સમર્પણ
અરીસાની પેલે પાર…
" અરીસાની પેલે પાર " નામનું આ પુસ્તક, જેમાં મેં એક સ્ત્રીના જીવનની બધી વાતો લખવાનો પ્રયત્ન કર્યો છે, જે કદાચ દરેક સ્ત્રી પોતાના જીવનકાળ દરમિયાન અનુભવે છે, પરંતુ ક્યારેય કોઈને કહી શકતી નથી.
એના જીવનની સાચી વાતો, એની અંદરની લાગણીઓ, એની ખુશીઓ, એની પીડા, એનાં અધૂરાં સપનાં અને એના મનમાં દટાયેલા કેટલાય શબ્દો—આ બધું કદાચ માત્ર એ સ્ત્રી અને એનું સાચું રૂપ બતાવતો અરીસો જ જાણે છે.
તેથી આ પુસ્તક હું એવી તમામ સ્ત્રીઓને સમર્પિત કરું છું...
જે કોઈની દીકરી, કોઈની બહેન, કોઈની નણંદ, કોઈની ભાભી, કોઈની સાસુ, કોઈની વહુ, કોઈની પત્ની, કોઈની દેરાણી, કોઈની જેઠાણી, કોઈની મમ્મી, કોઈની દાદી કે કોઈની નાની બનીને પોતાના દરેક સંબંધને હસતાં મુખે નિભાવતી રહી છે.
સાથે સાથે એ તમામ સ્ત્રીઓને પણ,
જે ઘર અને બહારની દુનિયા બંનેની જવાબદારીઓ એકસાથે સંભાળે છે.
ઘરની દરેક જરૂરિયાતથી લઈને બહારની દરેક જવાબદારી સુધી,
બધું જ હસતાં મુખે નિભાવતી રહે છે…
ન કોઈ ફરિયાદ,
ન કોઈ શિકાયત
માત્ર પોતાના પરિવાર માટે સતત સમર્પિત રહે છે.
કદાચ કોઈને ખબર પણ નથી હોતી કે આ હાસ્યની પાછળ
કેટલી થાકેલી સાંજો છે,
કેટલાં અધૂરાં સપનાં છે,
કેટલી અધૂરી ઇચ્છાઓ છે
અને કેટલાં એવા શબ્દો છે,
જે એણે ક્યારેય બોલ્યા જ નથી…
મારી એક જ ઈચ્છા છે.
મારું આ પુસ્તક દરેક સ્ત્રી સુધી પહોંચે.
અને જો આ પુસ્તકના કોઈ એક પાનાં પર લખાયેલી વાતમાં
કોઈ સ્ત્રીને પોતાનું જીવન દેખાય…
કોઈ શબ્દમાં પોતાની લાગણી સંભળાય…
કોઈ પાત્રમાં પોતાનું પ્રતિબિંબ દેખાય…
જો આ પુસ્તક તમારા દિલને સ્પર્શી જાય,
જો તેમાં લખાયેલી કોઈ વાત તમને ક્યારેક અનુભવાયેલી લાગે,
અને જો તમને લાગે કે મેં લખેલી વાત માત્ર એક વાર્તા નથી,
પરંતુ તમારા કે તમારી આસપાસની કોઈ સ્ત્રીની સાચી લાગણી છે.
તો હું માનીશ કે મારું આ પુસ્તક લખવાનું સપનું સફળ થયું.
મારું આ પુસ્તક દરેક સ્ત્રીને સમર્પિત…
જે આખી જિંદગી બધાના માટે જીવતી રહી...
બેલા...
Comments
Post a Comment