજે તો તું એકદમ ફટાકડી લાગે છે. જો જરા સંભાળજે... કોલેજમાં બે-ચાર છોકરાઓ બેહોશ ન થઈ જાય!"
સુનૈના : "બસ કર... તારી તો આદત જ છે મને ચીડવવાની."
બંને હસી પડ્યાં.
સુનૈનાએ સ્કૂટીની ચાવી લીધી.
પપ્પાએ કહ્યું,
"બેટા, હું મૂકી આવું?"
સુનૈના : "ના પપ્પા... હું જઈ લઈશ. હવે હું મોટી થઈ ગઈ છું."
આ સાંભળીને પપ્પાની આંખોમાં અજાણતાં જ આંસુ આવી ગયા.
તેમણે તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું,
"જા બેટા... મન ભરીને જીવી લે તારી જિંદગી."
સુનૈના દોડી જઈને પપ્પાને ભેટી પડી.
"થેન્ક યુ પપ્પા..."
અહીંથી શરૂ થયો સુનૈનાના કોલેજ જીવનનો એક નવો અધ્યાય.
પીળો ડ્રેસ, પીળો દુપટ્ટો, આંખોમાં કાજલ, ખુલ્લા રેશમી વાળ, મોટા ઈયરિંગ્સ અને હાથમાં મેચિંગ બંગડીઓ...
આજે તો સુનૈના ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી હતી.
સ્કૂટી પાર્ક કરીને તે કોલેજના ગેટ તરફ ચાલી.
ગેટ પાસે કેટલાક સિનિયર છોકરાઓ ઊભા હતા.
તેઓ આવતી-જતી નવી વિદ્યાર્થિનીઓને રોકીને રેગિંગ કરી રહ્યા હતા.
સુનૈના થોડી ગભરાઈ ગઈ.
તેણે નજર નીચે રાખી આગળ વધવાનો પ્રયત્ન કર્યો.
એટલામાં પાછળથી અવાજ આવ્યો...
"એ પીળા દુપટ્ટાવાળી... અહીં આવો."
સુનૈના અટકી ગઈ.
"નામ, સરનામું, મોબાઇલ નંબર, કયા ક્લાસમાં ભણે છે, બધું લખીને આપો. પછી જ અંદર જવા મળશે."
ગભરાયેલી સુનૈનાએ કાગળ હાથમાં લીધો અને લખવા લાગી.
એટલામાં એક છોકરો ત્યાં આવ્યો.
તેણે સુનૈનાના હાથમાંથી કાગળ લઈ લીધો.
"આ બધું કરવાની કોઈ જરૂર નથી. તમે અંદર જઈ શકો છો."
સુનૈનાએ પહેલી વાર તેની આંખોમાં જોયું.
થોડા ક્ષણો માટે બંનેની નજર એકબીજામાં અટકી ગઈ.
તે છોકરાએ સ્મિત સાથે અંદર જવાનો ઈશારો કર્યો.
સુનૈના શરમાતી અંદર ચાલી ગઈ.
થોડું આગળ જઈને તેણે પાછળ ફરીને જોયું.
એ જ છોકરો બીજા છોકરાઓને કડક અવાજમાં કહી રહ્યો હતો,
"આજ પછી આ છોકરીને કોઈ પરેશાન કરશે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય."
સુનૈનાના દિલમાં પહેલી વાર કોઈ માટે એક અજાણી લાગણી જન્મી.
ક્લાસમાં જઈને તે બેસી ગઈ.
થોડીવાર પછી એ જ છોકરો ક્લાસમાં આવ્યો અને તેની પાછળની બેન્ચ પર બેસી ગયો.
ફરી એકવાર બંનેની નજર મળી.
આ વખતે બંનેના ચહેરા પર સ્મિત હતું.
ઘરે પહોંચીને સુનૈના સીધી પોતાના રૂમમાં ગઈ.
અરીસા સામે ઊભી રહીને બોલી,
"નૈના... ક્યાં છે તું? જલ્દી આવ. આજે મારી પાસે તને કહેવા માટે ઘણી વાતો છે."
થોડીવાર પછી અરીસામાંથી અવાજ આવ્યો.
નૈના : "હું તો અહીં જ છું. બોલ... કોલેજનો પહેલો દિવસ કેવો રહ્યો?"
પછી તો સુનૈના એક જ શ્વાસમાં આખા દિવસની દરેક ઘટના કહી ગઈ.
તેની આંખોમાં આજે એક નવી ચમક હતી.
નૈના હળવેથી હસી.
"એ છોકરાનું નામ પૂછ્યું?"
સુનૈનાએ પોતાના માથા પર હાથ મારી લીધો.
"અરે ભગવાન... હું તો પૂછવાનું જ ભૂલી ગઈ. થેન્ક યુ પણ નહોતું કહ્યું."
નૈના : "કોઈ વાંધો નહીં. કાલે કહી દેજે. હવે તો રોજ મળવાનું જ છે."
આ સાંભળીને સુનૈના શરમાઈ ગઈ.
નૈના : "આટલું શરમાવાનું શું હોય?"
સુનૈના : "તને નહીં સમજાય."
નૈના : "મને નહીં સમજાય તો પછી તારા મનની વાત કોને સમજાશે?"
બંને ફરી હસી પડ્યાં.
સમય પસાર થતો ગયો.
એ છોકરાનું નામ હતું...
સૂરજ.
સૂરજની જેમ જ તેના ચહેરા પર તેજ હતું.
કાળી, ઊંડી આંખો...
જીન્સ અને ટી-શર્ટમાં એકદમ હીરો લાગતો.
કોલેજમાં બધાને મદદ કરતો અને અન્યાય સામે ઊભો રહેતો.
ધીરે ધીરે સુનૈના અને સૂરજ વચ્ચે મિત્રતા થઈ ગઈ.
ક્યારેક ભણવામાં મદદ...
ક્યારેક પ્રોજેક્ટ...
ક્યારેક કેન્ટીનમાં ચા, કોફી અને સમોસા...
અને દર વખતે બિલ સૂરજ જ ચૂકવતો.
ક્યારે સુનૈના મિત્રતામાંથી પ્રેમ સુધી પહોંચી ગઈ...
તેને પોતાને પણ ખબર ન પડી.
એક દિવસ...
નૈનાએ સીધો પ્રશ્ન કર્યો.
"જો સૂરજ તને ગમે છે... તો એને કહી દે. મનની વાત મનમાં જ રાખીશ તો એક દિવસ પસ્તાવો થશે."
સુનૈના તરત જ શરમાઈ ગઈ.
"ના... ના... એવું કંઈ નથી. અમે તો ફક્ત મિત્રો છીએ."
નૈના માત્ર સ્મિત કરતી રહી.
તે જાણતી હતી...
સુનૈના પોતાના દિલથી ભાગી રહી હતી.
પણ સુનૈના ક્યારેય પોતાના દિલની વાત સૂરજને કહી શકી નહીં.
અને એક દિવસ...
તેની મમ્મીએ કહ્યું,
"આપણા સમાજમાંથી તારા માટે સારો સંબંધ આવ્યો છે. છોકરો અને પરિવાર બંને ખૂબ સારા છે."
સુનૈનાએ ઘણો વિરોધ કર્યો.
પણ આખરે માતા-પિતાની સમજાવટ સામે ઝૂકી ગઈ.
તેના લગ્ન નક્કી થઈ ગયા.
રૂમમાં આવીને તે નૈના સામે ઊભી રહી.
આંખોમાં આંસુ હતા.
નૈનાએ છેલ્લી વાર સમજાવ્યું.
"હજી પણ સમય ગયો નથી. સૂરજને એક વાર પૂછ. અને તારા મમ્મી-પપ્પાને પણ સાચું કહી દે."
પણ...
સુનૈના કંઈ બોલી નહીં.
ન સૂરજને...
ન પોતાના પરિવારને...
થોડા જ સમયમાં તેના લગ્ન થઈ ગયા.
છોકરાનું નામ હતું...
સતીશ.
લગ્ન પછી બધું બદલાઈ ગયું.
ઘર...
રૂમ...
કબાટ...
અરીસો...
લોકો...
અને તેની જિંદગી પણ.
પહેલો પ્રેમ ધીમે ધીમે યાદોમાં બદલાતો ગયો.
સુનૈનાએ હાથમાં રહેલો કાચનો ટુકડો ધીમેથી નીચે મૂકી દીધો.
તેના હોઠ પર હળવું સ્મિત હતું...
પણ આંખોમાં હજુ પણ ક્યાંક સૂરજની અધૂરી યાદ ઝળહળી રહી હતી.
એની નજર હવે બાજુમાં પડેલા અરીસાના બીજા એક કાચના ટુકડા પર ગઈ...
અને તેણે ધીમેથી તેને હાથમાં ઉઠાવી લીધો...
ક્રમશઃ
ભાગ – ૫ : નવા સંબંધો, નવા સપનાઓ
અરીસાના એક પછી એક કાચના ટુકડા સુનૈનાના જીવનના નવા અધ્યાયો ખોલી રહ્યા હતા...
સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો.
શાળાનું જીવન પૂરું થયું. કોલેજના દિવસો પણ યાદો બની ગયા. હવે સુનૈનાના જીવનમાં એક નવા સંબંધની શરૂઆત થવાની હતી.
કોલેજની યાદો સાથે સુનૈનાએ પોતાના જીવનની કેટલીક એવી લાગણીઓને પણ મનના એક ખૂણામાં દફનાવી દીધી હતી, જેને કદાચ હવે ક્યારેય શબ્દો મળવાના નહોતા.
" અને કદાચ આ ફક્ત એક સુનૈનાની વાત નથી, એવી અનેક સુનૈના હશે, જે પોતાનો પ્રેમ ખુદ પોતાના મમ્મી પપ્પાને કહેતા પણ ખચકાય છે. અને કોઈક વાર તો એ જેને પ્રેમ કરે છે, તેને પણ આ વાત કહી શકતી નથી. "
અને હવે આખરે સુનૈના પોતાના પ્રથમ પ્રેમ સૂરજની મીઠી યાદોને હૃદયમાં સમેટીને, તેને ભૂલી જવાનો પ્રયાસ કરતાં કરતાં નવા જીવન તરફ આગળ વધી રહી હતી.
સુનૈનાને અત્યારે તો ખબર ન હતી, કે જીવનની સફરમાં ફરી ક્યારેય તેની મુલાકાત સૂરજ સાથે થશે પણ કે નહીં...
અને સાચું કહીએ તો, હવે તે આ વિશે વધુ વિચારવા પણ માંગતી નહોતી.
અને સમય તેના માટે જીવનનો એક નવો અધ્યાય લખવા તૈયાર હતો.
ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી... દરેકના ચહેરા પર ખુશી હતી. મમ્મી દીકરીના વિદાયના વિચારથી ભાવુક થઈ જતી, તો પપ્પા મનની લાગણીઓને હાસ્ય પાછળ છુપાવવાનો પ્રયત્ન કરતા.
સુનૈનાના મનમાં પણ અનેક સપનાઓ હતાં.
એક એવું ઘર... જ્યાં તેને પ્રેમ મળે.
એક એવો જીવનસાથી... જે તેને સમજે.
એક એવો પરિવાર... જ્યાં તેને માત્ર વહુ નહીં, પરંતુ દીકરીનો પ્રેમ મળે.
થોડા જ દિવસોમાં સુનૈનાના લગ્ન ધામધૂમથી થઈ ગયા.
વિદાયની ક્ષણે જ્યારે તેણે પોતાના માતા-પિતાને ભેટી હતી, ત્યારે તેની આંખોમાંથી વહેતા આંસુઓ માત્ર વિયોગના નહોતા... એ બાળપણથી યુવાની સુધીની આખી સફરને અલવિદા કહેતા આંસુઓ હતાં.
વિદાય પહેલાં સુનૈના એક વાર ધીમા પગલે પોતાના રૂમમાં ગઈ.
દરવાજા પાસે થોડી ક્ષણ ઊભી રહી... પછી જાણે આખો રૂમ પોતાની આંખોમાં ભરી લેવા માંગતી હોય એમ તેણે એક પછી એક દરેક વસ્તુને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું.
બારીમાંથી આવતો સવારનો પ્રકાશ... દીવાલ પર તેણે પોતાના હાથે બનાવેલી નાની નાની પેઇન્ટિંગ્સ... અલમારી પર ચોંટાડેલી રંગબેરંગી બટરફ્લાય... બુકશેલ્ફમાં ગોઠવેલા પુસ્તકો... પલંગની બાજુમાં પડેલું તેનું મનપસંદ કુશન... અને કપડાંની અલમારી, એના ટેડી બેર, તેની ડાયરી, તેના મનગમતાં કપડાં અને મેકઅપનો સમાન, તેનો મની બેન્ક, જેમાં એ પોતાના પૈસા સાચવતી અને જરૂર પડે ત્યારે જ વાપરતી. એવી બીજી ઘણી બધી વસ્તુઓ જેમાં તેની કેટલીય યાદો સચવાયેલી હતી.
દરેક વસ્તુ સાથે તેની જિંદગીનો કોઈ ને કોઈ પ્રસંગ જોડાયેલો હતો.
આખરે તેની નજર અરીસા પર પડી...
એ જ અરીસો... જેની સામે ઊભી રહીને તેણે કેટલીય વાર પોતાની સાથે વાતો કરી હતી. ક્યારેક હસીને... ક્યારેક રડીને... તો ક્યારેક પોતાના બધા પ્રશ્નો અને સપનાઓ એની સામે મૂકી દીધા હતા.
સુનૈના ધીમે ધીમે અરીસા પાસે ગઈ. કંપતા હાથે તેણે અરીસાને સ્પર્શ કર્યો.
આંખોમાંથી આંસુઓ વહી નીકળ્યાં.
સુનૈના જાણે એના અરીસા ની નૈના સાથે વાત કરી રહી હતી,
"આજે હું માત્ર આ ઘર છોડતી નથી... હું મારી કેટલીય યાદો અહીં જ મૂકી જઈ રહી છું."
પણ આજે નૈના પણ ચૂપ હતી.
એક ઊંડો શ્વાસ લઈને તેણે છેલ્લી વાર આખા રૂમ પર નજર ફેરવી.
પછી એ તમામ યાદોને મનની એક અદૃશ્ય ગાંઠમાં બાંધીને... પોતાના બાળપણ, પોતાની ઓળખ અને પોતાના અરીસાને પાછળ છોડી... નવા જીવન તરફ આગળ વધી ગઈ.
નવા ઘરમાં પ્રવેશ કર્યા પછી સૌના ચહેરા પર ખુશી હતી.
સાસુએ આરતી ઉતારી. સસરાએ આશીર્વાદ આપ્યા. ઘરના બધા સભ્યોએ હસતાં હસતાં તેનું સ્વાગત કર્યું.
થોડી વારમાં તે પોતાના નવા રૂમમાં એકલી આવી.
ધીમે ધીમે તેણે રૂમમાં નજર ફેરવી.
નવો પલંગ... નવી અલમારી... નવી બારી... નવા પડદા... દીવાલ પર નવી તસવીરો...
તેણે દરેક વસ્તુને હળવેથી સ્પર્શ કરીને જાણે તેને પોતાનું બનાવવાનો પ્રયાસ કર્યો.
પણ...
કંઈક ખૂટતું હતું.
આ રૂમ સુંદર હતો... પણ હજુ પોતાનો લાગતો નહોતો.
તેની આંખો અજાણતાં જ કોઈ ઓળખીતો ચહેરો શોધવા લાગી.
અને એ જ ક્ષણે તેને પોતાનો જૂનો રૂમ યાદ આવ્યો... પોતાની બુકશેલ્ફ... દીવાલ પરની બટરફ્લાય... પોતાની અલમારી... અને સૌથી વધુ...
પોતાનો અરીસો...
જે દરરોજ તેની વાતો સાંભળતો હતો.
આજે પહેલી વાર તેને સમજાયું...
ઘર બદલવું સહેલું હોય છે, પણ પોતાના અસ્તિત્વ સાથે જોડાયેલી યાદોને પાછળ મૂકી આગળ વધવું એટલું સહેલું નથી.
"થોડી વારમાં સુનૈનાના પતિએ હળવેથી તેનો હાથ પકડીને કહ્યું...આજથી આ ઘર તારું જ છે..."
આ શબ્દો સાંભળીને સુનૈનાના હોઠ પર સ્મિત આવી ગયું.
તેને લાગ્યું...
કદાચ તેના બધા સપનાઓ હવે ધીમે ધીમે સાચા થવાના છે.
પણ... વિદાય માત્ર એક દીકરીની નથી થતી...
વિદાય થાય છે તેના બાળપણની, તેની આદતોની, તેના પોતાના ઘરની અને એ ઓળખની, જેની સાથે તે વર્ષો સુધી જીવતી આવી હોય છે.
લગ્ન પછી જેમ દરેક સ્ત્રી પોતાના નવા જીવનની શરૂઆત કરે છે, તેમ સુનૈના પણ પોતાના સપનાઓ અને અસંખ્ય આશાઓ લઈને નવા ઘરની દેહળી પર આવી ઊભી રહી.
પણ ક્યારેય કોઈએ વિચાર્યું છે કે...
એક સ્ત્રી માટે કેટલું અઘરું હોય છે એક સાવ અજાણ્યા વ્યક્તિને જીવનસાથી તરીકે સ્વીકારવું?
પોતાનું તન, મન, વિશ્વાસ અને આખું જીવન તેના હાથમાં સોંપી દેવું?
પોતાના માતા-પિતાને પાછળ મૂકી, બીજા કોઈના માતા-પિતાને પોતાના માતા-પિતા સમાન પ્રેમ, માન-સન્માન અને સેવા આપવાનો પ્રયાસ કરવો...
તેમના ભાઈ-બહેનોને પોતાના પરિવાર તરીકે સ્વીકારવા...
અને જે ઘર ગઈકાલ સુધી પારકું હતું, તેને આજથી "મારું ઘર" કહીને જીવવાનું શીખી જવું...
શું આ બધું ખરેખર સહેલું છે?
કે પછી દરેક સ્ત્રી પોતાના હૃદયમાં અસંખ્ય લાગણીઓ, ડર અને પ્રશ્નો લઈને જ આ સફર શરૂ કરતી હોય છે?
કદાચ...
લગ્ન માત્ર બે વ્યક્તિઓનો સંબંધ નથી.
તે એક સ્ત્રીના જીવનની સૌથી મોટી પરીક્ષા પણ છે—જેમાં તે દરરોજ નવા સંબંધોને નિભાવતાં નિભાવતાં, પોતાની ઓળખને પણ સાચવી રાખવાનો પ્રયાસ કરતી રહે છે.
જીવન હંમેશા આપણે વિચારીએ એવું નથી હોતું.
સમયની સાથે સંબંધોની વ્યાખ્યા પણ બદલાય છે.
અપેક્ષાઓ વધે છે.
જવાબદારીઓ વધે છે.
અને ઘણી વાર...
પોતાની ઓળખ ધીમે ધીમે જવાબદારીઓના ભાર નીચે દબાવા લાગે છે.
અરીસામાં રહેલી નૈના જાણે ધીમેથી સ્મિત કરીને બોલી...
"સુનૈના... દરેક છોકરી લગ્નના દિવસે નવા ઘરમાં પ્રવેશ કરે છે, પણ ઘણી વાર તે જ દિવસે પોતાની જાતથી થોડું દૂર પણ જવા લાગે છે... હવે તારી સાચી પરીક્ષા શરૂ થવાની છે."
સુનૈનાએ ફરી એક વાર અરીસાના તૂટેલા ટુકડાઓ તરફ જોયું...
"એ હવે માત્ર નવવધૂનું પ્રતિબિંબ નહોતું...
એ એક એવી સ્ત્રીનું પ્રતિબિંબ હતું, જેને હજુ જીવનના અસંખ્ય સંઘર્ષો, ત્યાગ, પ્રેમ અને આત્મશોધની સફરમાંથી પસાર થવાનું હતું..."
અરીસામાં રહેલી નૈનાના શબ્દો જાણે હજુ પણ તેના મનમાં ગુંજી રહ્યા હતા...
એક ઊંડો શ્વાસ લઈને તેણે બાજુમાં પડેલો બીજો એક કાચનો ટુકડો હાથમાં ઉઠાવ્યો.
તેની નજર એ બીજા કાચના ટુકડામાં પડી...
ફરી એક વાર સમયના પડદા ધીમે ધીમે ખૂલવા લાગ્યા...
તેની આંખો સામે જીવનનું એક વધુ અધ્યાય જીવંત બનવા લાગ્યું...
અને સુનૈના ફરી એક વાર પોતાની જ યાદોની સફરમાં આગળ વધવા લાગી...
ક્રમશઃ
ભાગ – ૬ : સુનૈનાના લગ્નજીવનની સફર
અરીસાના કાચના ટુકડા સુનૈનાના જીવનના નવા અધ્યાયો ખોલી રહ્યા હતા...
સુનૈના બાજુમાં પડેલા કાચના એક ટુકડાને હાથમાં લઈને ધ્યાનથી જોઈ રહી હતી, ત્યારે તેના લગ્નજીવનના શરૂઆતના દિવસો તેની આંખો સામે એક પછી એક આવવા લાગ્યા.
સુનૈના પોતાના લગ્નજીવનમાં ભૂતકાળને પાછળ છોડીને એક નવી શરૂઆત કરવા માંગતી હતી. નવા ઘરમાં બધા જ તેને ખૂબ પ્રેમથી રાખતા હતા. તેના સાસુ-સસરા, પરિવારના બધા સભ્યો અને ખાસ કરીને તેનો પતિ તેને ખૂબ સાચવતા, સમજતા અને પ્રેમ કરતા.
થોડા જ દિવસોમાં સુનૈના બધા સાથે એવી ભળી ગઈ કે જાણે વર્ષોથી એ જ ઘરની સભ્ય હોય.
દિવસો વીતતા ગયા.
ઘરના દરેક સભ્યને ખુશ રાખતાં-રાખતાં સુનૈના ક્યારે પોતાને જ ભૂલી ગઈ, તેનો તેને ખ્યાલ પણ ન રહ્યો.
લગ્નજીવનના શરૂઆતના બે વર્ષ ખૂબ જ સુંદર રીતે પસાર થયા. સુનૈના અને તેનો પતિ ઘણી વાર સાથે બહાર ફરવા જતા, શોપિંગ કરતા અને નાની-નાની ખુશીઓ માણતા. સુનૈના પણ એના પતિ ને પ્રેમ કરવા લાગી હતી.
સુનૈનાને લાગતું કે હવે તેના જીવનમાં કોઈ કમી નથી.
પરંતુ એક દિવસ અચાનક તેના સાસુના વર્તનમાં થોડો બદલાવ આવ્યો.
વાતો-વાતોમાં તેઓ કહી દેતા,
“લગ્નને આટલો સમય થઈ ગયો... હજુ સુધી કોઈ ખુશખબરી નથી?”
આ શબ્દો સુનૈનાના દિલને વાગ્યા.
છતાં તેણે કોઈ જવાબ આપ્યો નહીં.
પોતાના પતિને પણ આ વાત કહી નહીં.
એને લાગ્યું કે કદાચ સમય જતાં બધું ઠીક થઈ જશે.
થોડા સમય પછી આખા ઘરમાં ખુશીના સમાચાર આવ્યા.
સુનૈના મા બનવાની હતી.
આ સમાચાર સાંભળીને આખું ઘર ખુશીઓથી ઝૂમી ઊઠ્યું. તેના સાસુ પણ હવે તેની ખૂબ કાળજી રાખવા લાગ્યા.
સમય આવ્યો અને સુનૈનાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો.
ઘરમાં બધાએ દીકરીને ખુશીથી સ્વીકારી.
બધા કહેતા,
“કંઈ નહીં... લક્ષ્મી આવી છે. બીજી વાર દીકરો આવશે.”
પરંતુ થોડા સમય પછી ફરીથી સુનૈના પર દીકરાની અપેક્ષાનું ભારણ આવવા લાગ્યું.
પૂજા-પાઠ, વ્રત અને મંત્રોચ્ચાર શરૂ થયા.
અને પછી...
ફરી એક વખત ઘરમાં ખુશીના સમાચાર આવ્યા.
સુનૈનાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો.
ઘરમાં જાણે ઉત્સવનો માહોલ થઈ ગયો.
બધા ખૂબ ખુશ હતા.
હવે દીકરી અને દીકરા બંને સાથે સુનૈનાનું જીવન પૂર્ણ લાગતું હતું.
પરંતુ...
સમયની સાથે સાથે સુનૈના પર બાળકોની જવાબદારીઓ પણ વધવા લાગી.
ધીમે-ધીમે આખી જવાબદારી સુનૈનાના ખભા પર આવી ગઈ.
બાળકોને ઉછેરવા, ભણાવવા, સ્કૂલે મૂકવા, ટ્યુશન મોકલવા, હોમવર્ક કરાવવા, અલગ-અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેવડાવવો, પેરેન્ટ્સ-ટીચર મીટિંગમાં જવું...
આ બધું સુનૈના જ કરતી હતી.
તેનો પતિ પોતાના કામમાં એટલો વ્યસ્ત રહેતો કે તેને આ બધી બાબતો માટે સમય જ મળતો નહીં.
સુનૈના પણ તેને સમજતી હતી.
એને લાગતું કે તે પણ પોતાના પરિવાર માટે જ મહેનત કરી રહ્યો છે.
એટલે તેણે ક્યારેય ફરિયાદ કરી નહીં.
બાળકો અને ઘરની જવાબદારી જાણે માત્ર સુનૈનાના ખભા પર જ હતી.
અને તે પણ કોઈ ફરિયાદ વગર એ જવાબદારી નિભાવતી રહી.
સમય પસાર થતો ગયો.
બાળકો મોટા થતા ગયા.
સાથે સાથે તેમની જીદ પણ વધતી ગઈ.
બાળકો કંઈ ખોટું કરે તો...
“ઘરમાં રહીને પણ બાળકો પર ધ્યાન નથી આપતી?”
દોષ સુનૈનાનો.
અને જ્યારે બાળકો કંઈ સારું કરે તો...
ત્યારે પિતાની પ્રશંસા.
આ બધી વાતોની અસર સુનૈનાના મન પર થતી, પણ એ હંમેશની જેમ ચૂપ જ રહેતી.
કોઈક વાર તો સુનૈના પોતાના કામમાં એટલી વ્યસ્ત થઈ જતી કે કેટલાય દિવસો સુધી તેને નૈના સાથે વાત કરવાનો પણ સમય મળતો નહીં.
ત્યારે સુનૈનાનું યુદ્ધ પોતાના મન સાથે ચાલતું.
તે સતત પોતાની સાથે જ વાતો કરતી રહેતી.
કોઈ તેને બોલાવે તો પણ ક્યારેક તેનું ધ્યાન એ તરફ જતું નહીં.
સુનૈના ક્યારેક અંદરથી હસતી...
ક્યારેક દુઃખી થતી...
પણ ચૂપ રહેતી.
તેના બંને બાળકો હવે એટલા મોટા થઈ ગયા હતા કે તેમને પણ પોતાની મમ્મીની જિંદગી દેખાવા લાગી હતી.
ક્યારેક તેઓ મમ્મીને આખો દિવસ કામ કરતાં જોઈને વિચારતા—
“મમ્મી આખો દિવસ બધાનું ધ્યાન રાખે છે... પણ મમ્મીનું ધ્યાન રાખનાર કોણ છે?”
પપ્પા ક્યારેક દવા આપી દેતા, વાત કરી લેતા...
પણ જે સાથ, જે લાગણી અને જે સમય એક સ્ત્રીને પોતાના જીવનસાથી પાસેથી જોઈએ છે...
એ ક્યાંક ઓછો પડતો જતો હતો.
અને કદાચ આ જ જગ્યાએથી સુનૈના અને તેના પતિ વચ્ચેનું અંતર વધવા લાગ્યું હતું.
પહેલાં કલાકો સુધી ચાલતી વાતો હવે થોડા શબ્દોમાં પૂરી થઈ જતી.
પહેલાં સાથે બહાર જવાનું મન થતું...
હવે ઘરના કામ પૂરા કરવાની ચિંતા રહેતી.
પહેલાં પતિને ખુશ જોવા માટે સુનૈના તૈયાર થતી...
હવે પતિ શું ખાશે, બાળકો શું ખાશે અને કાલે શું બનાવવું તેની ચિંતા વધુ રહેતી.
ક્યારેક પતિ ગુસ્સામાં તેને અપશબ્દ પણ બોલી દેતા.
સુનૈના ચૂપ રહેતી.
રાત્રે એકલી રડતી...
અને સવારે ફરી એ જ હસતા ચહેરા સાથે ઊભી થઈ જતી.
તેના મનમાં એક જ વિચાર આવતો—
“એ ખરાબ માણસ તો નથી... એ જે કહે છે, તે બધું મારા સારા માટે જ તો કહે છે. મારી એટલી કાળજી રાખે છે... કદાચ મારાથી જ કંઈક ભૂલ થાય છે.”
અને આ રીતે તે દરેક વખતે પોતાને જ દોષ આપતી.
તેનો દિયર આજના વિચારો ધરાવતો હતો.
ક્યારેક તે પોતાના મોટા ભાઈને કહી પણ દેતો,
“ભાઈ, ભાભી સાથે આવી રીતે વાત ન કરો.”
થોડી વાર માટે વાત અટકી જતી.
પણ થોડા દિવસો પછી ફરી બધું પહેલાં જેવું થઈ જતું.
સુનૈનાની દેરાણી પણ તેને સમજાવતી,
“ભાભી, તમે દરેક વાત ચૂપચાપ કેમ સહન કરો છો? તમે પણ તમારા હક માટે બોલી શકો છો.”
સુનૈના માત્ર હળવું સ્મિત કરતી.
એના પાસે જવાબ જ નહોતો.
કદાચ બોલવાની આદત જ રહી નહોતી.
કદાચ સુનૈના વર્ષો સુધી બધાને સમજતાં-સમજતાં પોતાનું મન સમજવાનું જ ભૂલી ગઈ હતી.
અને એ બધું...
અરીસાની સામે ઊભેલી નૈના જોતી રહી હતી.
એક દિવસ સુનૈના ફરી પોતાના અરીસા સામે ઊભી રહીને નૈના સાથે વાત કરતી હતી.
“નૈના... શું ખરેખર સ્ત્રીનું જીવન આવું જ હોય છે?”
નૈના જાણે કંઈ કહેતી નહીં.
માત્ર સામે ઊભી રહીને સુનૈનાને જ જોતી.
એવામાં એક દિવસ સુનૈનાના પતિના મોબાઈલમાં એક છોકરીનો મેસેજ આવ્યો.
સુનૈનાના મનમાં શંકા જાગી.
નૈનાના કહેવા પર તેણે પહેલી વાર પતિનો મોબાઈલ જોયો.
કેટલાક મેસેજ એવા હતા, જે વાંચીને તેના મનમાં અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા.
શું તેના પતિના જીવનમાં કોઈ બીજી સ્ત્રી હતી?
સુનૈનાનું હૃદય ધબકવા લાગ્યું.
પણ એ પ્રશ્ન પૂછવાની હિંમત તેની અંદર નહોતી.
અને અજીબ વાત એ હતી કે...
તેણે ફરી પોતાને જ દોષી માનવાનું શરૂ કરી દીધું.
“હું જ તો એને સમય નથી આપી શકતી... આખો દિવસ ઘર અને બાળકોમાં જ વ્યસ્ત રહું છું. એની સાથે બેસીને વાત પણ નથી કરી શકતી... તો પછી જો એ કોઈ બીજા સાથે વાત કરે છે તો કદાચ મારી જ ભૂલ છે...”
એમ વિચારીને સુનૈના નૈનાને જ ઠપકો આપવા લાગી.
“જો તારા કહેવાથી મેં એમનો મોબાઈલ ચેક જ ન કર્યો હોત તો સારું થાત. મારા મન પર આટલો બોજ તો ન હોત. જા... હવે હું તારી વાત ક્યારેય નહીં સાંભળું અને તારી સાથે ક્યારેય વાત પણ નહીં કરું.”
આટલું કહીને સુનૈના ત્યાંથી ચાલી ગઈ.
થોડા સમય પછી પોતાનું કામ પતાવીને તે પોતાના રૂમમાં ગઈ.
અરીસાની સામે નૈના ઊભી હતી.
નૈનાએ શાંતિથી કહ્યું,
“સુનૈના... જો કોઈ સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ હોય તો પ્રશ્નોને છુપાવવા કરતાં પૂછવા જોઈએ. શંકા મનમાં રાખવાથી સંબંધો વધુ દૂર થઈ જાય છે.”
પણ સુનૈનાએ નૈનાની વાત પણ અવગણી દીધી.
તેણે પોતાના પતિને કંઈ પૂછ્યું નહીં.
સમય પોતાની રીતે આગળ વધતો રહ્યો.
પણ હવે સુનૈનાને એના અને એના પતિ વચ્ચેના સંબંધમાં કંઈક ખૂટતું હોય એવું લાગવા લાગ્યું.
એક દિવસ ફરી તે નૈના સામે ઊભી રહી.
“નૈના... શું દરેક સ્ત્રીના જીવનમાં આવા દિવસો આવે જ છે? જેમ કે,
પહેલાં-પહેલાં બધું કેટલું સુંદર લાગતું હતું.
નવું લગ્નજીવન... નવા સંબંધો... ઘરના બધા લોકો સાથેની મોટી-મોટી વાતો...
પણ સમય બદલાય છે તેમ ઘરના લોકો પણ બદલાઈ જાય છે.
સાસુના ટોણા...
એમના નિયમો...
ક્યારેક તો એવું લાગે કે જાણે તેઓ પોતાની સાસુનો ગુસ્સો મારા પર ઉતારતા હોય.
પણ ત્યારે પણ મેં એમની દરેક વાત માની.
બધું એમના કહ્યા પ્રમાણે કર્યું.
એક સારી વહુ બનવાની મારી કોશિશ ક્યારેય બંધ ન થઈ.
ઘરમાં કોઈ મહેમાન આવે અને મારી કે મારી રસોઈની પ્રશંસા કરે તો હું એ નાની-નાની ખુશીઓમાં મારું બધું દુઃખ ભૂલી જતી.
એવું લાગતું કે ચાલો...
ફરીથી બધું સારું થઈ ગયું.
અને હું જાણે નવેસરથી નવી શરૂઆત કરી દેતી.”
"કદાચ દરેક સ્ત્રીનો સ્વભાવ જ એવો હોય છે, કે જરા કોઈ એમને પ્રેમ બતાવે, પ્રેમ ભરી વાતો કરે ત્યાં, ભૂતકાળ નું બધું ભૂલી જાય છે અને એ જ સ્ત્રી સ્વભાવ ની સૌથી મોટી નબળાઈ કે કમજોરી હોય છે. કેમ કે ત્યાંથી ફરી પાછું પુનરાવર્તન શરૂ થઈ જાય છે..."
નૈના ચૂપચાપ તેને જોતી રહી.
સુનૈના આગળ બોલી,
“મારા પતિ સાથેનો સંબંધ પણ એવો જ હતો.
મોટાભાગે ઝઘડો બાળકોને લઈને જ થતો.
બાળકો તેમના પિતાના નિયમો પ્રમાણે જીવન જીવવા માંગતા નહોતા.
અને હું...
હંમેશાં એ બે વચ્ચે ફસાઈ જતી.
ક્યારેક લાગતું કે તેઓ સાચા છે.
ક્યારેક લાગતું કે બાળકો જે કહે છે એ સાચું છે.
પણ આ બધી મનમાની અને ગુસ્સાનો ભાર પણ આખરે મારા પર જ ઉતરતો.
વાતચીત બંધ...
અને પછી ઘણા દિવસો સુધી જાણે ઘરમાં મૌન જ રહેતું.
એમને ક્યારેય સમજાતું જ નહીં કે કદાચ કોઈ એક વાતમાં હું પણ સાચી હોઈ શકું.
હંમેશની જેમ થોડા દિવસો પછી વાતની પહેલ પણ મારે જ કરવી પડતી.
એમને તો જાણે કોઈ ફરક જ પડતો નહોતો.
ક્યારેક એવું લાગતું કે પહેલાં જે પ્રેમનો તોફાન હતો, એ જાણે પવન સાથે આકાશમાં ક્યાંક વહી ગયો હોય.
બધું કરવા છતાં મારી એક નાની ભૂલની જાણે બહુ મોટી સજા મળી હોય એવું લાગતું.”
આ ફક્ત એક સુનૈના નહીં, પણ દરેક સ્ત્રીની બીજી કમજોરી એ હોય છે, કે સ્ત્રી કદી કોઈની સાથે લાંબા સમય સુધી નારાજ રહી શકતી જ નથી. થોડો પ્રેમ, સહાનુભૂતિ અને પોતાનાપણું મળે ત્યાં એ તરફ જ નમી જાય છે.
નૈનાએ ધીમેથી પૂછ્યું,
“તો તું ચૂપ કેમ રહે છે, સુનૈના?
જ્યાં તને અન્યાય લાગે છે, ત્યાં તારા માટે અવાજ ઉઠાવ.
અને જ્યાં તું સાચી છે...
ત્યાં તું સાચી છે.”
પરંતુ નૈનાની કોઈ સમજાવટની અસર સુનૈના પર થતી નહીં.
તે વર્ષોથી પોતાની જાતને સમજાવતી આવી હતી.
બીજાને સમજવું તેને આવડતું હતું...
પણ પોતાનો અવાજ સાંભળવો કદાચ તે ભૂલી ગઈ હતી.
એવામાં એક દિવસ સુનૈનાના પતિ કામ માટે બહાર ગયા હતા.
તે દિવસે તેનો દિયર અને દેરાણી સુનૈનાને બહાર હોટેલમાં લઈ ગયા.
બધા સાથે જમ્યા.
પછી ફિલ્મ જોવા ગયા.
રાત્રે ઘરે આવીને થોડો સમય સાથે બેસીને ક્રિકેટની મજા માણી.
વાતો થઈ...
હાસ્ય થયું...
મજાક થઈ...
અને એ થોડા કલાકોમાં સુનૈના પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ.
એને લાગ્યું...
કદાચ જીવનમાં હજી પણ ખુશી બાકી છે.
બીજા દિવસે ફરીથી તેણે હસતા મોઢે પોતાના જીવનની શરૂઆત કરી.
જાણે કશું થયું જ ન હોય.
ત્યાં જ...
સુનૈનાની નજર તેના હાથમાં રહેલા કાચના ટુકડા પર પડી.
આંખોમાં આંસુ હતા...
પણ તેના ચહેરા પર ધીમે-ધીમે એક સ્મિત ફરી આવ્યું.
તેણે પોતાની જાતને જ કહ્યું,
“જોઈ નૈના...
હું જેવી હતી ને...
એવી જ આજે પણ છું.”
એટલું કહીને તેણે હાથમાં રહેલો કાચનો ટુકડો ધીમેથી નીચે મૂકી દીધો.
પછી બાજુમાં પડેલા બીજા કાચના ટુકડા તરફ તેની નજર ગઈ.
એ કાચના ટુકડામાં જાણે તેના જીવનનો બીજો જ અધ્યાય છુપાયેલો હતો...
સુનૈના થોડા સમય સુધી એને જ જોતી રહી.
પછી ધીમેથી એ કાચનો ટુકડો હાથમાં લીધો...
અને તેની આંખો ફરી એક વખત ભૂતકાળની બીજી યાદોમાં ખોવાઈ ગઈ.
ક્રમશઃ
ભાગ – ૭ : ભૂતકાળનો પડછાયો
અરીસાના એક પછી એક કાચના ટુકડા સુનૈનાના જીવનના નવા અધ્યાયો ખોલી રહ્યા હતા...
એક દિવસ...સુનૈના એકલી શોપિંગ કરવા મોલમાં ગઈ હતી.
વર્ષો પછી...અચાનક તેની નજર સામે ઊભેલા એક ચહેરા પર પડી.
તે થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગઈ. સૂરજ...!
તેનો કોલેજનો પ્રથમ પ્રેમ.
સુનૈના તેને જોઈને માત્ર જોતી જ રહી ગઈ.
સૂરજે પણ તેને તરત ઓળખી લીધી.
તે તેની તરફ આગળ વધ્યો.
"સુનૈના...?"
સુનૈના જાણે અચાનક ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી ગઈ હોય તેમ ચમકી.
"હા..."
બંને એકબીજાને થોડા ક્ષણો સુધી ચૂપચાપ જોતા રહ્યા.
પછી વર્ષો પછી મળેલા બે જૂના મિત્રો વચ્ચે વાતો શરૂ થઈ.
"ક્યાં હતી આટલા વર્ષો?"
"શું કરે છે?"
"લગ્નજીવન કેવું ચાલી રહ્યું છે?"
"બાળકો છે?"
"જીવન કેવું છે?"
સૂરજ એક પછી એક સવાલ પૂછતો રહ્યો અને સુનૈના તેના દરેક સવાલનો જવાબ હસતાં હસતાં આપતી રહી.
વાતો કરતાં કરતાં સમય ક્યારે પસાર થઈ ગયો, બંનેને ખ્યાલ જ ન રહ્યો.
સૂરજ સુનૈનાની વાતો શાંતિથી સાંભળી રહ્યો હતો.
પરંતુ તે માત્ર તેની વાતો જ નહોતો સાંભળી રહ્યો...
તે તેની આંખોમાં છુપાયેલું દર્દ પણ વાંચી રહ્યો હતો.
કારણ કે જે સ્ત્રી ખૂબ હસતી હોય છે, તે હંમેશા અંદરથી ખુશ હોય એવું જરૂરી નથી.
ક્યારેક તો સૌથી વધુ હસતી સ્ત્રી જ અંદરથી સૌથી વધુ તૂટી ગયેલી હોય છે.
આ વાતનો અંદાજ સૂરજને હતો.
કારણ કે તેની પોતાની માતા પણ આવી જ એક પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી હતી.
એટલે કદાચ સુનૈનાના શબ્દો કરતાં તેની આંખો સૂરજને વધારે કંઈક કહી રહી હતી.
સૂરજ ચૂપચાપ તેની વાતો સાંભળતો રહ્યો.
થોડી વાર પછી સુનૈનાએ પોતાના હાથની ચપટી વગાડી.
"સૂરજ!"
સૂરજ જાણે કોઈ ઊંડા વિચારમાંથી અચાનક બહાર આવ્યો હોય તેમ ઝબકીને તેની તરફ જોવા લાગ્યો.
"શું થયું?"
"ક્યાં ખોવાઈ ગયો હતો?"
સૂરજ હળવું સ્મિત કરી ઊભો થયો.
"હાથમાં ની ઘડિયાળ માં સમય જોતા સૂરજે કહ્યું, કે અત્યારે મારે એક મીટિંગ છે. તને મળીને ખરેખર બહુ સારું લાગ્યું. હવે આપણે મળતા રહીશું."
બંનેએ હાથ મિલાવ્યો.
સૂરજ ત્યાંથી આગળ વધ્યો.
થોડું દૂર જઈને તેણે પાછળ ફરીને જોયું.
સુનૈના હજુ પણ ત્યાં જ ઊભી હતી અને તેને જતાં જોઈ રહી હતી.
સૂરજ ફરી પાછો તેની પાસે આવ્યો.
"સોરી... તારો નંબર તો લીધો જ નથી. આપશે?"
સુનૈનાના ચહેરા પર સ્મિત આવી ગયું.
"હા, કેમ નહીં?"
સૂરજે તેનો નંબર પોતાના ફોનમાં સેવ કર્યો.
"હવે આપણે મળતા રહીશું."
આ શબ્દો સાંભળતાં જ સુનૈનાના ચહેરા પર જાણે વર્ષો પછી કોઈ જાદુઈ સ્મિત પાછું ફર્યું.
બંને પોતાના રસ્તે ચાલ્યા ગયા.
પરંતુ આ મુલાકાત માત્ર એક જૂના મિત્ર સાથેની મુલાકાત નહોતી.
સુનૈનાના મનમાં વર્ષો પછી કંઈક હલ્યું હતું.
ઘરે પાછા ફરતાં રસ્તામાં સુનૈના વિચારતી હતી—
"સૂરજે મારા જીવનની કેટલી બધી વાતો જાણી લીધી... અને મેં તેના વિશે કંઈ પૂછ્યું જ નહીં!"
પછી પોતાને જ હળવું હસતાં બોલી—
"હું પણ કેટલી બુદ્ધુ છું! બોલતી જ રહી ગઈ. હવે તો તેનો નંબર મારી પાસે છે... ફોન કરીને તેની વાતો જાણી લઈશ."
આ વિચારોમાં ખોવાયેલી સુનૈના ઘરે પહોંચી.
આજે તેનો દિયર પણ ઓફિસમાંથી થોડો વહેલો ઘરે આવી ગયો હતો.
તે સોફા પર બેઠો હતો.
સુનૈનાને ઘરમાં પ્રવેશતાં જોઈને તેણે તરત જ પૂછ્યું—
"શું વાત છે, ભાભી? આજે તો તમે બહુ ખુશ દેખાઈ રહ્યા છો! શું વિચારી રહ્યા છો?"
સુનૈના કંઈ છુપાવી શકી નહીં.
તેણે પોતાના દિયરને સૂરજ સાથે થયેલી આખી મુલાકાતની વાત કહી.
દિયર તેની વાત સાંભળતો રહ્યો.
સુનૈનાની વાત કરતાં વધારે તેની આંખોમાં દેખાતી ચમક તેને દેખાઈ રહી હતી.
તેને મનમાં જ વિચાર્યું—
"ચાલો... કોઈક બહાને ભાભી આજે દિલથી તો ખુશ થયાં."
સુનૈના ઝડપથી પોતાના રૂમમાં ગઈ.
અને સીધી અરીસા સામે ઊભી રહી.
તેણે પોતાને ઉપરથી નીચે સુધી જોયું.
થોડી ક્ષણમાં જ તેના ચહેરા પરનું સ્મિત થોડું ફિક્કું પડી ગયું.
"ઉફ્ફ... હું કેવી થઈ ગઈ છું!"
તે પોતાના વાળ તરફ જોઈને બોલી—
"વાળ કલર કરાવવાના બાકી છે..."
પછી ભમર તરફ જોઈ—
"આઈબ્રોઝ પણ કરાવવી પડશે."
પોતાના કપડાં તરફ જોઈને બોલી—
"મારા કપડાં પણ કેવા છે આજે!"
પછી ચહેરા પર નજર પડી.
"આંખોની નીચે તો કાળા કુંડાળા પણ પડી ગયા છે."
તેણે કબાટમાંથી ગોગલ્સ કાઢીને આંખો પર લગાવ્યા અને અરીસામાં પોતાને જોઈને હસતાં બોલી—
"હવે કંઈક બરાબર લાગે છે!"
ત્યારે અરીસાની સામે ઊભેલી નૈના જાણે ફરી જીવંત થઈ.
"આજે શું વાત છે, સુનૈના? બહુ ખુશ દેખાય છે તું! તારી આંખોમાં તો ગજબની ચમક છે."
સુનૈનાએ સૂરજ સાથે થયેલી આખી મુલાકાત નૈનાને કહી.
નૈના હસીને બોલી—
"વાહ... સરસ!"
પછી થોડી ક્ષણ સુનૈનાને જોઈને બોલી—
"અને આજે આવી જ હસતી રહેજે. તું હસે છે ત્યારે બહુ સારી લાગે છે."
સુનૈના હળવું સ્મિત કરી રહી હતી.
નૈના ધીમેથી બોલી—
"દરેક સ્ત્રી હસે છે, સુનૈના...
પણ દરેક વખતે એ દિલથી હસતી હોય એવું નથી.
ક્યારેક તો હસતાં હસતાં તેની આંખોમાંથી ક્યારે દર્દનાં આંસુ બહાર આવી જાય છે, એની એને પોતાને પણ ખબર નથી પડતી.
એટલે જ કદાચ એક સ્ત્રી બધાની સામે હસતા પહેલાં અને દિલ ખોલીને વાત કરતાં પહેલાં દસ વાર વિચારે છે."
સુનૈના ચૂપ રહી.
કદાચ નૈનાની વાતમાં તેને પોતાનું જ પ્રતિબિંબ દેખાતું હતું.
બીજી તરફ...
સૂરજ સમજી ગયો હતો કે સુનૈનાના ચહેરા પાછળ કોઈક ઊંડું દર્દ છુપાયેલું છે.
થોડા દિવસો પછી સૂરજે તેનો સંપર્ક કર્યો.
"આટલા વર્ષો પછી મળ્યા છીએ... ક્યારેક ફરી મળીશું."
સુનૈનાએ પણ કદાચ જૂના મિત્ર સાથેની વાતચીતમાં કંઈ ખોટું જોયું નહીં.
બંને એકાદ વાર મળ્યા.
પરંતુ એક દિવસ...
સુનૈનાના પતિએ બંનેને સાથે કોફી શોપ માં જોઈ લીધા.
ત્યારે તેમણે કંઈ કહ્યું નહીં.
પરંતુ ઘરે આવ્યા પછી સવાલો શરૂ થયા.
"આજે તું કોની સાથે હતી?"
"આજકાલ વારંવાર ક્યાં જાય છે?"
"તારા મોઢા પર કંઈક અલગ જ દેખાય છે... શું ચાલી રહ્યું છે?"
સુનૈનાને આ વાત સાંભળીને મોટો આઘાત લાગ્યો.
જે સ્ત્રી વર્ષોથી પોતાના પતિની દરેક વાત સમજતી રહી હતી...
એના પતિને આજે તેના પર વિશ્વાસ નહોતો.
સુનૈનાએ શાંતિથી કહ્યું—
"એ મારો કોલેજનો મિત્ર છે. ઘણા વર્ષો પછી મળ્યો હતો. બસ એટલી જ વાત છે."
પતિએ તરત જવાબ આપ્યો—
"આ વાત તો આપણે પહેલાં પણ કરી છે, સુનૈના. તું ભૂલી ગઈ લાગે છે."
સુનૈના આશ્ચર્યથી તેમની સામે જોઈ રહી.
"પણ તમે મને ક્યારે એની સાથે વાત કરતાં જોઈ?"
"વાત કરી પણ હોય... તો હવે એને મળવાની જરૂર શું હતી?"
સુનૈના ચૂપ રહી.
પતિ આગળ બોલ્યા—
"હું જોઈ રહ્યો છું... આજકાલ તારું ધ્યાન ભટકે છે. બાળકો તરફ પણ તારું ધ્યાન નથી. મોન્ટુના આ વર્ષે પરીક્ષામાં માર્ક્સ પણ કેટલા ઓછા આવ્યા છે... હવે મને સમજાય છે કે કેમ."
આ શબ્દો સુનૈનાના હૃદયમાં સીધા વાગ્યા.
તેને અંદાજ પણ નહોતો કે એક જૂના મિત્ર સાથેની સામાન્ય મુલાકાતની વાત આટલી મોટી બની જશે.
તે ફરી ચૂપ થઈ ગઈ.
અને આ વખતે તેણે સૂરજની યાદોને પોતાના દિલમાં પાછી દબાવી દીધી.
વાત માત્ર બંને વચ્ચે જ ન રહી.
ધીમે ધીમે ઘરમાં પણ વાત પહોંચી ગઈ.
સુનૈનાને ખૂબ દુઃખ થયું.
તેના મનમાં પહેલી વાર એક પ્રશ્ન ઊભો થયો—
"જો હું મારા એક જૂના મિત્ર સાથે બે વાર વાત કરું તો મને આટલા બધા પ્રશ્નો પૂછાય છે... તો પછી વર્ષોથી તારા જીવનમાં ચાલી રહેલા એ અજાણ્યા સંબંધ વિશે મેં ક્યારેય પ્રશ્ન કેમ ન પૂછ્યો?"
પરંતુ આ પ્રશ્ન તેણે પોતાના મનમાં જ રાખ્યો.
તે બોલી નહીં.
કારણ કે વર્ષોની આદતે તેને શીખવી દીધું હતું—
ઘર બચાવવા માટે ઘણી વખત પોતાના સવાલોને જ મારી નાખવા પડે છે.
તેના દિયર અને દેરાણીએ તેને સમજાવ્યું.
"ભાભી, તમે ખોટા નથી. તમે માત્ર એક મિત્ર સાથે વાત કરી છે. હવે દરેક વાત માટે પોતાને જ જવાબદાર માનવાનું બંધ કરો."
આ શબ્દોએ સુનૈનાના મનમાં કંઈક હલાવી નાખ્યું.
પરંતુ હજુ પણ તે પોતાના પતિ સામે ઊભી રહીને પોતાના હક માટે બોલવા તૈયાર નહોતી.
થોડા દિવસો સુધી પતિ-પત્ની વચ્ચે વાતચીત લગભગ બંધ રહી.
સુનૈના ફરી એકલી પડી ગઈ.
સુનૈના એ એક વાર સૂરજ ને ફોન કરી કહી દીધું, કે આ જન્મમાં આપણી મુલાકાત અહીં જ પૂરી થાય છે, મારી વાતો તો મેં તને કહી દીધી, પણ તારી વાતો હજી સાંભળવાની બાકી છે, અધૂરી રહી ગયેલી એ મનની વાતો ફરી કોઈક વાર કરી લઈશું, અત્યારે આપણે બે એકબીજા થી દૂર રહીએ, તેમાં જ સમજદારી છે.
સુનૈના આટલું બોલી ફોન મૂકી દે છે અને સૂરજ બધી વાત સમજી જાય છે. સૂરજ ત્યાર પછી કયારેય સુનૈનાને ફોન પણ નથી કરતો કે નથી એને મળવાની કોશિશ કરતો.
ત્યાર પછીના બધા દિવસો સુનૈના માટે બઉ કઠીન રહ્યાં. કોઈક વાર તો સુનૈનાને એનું જ ઘર અને એના આ બધા સંબંધોને છોડીને ચાલ્યા જવાનું મન થતું, પણ પછી એને વિચાર આવતો કે એ પોતાના પતિનું ઘર છોડીને જાય તો ક્યાં જાય ? કરે તો શું કરે ?
અને ઘણી વાર સ્ત્રીઓને આજ સવાલ સતાવતો હોય છે, કે એ પોતાના પતિ નું ઘર છોડીને જવા માંગે તો ક્યાં જાય?
શું કરે?
સમાજ શું કહેશે?
બાળકો શું વિચારશે?
બાળકો પિતા સાથે રહેશે કે માતા સાથે?
અને જો બાળકો માતાને પસંદ કરે તો શું પતિને એવું નહીં લાગે કે પત્નીએ જ બાળકોને એની વિરુદ્ધ કર્યા છે?
જ્યારે હકીકત ઘણી વાર એ હોય છે કે—
પોતાના પિતાનું એમની માઁ સાથેનું વર્તન જ બાળકોને એમના પિતાથી દૂર કરી દે છે અને આ વાતનું એક પિતાને જરા પણ ધ્યાન રહેતું જ નથી.
જ્યારે સત્ય એ હોય છે, કે એક પત્ની પોતાના પતિની ફરિયાદ પોતાના બાળકો સામે ક્યારેય નથી કરતી. એ તો બાળકોના મનમાં પિતાની છબી જાળવી રાખવા માટે પોતાનું દુઃખ પણ છુપાવી લે છે.
કારણ કે સ્ત્રી માટે સંબંધ તોડવો એટલો સરળ નથી. એ સંબંધ તોડતાં પેહલા હંમેશા બધાં વિષે વિચારે છે.
એક રાત્રે તે ફરી અરીસા સામે ઊભી રહી.
તૂટેલા કાચના ટુકડામાં પોતાનું પ્રતિબિંબ જોઈને ધીમેથી બોલી—
"નૈના... મેં એવું શું કર્યું છે કે મને મારા જ જીવનમાં પોતાને સમજાવવું પડે છે?"
નૈના ચૂપ રહી.
કદાચ તેની પાસે પણ કોઈ જવાબ નહોતો.
થોડા મહિના પછી સંબંધો ફરી સામાન્ય થવા લાગ્યા.
વાતચીત શરૂ થઈ.
ઘરમાં બધું ફરી પહેલાંની જેમ ચાલવા લાગ્યું.
પણ...
જે તિરાડ સંબંધોમાં પડી ગઈ હતી, તે પૂરેપૂરી ભરાઈ નહોતી.
પહેલાં જેવો પ્રેમ હવે નહોતો.
બંને પોતપોતાની દુનિયામાં વ્યસ્ત રહેતા.
પતિ પોતાના કામમાં...
સુનૈના ઘર અને બાળકોમાં...
એક જ છત નીચે રહેતા હોવા છતાં બંને જાણે કોઈ અજનબીની જેમ રહેતા હતા. બંનેની જિંદગી જાણે અલગ અલગ રસ્તે ચાલી રહી હતી.
આ બધું જીવનમાં ચાલતું હોય છે, ત્યારે કદાચ સ્વાભાવિક જ દરેક સ્ત્રીને એવો ડર સતાવતો હોય છે, કે મારો પતિ મને છોડી તો ના દે ને ? મારી કોઈ નાની ભૂલમાં મને ઘરમાં થી કાઢી તો ના મુકે ને ? અને આજ ડર સાથે સુનૈનાનો પણ સામનો થાય છે. અને પછી એ પોતાનું જીવન પૂરેપૂરું પોતાના ઘર અને પરિવાર અને પતિને સમર્પિત કરી દે છે, એના કોઈ નિર્ણયો એના હોતા જ નથી, એની વાતોનું કોઈ મહત્વ રેહતું જ નથી. અને બસ એ એક ડર સાથે જીવન જીવતી રહે છે.
અને કદાચ આ માત્ર સુનૈનાની કહાની નથી.
આ તો એવી અસંખ્ય સ્ત્રીઓની કહાની છે, જેઓ ઘર સાચવતાં સાચવતાં પોતાની જાતને ક્યાંક પાછળ મૂકી દે છે.
બાળકો મોટા થાય છે...
જવાબદારીઓ બદલાય છે...
પણ સ્ત્રીને ક્યારેક પોતાના માટે વિચારવાનો સમય પણ નથી હોતો.
અને જ્યારે ક્યારેક તે પોતાના માટે એક નાનું પગલું ભરે...
ત્યારે તેને સ્વાર્થી, જીદ્દી અથવા "સામે બોલતી સ્ત્રી" કહીને ચૂપ કરાવી દેવામાં આવે છે.
સુનૈના પણ વર્ષોથી ચૂપ હતી.
પણ એ દિવસે અરીસાની સામે ઊભી રહીને પહેલી વાર તેની આંખોમાં એક અલગ જ પ્રશ્ન હતો.
તેણે તૂટેલા કાચના ટુકડામાં પોતાનું પ્રતિબિંબ જોયું.
આંખોમાં આંસુ હતાં.
હોઠ પર એક નાનું, થાકેલું સ્મિત હતું.
તે ધીમેથી બોલી—
"કાશ... મેં નૈનાની વાતો પહેલેથી માની લીધી હોત... તો કદાચ આજે મારે આ બધું સહન ન કરવું પડત.
કદાચ હું પણ મારી રીતે જીવી શકી હોત..."
થોડી ક્ષણ તે કાચના ટુકડાને જોતાં રહી.
પછી આંખોમાં ભરાયેલા આંસુઓ લૂછીને ધીમેથી બોલી—
"પણ હવે શું...?
હવે તો જે છે, તેને સ્વીકારીને જ જીવવાનું છે."
તેણે કાચનો એ ટુકડો ધીમેથી નીચે મૂકી દીધો.
બાજુમાં પડેલા બીજા કાચના ટુકડા પર તેની નજર પડી.
સુનૈનાએ એ કાચનો ટુકડો હાથમાં લીધો.
તેની નજર એમાં પડી...
ફરી એક વાર સમયના પડદા ધીમે ધીમે ખૂલવા લાગ્યા...
સુનૈનાના જીવનનું એક વધુ પાનું તેની આંખો સામે જીવંત થવા લાગ્યું.
ક્રમશઃ...
ભાગ – ૮ : અંદરનું વાવાઝોડું
અરીસાના એક પછી એક કાચના ટુકડા સુનૈનાના જીવનના નવા અધ્યાયો ખોલી રહ્યા હતા...
સુનૈનાએ બાજુમાં પડેલો અરીસાનો બીજો કાચનો ટુકડો હાથમાં લીધો.
અને
આ વખતે સુનૈના પોતાના જીવનના એવા તબક્કામાં પ્રવેશી રહી હતી, જ્યાં બહારથી બધું સામાન્ય દેખાતું હતું...
પણ અંદર કંઈક સતત વાવાઝોડું મચાવી રહ્યું હતું.
સુનૈના હવે પિસ્તાળીસ વર્ષની થઈ ગઈ હતી.
બાળકો હવે મોટા થઈ રહ્યા હતા.
ઘરની જવાબદારીઓમાં પણ ધીમે ધીમે ફેરફાર આવી રહ્યો હતો.
પરંતુ સુનૈનાના શરીરમાં એક નવો જ બદલાવ શરૂ થયો હતો.
ક્યારેક અચાનક તેના શરીરમાં ગરમી વધી જતી.
ક્યારેક રાત્રે ઊંઘમાંથી અચાનક જાગી જતી અને આખું શરીર પરસેવાથી ભીનું થઈ ગયું હોય.
ક્યારેક માથું દુખતું...
ક્યારેક કમર અને સાંધાઓમાં અજાણ્યો દુખાવો રહેતો.
ક્યારેક આખો દિવસ શરીરમાં થાક જ થાક લાગતો.
અને સૌથી વધારે મુશ્કેલી તો તેના મનની હતી.
નાની નાની વાતોમાં ચીડ આવી જતી.
ક્યારેક કોઈ કારણ વગર આંખોમાં આંસુ આવી જતા.
ક્યારેક આખો દિવસ કોઈની સાથે વાત કરવાનું મન ન થતું.
અને ક્યારેક તો પોતાને જ સમજાતું નહીં કે આખરે તેની સાથે થઈ શું રહ્યું છે.
તે ઘણી વાર અરીસા સામે ઊભી રહીને પોતાના ચહેરાને જોતી અને વિચારતી—
"આ હું જ છું ને?"
એક દિવસ તેણે પોતાના પતિને કહ્યું—
"મને થોડા સમયથી શરીરમાં કંઈક અલગ જ લાગે છે. ક્યારેક અચાનક બહુ ગરમી લાગે છે, રાત્રે ઊંઘ પણ બરાબર નથી આવતી અને આખું શરીર દુખે છે."
પતિએ તેની વાત સાંભળી.
"ડૉક્ટરને બતાવી આવ. કદાચ ઉંમરને કારણે હશે."
થોડી ક્ષણ પછી તેમણે કહ્યું—
"હું તારી સાથે ડૉક્ટર પાસે આવીશ."
સુનૈનાને અંદરથી સારું લાગ્યું.
કદાચ તેને લાગ્યું કે પતિ તેની તકલીફને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
પરંતુ જે દિવસે ડૉક્ટર પાસે જવાનું હતું, એ દિવસે પતિની ઓફિસમાં એક અગત્યની મીટિંગ આવી ગઈ.
"સુનૈના, આજે તું એકલી જઈ શકે? મારે ઓફિસમાં બહુ જરૂરી કામ છે. હું તારી સાથે આવવાનો હતો, પણ હવે શક્ય નથી."
સુનૈનાએ હળવું સ્મિત કરીને કહ્યું—
"હા... તમે કામ કરો. હું જઈ આવીશ."
પરંતુ અંદરથી તેને થોડું ખાલી લાગ્યું.
ડૉક્ટરની કેબિનમાં તે એકલી બેઠી હતી.
ડૉક્ટરે તેની વાત ધ્યાનથી સાંભળી.
કેટલાક સવાલો પૂછ્યા અને પછી સમજાવ્યું—
"તમારી ઉંમરે શરીરમાં હોર્મોનલ ફેરફારો થવા લાગે છે. આ મેનોપોઝ તરફ જતો સ્વાભાવિક તબક્કો હોઈ શકે છે. આ દરમિયાન શરીર અને મનમાં ઘણા ફેરફારો અનુભવાઈ શકે છે."
ડૉક્ટરે તેને જરૂરી તપાસો અને દવાઓ લખી આપી.
"ચિંતા કરવાની જરૂર નથી. પોતાના શરીરને થોડો સમય આપજો. પૂરતો આરામ, યોગ્ય ખોરાક અને નિયમિત કાળજી રાખશો તો ઘણી તકલીફમાં રાહત મળશે."
સુનૈનાએ ચિઠ્ઠી હાથમાં લીધી અને ડૉક્ટરની કેબિનમાંથી બહાર આવી.
રસ્તામાં અચાનક તેના મનમાં એક વિચાર આવ્યો—
"ડૉક્ટરે તો મારી વાત સાંભળવા માટે સમય કાઢ્યો... પણ મારા પોતાના ઘરમાં કોઈને મારી અંદર શું ચાલી રહ્યું છે એ સમજવાનો સમય ક્યાં છે?"
પછી તરત જ તેણે પોતાના મનને સમજાવ્યું—
"એમ પણ પતિ શું કરે ? એમના પર પણ તો કામની જવાબદારી છે. દરેક વખતે મારી સાથે બેસી શકે એવું થોડું છે ?"
સુનૈના વર્ષોથી પોતાના પતિની મજબૂરી સમજતી આવી હતી.
પરંતુ પોતાની તકલીફને સમજવાનો સમય તેણે પોતાને ક્યારેય આપ્યો જ નહોતો.
ઘરે આવીને સુનૈનાએ દવાઓ કબાટમાં મૂકી દીધી.
રાત્રે સુનૈનાના પતિએ એને પૂછ્યું,
“આજે તું ડૉક્ટરને મળવા જવાની હતી ને? ડૉક્ટરે શું કહ્યું?”
આટલું સાંભળતાં જ સુનૈનાને મનમાં એક નાનકડો હાશકારો થયો—
ચાલો, એને યાદ તો છે કે આજે મારે ડૉક્ટર પાસે જવાનું હતું...
સુનૈનાએ ડૉક્ટરે કહેલી બધી વાત પોતાના પતિને કહી સંભળાવી.
એની વાત સાંભળીને પતિએ સહજતાથી કહ્યું,
“સારું, હવે દવાઓ સમયસર લઈ લે અને પોતાનું પણ ધ્યાન રાખજે. દવાઓ પૂરી થઈ જાય તો મને કહી દેજે, બીજી વાર હું જ દવા લઈ આવીશ.”
આટલું કહીને સુનૈનાના પતિએ ચાદર ઓઢી અને સૂઈ ગયા.
પણ એમના આટલા જ શબ્દોથી પણ સુનૈનાને અંદરથી ઘણું સારું લાગ્યું.
એને લાગ્યું—
મારી ફિકર તો એમને છે...
કદાચ સ્ત્રીનું મન જ એવું હોય છે.
કોઈ વ્યક્તિ બે શબ્દો પણ પ્રેમથી બોલી દે, થોડી કાળજી બતાવી દે, તો એ સ્ત્રી એની સામેની બધી ફરિયાદો, બધી નારાજગીઓ અને જૂના દુઃખો ક્ષણભરમાં ભૂલી જાય છે અને પછી ફરી એ જ વ્યક્તિને પૂરા મનથી સમર્પિત થઈ જાય છે. અને કદાચ આ જ તો સ્ત્રીના હૃદયની સૌથી મોટી નબળાઈ છે...અને કદાચ એ જ એની સૌથી મોટી તાકાત પણ છે.
દિવસો પસાર થતા ગયા.
ક્યારેક દવાથી તકલીફમાં થોડો આરામ મળતો...
અને ક્યારેક ફરી એ જ બેચેની.
પરંતુ ઘરની જવાબદારીઓ તો અટકવાની નહોતી.
સુનૈના બધું કરતી રહી.
રસોઈ...
ઘર...
બાળકો...
સગાંસંબંધીઓ...
તહેવારો....
અને વચ્ચે પોતાનું બદલાતું શરીર.
ક્યારેક તે થાકી જઈને સોફા પર બેસી જતી.
ત્યારે કોઈને કહેવાનું મન થતું—
"આજે મારાથી કંઈ નહીં થાય."
પણ હોઠ સુધી આવતા શબ્દો પાછા મનમાં જ અટકી જતા.
એક રાત્રે ફરી તેને ઊંઘ ન આવી.
તે ધીમેથી ઊભી થઈ અને અરીસા સામે જઈને ઊભી રહી.
"નૈના..."
અરીસામાં નૈના તેને જોઈ રહી હતી.
"શું થયું, સુનૈના?"
સુનૈનાની આંખોમાં આંસુ આવી ગયા.
"મને ખબર નથી હું પોતે જ કેમ બદલાઈ ગઈ છું. ક્યારેક શરીર સાથ નથી આપતું... ક્યારેક મન. અને લોકો કહે છે કે હું પહેલાં જેવી નથી રહી."
નૈના ધીમેથી બોલી—
"તું પહેલાં જેવી રહી પણ કેવી રીતે શકે, સુનૈના?"
"તારું શરીર બદલાઈ રહ્યું છે."
"તારી ઉંમર બદલાઈ રહી છે."
"તારી જવાબદારીઓ બદલાઈ રહી છે."
"તો પછી તારા મનમાં બદલાવ આવે તો એ ખોટું કેવી રીતે?"
સુનૈના ચૂપ રહી.
થોડી ક્ષણ પછી તેના મનમાં એક જવાબ ઊઠ્યો—
"હા... હું પહેલાં જેવી નથી રહી.
પણ તમે પણ તો ક્યાં પહેલાં જેવા રહ્યા છો?"
પરંતુ એ શબ્દો તેના હોઠ સુધી આવીને અટકી ગયા.
તે ફરી ચૂપ થઈ ગઈ.
કારણ કે વર્ષોની આદતે તેને શીખવી દીધું હતું—
સંબંધો સાચવવા માટે ઘણી વખત પોતાના પ્રશ્નોને જ પોતાના મનમાં દફનાવી દેવા પડે છે.
નૈના તેની આંખોમાં જોઈને બોલી—
"સુનૈના, તું બીમાર નથી થઈ...
તું બદલાઈ રહી છે.
અને બદલાવને સમજવાની જરૂર છે, છુપાવવાની નહીં."
સુનૈનાએ પહેલી વાર પોતાના પ્રતિબિંબ સામે માથું હલાવ્યું.
પરંતુ અંદરનું વાવાઝોડું હજી શાંત થયું નહોતું.
બહાર રાત શાંત હતી...
પણ સુનૈનાના મનમાં અનેક સવાલો જાગતા હતા.
"હું હવે પહેલાં જેવી રહીશ નહીં તો શું?"
"શું મારી કિંમત પણ ઓછી થઈ જશે?"
"શું એક સ્ત્રીની સુંદરતા, એની સહનશક્તિ અને એની સેવા કરવાની ક્ષમતા સાથે જ એની ઓળખ જોડાયેલી છે?"
તેની આંખોમાંથી એક આંસુ વહી ગયું.
નૈના ચૂપ રહી.
ક્યારેક કેટલાક સવાલોના જવાબ શબ્દોમાં નથી હોતા...
સમય પોતે જ એના જવાબ આપે છે.
અને આ સમયે પણ સુનૈનાના દિયર અને દેરાણીએ એને ખૂબ સાથ આપ્યો. સુનૈનાને મેનોપોઝ વિશે સમજાવ્યું અને કહ્યું કે,
“આ બધું ફક્ત તમારી સાથે જ નથી થતું. આ ઉંમરે તમારા જેવી ઘણી સ્ત્રીઓ આ પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થાય છે. એટલે તમે ચિંતા ન કરો. ક્યારેક થોડો આરામ પણ કરી લો. ક્યારેક તમને મનગમતી જગ્યાએ ફરવા જાઓ, મનગમતાં ગીતો સાંભળો... તમને સારું લાગશે.”
દેરાણીએ પ્રેમથી કહ્યું,
“ઘરના કામ તો ક્યારેય પૂરાં થવાના નથી. આજે કોઈ કામ ન થાય તો કાલે કરજો, તો પણ ચાલશે. મારા તરફથી જેટલી બને એટલી મદદ હું કરી લઈશ.”
સુનૈનની દેરાણી પણ થોડી ઉદાસી સાથે કહે છે,
“ક્યારેક બહુ દુઃખ થાય છે કે હું આખો દિવસ ACવાળી ઑફિસમાં બેસીને કામ કરું છું અને તમે આખો દિવસ ઘરના કામમાં. મને તો રવિવારે રજા પણ મળે છે, જ્યારે તમારા માટે તો જાણે દરેક વાર સરખો જ છે.”
સુનૈનાએ એના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું,
“તું કામની ચિંતા ન કર અને મારી પણ નહીં. હું ઠીક છું. તમે બંને મારા માટે આટલું વિચારો છો, મને સમજો છો... મારા માટે એટલું જ ઘણું છે. જો તમે બંને ન હોત, તો હું કેવી રીતે...?”
આટલું કહેતાં જ સુનૈનાનો અવાજ ધીમો પડી ગયો.
એણે અરીસાના કાચના ટુકડાને ધીમેથી નીચે મૂકી દીધો.
અને ફરી એક વાર પોતાના જીવનના બીજા કાચના ટુકડા તરફ જોયું.
આ વખતે એ કાચમાં દુઃખ નહીં...
દૂરથી આવતી ખુશીઓની એક ઝલક દેખાઈ રહી હતી.
ક્રમશઃ...
અરીસાના એક પછી એક કાચના ટુકડા સુનૈનાના જીવનના નવા અધ્યાયો ખોલી રહ્યા હતા...
સુનૈનાએ બાજુમાં પડેલો અરીસાનો બીજો કાચનો ટુકડો હાથમાં લીધો.
અને
ફરી એક વાર સમયના પડદા ધીમે ધીમે ખૂલવા લાગ્યા.
“આ રંગ બહુ સરસ છે ને?”
દીકરીએ હસતાં કહ્યું—
“મમ્મી, આ તમારા માટે લઈ લો.”
સુનૈના તરત જ બોલી—
“મારા માટે પછી... પહેલાં તારા માટે પસંદ કરીએ. તારા ભાઈનાં લગ્ન પછી તારા લગ્ન પણ જલ્દી આવશે ને! એટલે તારી તૈયારી પણ અત્યારથી જ કરી લઈએ.”
દીકરી તેની સામે જોઈને હસી પડી અને એની
મમ્મીને પૂછ્યું—
“મમ્મી, તમે ક્યારેય તમારા માટે વિચારશો?”
સુનૈના પણ હળવેથી હસી અને બોલી—
“મારા માટે તો તમે બંને જ છો.”
દીકરીએ કહ્યું—
“મમ્મી, હું હંમેશાં તમારી સાથે જ રહીશ. મારે લગ્ન નથી કરવા.”
સુનૈના તરત જ બોલી—
“અરે ગાંડી! આવું કેમ બોલે છે? દરેક છોકરીએ એક દિવસ પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં તો જવું જ પડે. આ તો સૃષ્ટિનો નિયમ છે.”
થોડી ક્ષણ રોકાઈને તે બોલી—
“જો, હું પણ તો વર્ષો પહેલાં મારું ઘર, મારા મમ્મી-પપ્પા અને મારી આખી દુનિયા છોડીને તારા પપ્પા સાથે અહીં આવી ગઈ હતી ને... અને એટલે જ તો મને તારા જેવી સુંદર દીકરી મળી.”
દીકરી થોડું મૌન રહી. પછી કહ્યું—
“હા મમ્મી... પણ એટલે જ તો મારે લગ્ન નથી કરવા.”
સુનૈના દીકરી સામે જોઈ રહી.
દીકરી આગળ બોલી—
“હું મારા મમ્મી-પપ્પાને છોડીને કોઈ બીજાને કેવી રીતે અપનાવી લઉં? અને પછી ત્યાં જઈને સાસુના ટોણા સહન કરવા, પતિની નારાજગી અને ગુસ્સો સહન કરવો... આખી જિંદગી ઘર માટે કામ કરવું, બધાના વિશે વિચારવું... છતાં આપણી કોઈ કિંમત જ ન હોય તો એવા લગ્નજીવનનો શું અર્થ, મમ્મી?”
તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
“ક્યારેક તો મમ્મી, મને એવો વિચાર આવે છે કે આવતા જન્મમાં હું તમારી મમ્મી બનું અને તમે મારી દીકરી.”
તે મમ્મીને ભેટી પડી.
“એ વખતે હું તમને ક્યારેય કોઈની સામે ઓછા નહીં પડવા દઉં. તમને ક્યારેય કોઈ વાતની કમી નહીં પડવા દઉં. દુનિયાનું દરેક સુખ તમને આપીશ... કારણ કે તમે એ બધાં સુખની હકદાર છો, મમ્મી.”
સુનૈના: ના, દીકરા આવું ન બોલાય, તારા પપ્પા મને ખૂબ પ્રેમ કરે છે, મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે, મારી કેટલી ચિંતા કરે છે.. અને બા પણ સારા જ છે, એતો હવે એમની ઉંમર થઈ ગઈ છે ને એટલે એનો સ્વભાવ થોડો ચિડચિડિયો થઈ ગયો છે.
દીકરી : પપ્પા ફક્ત સાથે રહેવાની ફરજ પૂરી કરે છે મમ્મી. એને પ્રેમ ન કેહવાય, અને એ પણ એટલે કે તું એમનું ઘર, એમના મમ્મી પપ્પા બધા ને સારી રીતે સાચવે છે...બસ બીજું કંઈ જ નથી. તું માને કે ન માને...
દીકરીના શબ્દોએ સુનૈનાને ફરી એક વાર વિચારતા કરી દીધી...
અને કદાચ આ જ કારણોસર આજની ઘણી દીકરીઓ લગ્ન કરવા માટે રાજી નથી થતી...
કારણ કે તેમણે પોતાની મમ્મીને આખી જિંદગી સમાધાન કરતાં, બધાની ખુશી માટે પોતાની ખુશીઓ ભૂલતાં અને ઘણી વખત પોતાની જ કિંમત માટે લડતાં જોઈ છે.
એ પોતાની મમ્મી જેવી જિંદગી નથી જીવવા માંગતી.
એ બીજી સુનૈના બનવા નથી માંગતી... એ પોતાની એક અલગ ઓળખ સાથે, સન્માન અને પ્રેમથી ભરેલું જીવન જીવવા માંગે છે.
સુનૈના દીકરીને છાતીએ લગાવીને ચૂપચાપ ઊભી રહી.
આજે પહેલી વાર તેને લાગ્યું કે તેની દીકરીએ માત્ર તેના દુઃખો જોયા નહોતા... તેની આખી જિંદગી વાંચી લીધી હતી.
આટલું કહીને તે આગળ વધી જતી.
ભાગ – ૧૦ : સુનૈનાનો પડછાયો…
અરીસાના એક પછી એક કાચના ટુકડા સુનૈનાના જીવનના નવા અધ્યાયો ખોલી રહ્યા હતા…
સુનૈનાએ બાજુમાં પડેલો અરીસાનો બીજો કાચનો ટુકડો હાથમાં લીધો.
અને ફરી એક વાર સમયના પડદા ધીમે ધીમે ખૂલવા લાગ્યા.
બાળપણથી લઈને આજ સુધીનું સુનૈનાનું આખું જીવન જાણે એની આંખોની સામે પસાર થઈ રહ્યું હતું.
એની જિંદગીના આટલા વર્ષો કેવી રીતે પસાર થઈ ગયા, એની એને ખબર જ ન પડી.
એણે ક્યારેય ખરેખર વિચાર્યું જ નહોતું કે—
એને શું જોઈએ છે?
એ શું ઈચ્છે છે?
અને હવે… એને ખરેખર શું જોઈએ છે?
સુનૈનાએ કાચના એ ટુકડા સામે જોયું.
સુનૈનાને હજી ઘણું બધું કહેવું હતું…
પણ આજે નૈના ચૂપ હતી.
આ બધું વિચારતાં વિચારતાં સુનૈનાની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી.
આંખો સામે અંધારું છવાવા લાગ્યું.
માથું ચક્કર ખાવા લાગ્યું.
એ કોઈને મદદ માટે બૂમ પાડી બોલાવે, એ પહેલાં જ…
સુનૈના ત્યાં જ ઢળી પડી.
એની આંખો બંધ થઈ ગઈ હતી.
પણ એ બંધ આંખોમાંથી ખુશી અને દુઃખ બંનેનાં આંસુ વહી રહ્યા હતા.
સુનૈનાને લાગ્યું…
“કદાચ હું પણ તો આ કાચના ટુકડાઓ જેવી જ છું…
દરેક માટે થોડું થોડું તૂટતી રહી…
અને આજે પોતાને જ સંપૂર્ણ જોઈ શકતી નથી.”
થોડી વાર પછી એને કોઈ અવાજ સંભળાયો.
“સુનૈના…”
“મમ્મી…”
“મમ્મીજી…”
“દાદી…”
એણે ધીમે ધીમે આંખો ખોલવાની કોશિશ કરી.
ધૂંધળી આંખોથી જોયું તો આખો પરિવાર એની આસપાસ ઊભો હતો.
બધાના ચહેરા પર ડર હતો…
ચિંતા હતી…
અને એની માટેની ગભરાટ હતી.
સુનૈનાએ થોડી ક્ષણ માટે ફરી આંખો બંધ કરી.
કદાચ એ એ ક્ષણને અનુભવી લેવા માગતી હતી.
પહેલી વાર એને સમજાયું હતું કે…
એના પડી જવાથી ઘરના બધા લોકો ડરી ગયા હતા.
એને પહેલી વાર અનુભવાયું—
“કદાચ હું ખરેખર આ ઘર માટે એટલી જરૂરી છું…”
એણે ધીમેથી હાથ ઊંચો કરીને બધાને ઈશારો કર્યો—
“હું ઠીક છું…”
એના પતિએ તરત જ એનો હાથ પકડી લીધો.
“શું થઈ ગયું તને? તું આમ પડી કેવી રીતે ગઈ? અને આ અરીસો કેવી રીતે તૂટી ગયો?”
થોડી ક્ષણ રોકાઈને એ બોલ્યા—
“આપણે હમણાં જ હોસ્પિટલ જઈશું.”
સુનૈનાએ ના પાડવાનો પ્રયત્ન કર્યો.
પણ આ વખતે એના પતિએ એની એક પણ વાત સાંભળી નહીં.
એ એને હોસ્પિટલ લઈ ગયા.
જરૂરી તપાસ થઈ.
ડૉક્ટરે કહ્યું કે કદાચ નબળાઈ અને સતત તણાવને કારણે એને ચક્કર આવ્યા હતા.
સુનૈનાના પતિએ ડૉક્ટરની સામે જ કહ્યું—
“બસ, હવે બહુ થયું. આજથી ઘરના બધા કામની જવાબદારી માત્ર તારી નથી. તને કેટલી વાર કહ્યું છે કે આટલું કામ ન કરતી રહે. થોડો સમય પોતાના માટે પણ કાઢ. આરામ કર.”
થોડી ક્ષણ રોકાઈને એણે સુનૈના તરફ જોયું.
“દરેક સમયે કામ… કામ… અને કામ.
આજથી થોડું પોતાનું પણ ધ્યાન રાખ.”
આજે સુનૈનાના પતિની વાતોમાં…
થોડો સાથ હતો.
થોડી ચિંતા હતી.
થોડો પ્રેમ હતો.
પણ એ દિવસે સુનૈના માટે…
એટલું જ ઘણું હતું.
એણે પતિની સામે જોયું અને ધીમેથી પૂછ્યું—
“તમે મારી સાથે છો ને?”
પતિએ આશ્ચર્યથી એની સામે જોયું.
“આજે આવી બહેકી બહેકી વાતો કેમ કરે છે? ભલા હું તને શા માટે છોડી દઉં?”
સુનૈનાની આંખોમાં આંસુ આવી ગયા.
પણ આ વખતે એ આંસુ દર્દનાં નહોતાં.
એ સ્મિત કરી.
અને પતિનો હાથ થોડો વધુ મજબૂતાઈથી પકડી લીધો.
“બસ… હવે મને બીજું કંઈ નથી જોઈતું.”
પતિએ પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો.
સુનૈનાએ આંખો બંધ કરી દીધી.
એ ક્ષણે એને સમજાયું—
ક્યારેક જીવન બદલવા માટે કોઈ મોટા ચમત્કારની જરૂર નથી હોતી.
ક્યારેક કોઈ વ્યક્તિના માત્ર આટલા શબ્દો જ પૂરતા હોય છે—
“હું તારી સાથે છું.”
થોડા દિવસો પછી સુનૈના ફરી એ જ ઘરમાં હતી.
એ જ ઘર.
એ જ રસોડું.
એ જ પરિવાર.
એ જ જવાબદારીઓ.
બધું પહેલા જેવું જ હતું…
પણ આ વખતે સુનૈનાની અંદર કંઈક બદલાઈ ગયું હતું.
એ હવે પણ એ જ સુનૈના હતી…
પણ કદાચ પહેલી વાર એને પોતાની ઓળખ મળી હતી.
એણે અરીસાના એ બધા કાચના ટુકડાઓ હજી પણ સાચવી રાખ્યા હતા.
જાણે એ ટુકડાઓમાં નૈના હજી પણ જીવતી હોય…
જાણે સુનૈના આજે પણ એની સાથે વાત કરતી હોય…
અને કદાચ હવે નૈનાને કંઈ કહેવાની જરૂર પણ નહોતી.
કારણ કે સુનૈના હવે પોતાની જાતને સાંભળવા લાગી હતી.
પણ…
સમય તો કોઈના માટે ક્યારેય અટકતો નથી.
એ તો વહેતી હવા સાથે વહેતો જ જાય છે…
આગળ વધતો જ જાય છે.
સુનૈનાનું જીવન પણ ક્યાંક અટક્યું નહોતું.
એ પણ સમયની સાથે સતત આગળ વધી રહ્યું હતું.
પણ હવે…
ક્રમશઃ…
ભાગ – ૧૧ : હવે જ્યારે હું મને મળી
અરીસાના એક પછી એક કાચના ટુકડાએ સુનૈનાના જીવનના નવા અધ્યાયો ખોલી દીધા હતા...હવે
સમય કોઈની રાહ જોતો નથી.
બાળકોનાં લગ્ન થઈ ગયા.
ઘરમાં જે હાસ્ય અને દોડધામ હતી, એ ધીમે ધીમે ઓછી થવા લાગી.
જે રૂમો ક્યારેક બાળકોના અવાજોથી ગુંજતા હતા, એ રૂમોમાં હવે શાંતિ રહેવા લાગી.
દીકરો પોતાના પરિવાર સાથે જીવનમાં આગળ વધી ગયો હતો.
સુનૈના હવે સાસુ બની ગઈ હતી.
પછી...
સમયે તેને દાદી પણ બનાવી.
બાળકો મોટા થતાં ગયા.
પૌત્રો તેની આસપાસ રમવા લાગ્યા.
ઘર ફરી એક વાર હાસ્યથી ભરાયું.
સુનૈના ક્યારેક પૌત્રને ખોળામાં લઈને બેસતી અને વિચારતી—
“હું ક્યાંથી ક્યાં આવી પહોંચી...”
દીકરી બની...
વહુ બની...
પત્ની બની...
મા બની...
સાસુ બની...
અને હવે...
દાદી.
જીવનના દરેક સંબંધે તેની પાસેથી કંઈક માંગ્યું હતું.
અને સુનૈનાએ દરેક સંબંધને પોતાનું બધું આપ્યું હતું.
દિવસો પસાર થતા ગયા.
વર્ષો વીતી ગયા.
અને એક દિવસ...
સુનૈના સાઠ વર્ષની થઈ.
સાઠ વર્ષ.
આંકડો નાનો નહોતો.
પણ જ્યારે તે પાછું વળીને જોતી, ત્યારે લાગતું કે જાણે આ બધું ગઈકાલની જ વાત હોય.
એક સાંજે તે પોતાના રૂમમાં એકલી બેઠી હતી.
ઘરમાં બધાં પોતપોતાના કામમાં વ્યસ્ત હતા.
બહારથી પૌત્રોના હસવાનો અવાજ આવતો હતો.
સુનૈના ધીમેથી ઊભી થઈ.
તેની નજર સામે અરીસો હતો.
તે અરીસાની સામે જઈને ઊભી રહી.
વાળમાં ચાંદી ઊતરી આવી હતી.
ચહેરા પર સમયની કરચલીઓ સ્પષ્ટ દેખાતી હતી.
આંખોની નીચે વર્ષોની થાકની રેખાઓ હતી.
હાથની ચામડી પર ઉંમરની નિશાનીઓ દેખાતી હતી.
તે લાંબા સમય સુધી પોતાની જાતને જોતી રહી.
પછી ધીમેથી બોલી—
“આ... હું છું?”
કોઈ જવાબ ન આવ્યો.
તે હળવું હસી.
“આટલા વર્ષો... આટલી ઝડપથી પસાર થઈ ગયા?”
તેની આંખો સામે એક પછી એક દૃશ્યો આવવા લાગ્યાં.
નાનું ઘર...
મમ્મી-પપ્પા...
બાળપણ...
ડર...
કિશોરાવસ્થા...
પહેલી લાગણી...
અધૂરો પ્રેમ...
લગ્ન...
નવી વહુ...
સાસરી...
પતિ...
માતૃત્વ...
બાળકો...
જવાબદારીઓ...
દુઃખ...
સમાધાન...
અને પછી...
બાળકોનાં લગ્ન.
સાસુ બનવું.
દાદી બનવું.
બધું જાણે ફરી એક પછી એક ફિલ્મની જેમ તેની આંખો સામે પસાર થતું ગયું.
સુનૈનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
“જિંદગી પૂરી થવા આવી... પણ હું મારી સાથે જીવવાનું શીખી જ ન શકી.”
અને પહેલી વાર...
તેને પોતાના ચહેરા પર માત્ર ઉંમર દેખાઈ નહીં.
તેને એક આખી સ્ત્રી દેખાઈ.
એ સ્ત્રી...
જે બાળપણથી લડી હતી.
જે કેટલીય વાર તૂટી હતી.
પણ દરેક વખતે ઊભી થઈ હતી.
જે પોતાના માટે કદાચ બહુ ઓછું જીવી હતી...
પણ પોતાના પરિવારને જીવન આપ્યું હતું.
જેને ઘણી વાર પ્રેમ જોઇતો હતો...
પણ તેણે પ્રેમ આપવાનું ક્યારેય બંધ કર્યું નહોતું.
જેને સમજણ ઓછી હતી...
પણ તેણે બીજાને સમજવાનું ક્યારેય છોડ્યું નહોતું.
સુનૈના ધીમેથી બોલી—
“નૈના... મેં આખી જિંદગી બધાના માટે જીવી.”
“પણ મારી પોતાની જિંદગી ક્યાં હતી?”
નૈના હજી ચૂપ જ હતી.
સુનૈના પણ થોડા સમય સુધી મૌન રહી.
પછી અરીસામાં પોતાને જોઈને બોલી—
“બીજાઓ માટે તો આખી જિંદગી જીવી લીધી.”
“હવે થોડું મારા માટે પણ જીવી લઈશ.”
એણે રૂમની બારી ખોલી.
સાંજનો ઠંડો પવન અંદર આવ્યો.
પડદો હળવેથી હલ્યો.
બહાર આકાશમાં સૂરજ ડૂબી રહ્યો હતો.
પણ સુનૈનાને એ સાંજ નહોતી લાગતી.
એને લાગતું હતું...
જાણે તેના જીવનમાં એક નવી સવાર થઈ રહી હતી.
તે ફરી અરીસા સામે ગઈ.
આ વખતે અરીસામાં નૈના નહોતી,
માત્ર સુનૈના હતી.
સુનૈના થોડી ક્ષણ પોતાની જાતને જોતી રહી.
પછી ધીમેથી બોલી—
“નૈના...”
કોઈ જવાબ ન આવ્યો.
તે હસીને બોલી—
“તું ક્યાં ગઈ?”
થોડા સમય પછી તેના પોતાના જ પ્રતિબિંબે જાણે જવાબ આપ્યો—
“હું ક્યાંય ગઈ નથી, સુનૈના.”
સુનૈના સ્થિર થઈ ગઈ.
“હું તો હંમેશાં તારી અંદર જ હતી.”
તેની આંખો ભીની થઈ ગઈ.
અને અચાનક...
તેને સમજાયું.
નૈના કોઈ બીજી સ્ત્રી નહોતી.
નૈના કોઈ અરીસામાં રહેતી છબી નહોતી.
નૈના તો...
તેની પોતાની અંદરનો અવાજ હતી.
તેની પોતાની ઈચ્છાઓ હતી.
તેનો આત્મવિશ્વાસ હતો.
તેની અધૂરી વાતો હતી.
તેનું દબાયેલું બાળપણ હતું.
તેની પોતાની ઓળખ હતી.
અને જ્યારે જ્યારે દુનિયાએ સુનૈનાને ચૂપ કરી હતી...
ત્યારે નૈનાએ તેની અંદરથી તેને બોલાવવાનો પ્રયત્ન કર્યો હતો.
“સુનૈના... તું ક્યાં છે?”
આજે પહેલી વાર...
સુનૈનાને એ અવાજ સ્પષ્ટ સંભળાયો.
તેણે અરીસા પર હાથ મૂક્યો.
આંખો બંધ કરી.
અને ધીમેથી બોલી—
“નૈના... હવે હું અહીં છું.”
અરીસાની સામે ઊભેલી સાઠ વર્ષની સુનૈનાના ચહેરા પર એક એવું સ્મિત હતું...
જે કદાચ આખી જિંદગીમાં પહેલી વાર માત્ર એના માટે હતું.
એ સ્મિતમાં કોઈ ફરજ નહોતી.
કોઈ અપેક્ષા નહોતી.
કોઈ ફરિયાદ નહોતી.
માત્ર સ્વીકાર હતો.
પોતાનો.
પોતાની જિંદગીનો.
પોતાની ભૂલોનો.
પોતાના દુઃખોનો.
અને સૌથી વધારે...
પોતાની જાતનો.
સુનૈનાએ અરીસામાં પોતાને છેલ્લી વાર જોયું.
અને મનમાં કહ્યું—
“હું કોઈની દીકરી છું...
કોઈની પત્ની છું...
કોઈની વહુ છું...
કોઈની મા છું...
કોઈની સાસુ છું...
કોઈની દાદી છું...
પણ આ બધાથી પહેલાં...
હું સુનૈના છું.
અને હવે...
હું મારી પણ છું.”
બહારથી પૌત્રનો અવાજ આવ્યો—
“દાદી... ક્યાં છો?”
સુનૈનાના ચહેરા પર ફરી એ જ હળવું સ્મિત આવ્યું.
તે બારીમાંથી બહાર જોઈને બોલી—
“આવી બેટા...”
તે દરવાજા તરફ આગળ વધી.
એક ક્ષણ માટે ફરી પાછી વળી.
અરીસામાં પોતાની જાતને જોઈ.
અને જાણે નૈના સાથે છેલ્લી વાર વાત કરી—
“ચાલ... હવે સાથે જીવીએ.”
આ વખતે...
અરીસામાંથી કોઈ જવાબ આવ્યો નહીં.
જરૂર પણ નહોતી.
કારણ કે...
હવે સુનૈનાને પોતાની સાથે વાત કરવા માટે અરીસાની જરૂર નહોતી.
તે પોતાની જાતને ઓળખી ગઈ હતી.
અને કદાચ...
આ જ હતી અરીસાની પેલે પારની સાચી સુનૈના.
Comments
Post a Comment