અરીસાની પેલે પાર સાર આ પુસ્તક શા માટે ?


અરીસાની પેલે પાર…
સાર — આ પુસ્તક શા માટે?

        દરેક સ્ત્રીના જીવનની એક એવી વાસ્તવિકતા હોય છે, એક એવી દુનિયા હોય છે, જે કદાચ માત્ર એને અને એના અરીસાને જ ખબર હોય છે.
“અરીસાની પેલે પાર…” માત્ર સુનૈનાની વાત નથી. આ સુનૈના જેવી અનેક સ્ત્રીઓની વાત છે—જે આપણી આસપાસ છે, આપણા ઘરમાં છે, કદાચ આપણી વચ્ચે જ છે.
એ સ્ત્રીઓ, જે જીવે તો છે… પણ ઘણી વાર પોતાના માટે નહીં.
એ હસે તો છે… પણ ઘણી વાર પોતાની ખુશી માટે નહીં.

અને પછી વર્ષો વીતી જાય છે…
બાળકો મોટા થતાં જાય છે અને સ્ત્રી પોતાની જવાબદારીઓમાં એટલી સ્થિર થઈ જાય છે કે તેનું પોતાનું જીવન ક્યાંક પાછળ રહી જાય છે. બહારથી એનું જીવન સંપૂર્ણ દેખાય છે.

પણ અંદરથી?

એ સ્ત્રી ધીમે ધીમે પોતાને જ શોધતી રહે છે.
જે ઘર એનું હતું, લગ્ન પછી એ પિયર બની જાય છે… અને જે ઘરમાં એ લગ્ન કરીને આવે છે, એ સાસરું કહેવાય છે.

પણ આ બધાની વચ્ચે એના મનમાં એક પ્રશ્ન હંમેશાં જીવતો રહે છે—

“મારું પોતાનું ઘર કયું?”
ઘણી વાર પતિ કહે છે,
“આ બધું તારું જ છે.”
પ્રોપર્ટી પત્નીના નામે હોય છે.
ઘર પત્નીના નામે હોય છે.
બેંકમાં પણ એના નામે વ્યવહારો થતા હોય છે.
પણ ક્યારેક એને પોતાને માટે કંઈક લેવાનું મન થાય ત્યારે એના પાકીટમાં પાંચસોથી વધારે રૂપિયા હોતા નથી.
અને એ પોતાના મનને સમજાવી દે છે—
“કંઈ નહીં… બીજી વાર લઈ લઈશ.”
આ “બીજી વાર” ઘણી વાર આખી જિંદગી સુધી આવતી નથી.

અને ક્યારેક જો કોઈ સ્ત્રી પોતાના પતિનું ઘર છોડીને જવા માંગે તો એ ક્યાં જાય?
શું કરે?
સમાજ શું કહેશે?
બાળકો શું વિચારશે?
બાળકો પિતા સાથે રહેશે કે માતા સાથે?
અને જો બાળકો માતાને પસંદ કરે તો શું પતિને એવું નહીં લાગે કે પત્નીએ જ બાળકોને એની વિરુદ્ધ કર્યા છે?

જ્યારે હકીકત ઘણી વાર કંઈક બીજી જ હોય છે.
પિતાનું પોતાની પત્ની સાથેનું વર્તન જ બાળકોને ધીમે ધીમે પિતાથી દૂર કરી દેતું હોય છે—અને ઘણી વાર પિતાને એની જરા પણ ખબર હોતી નથી.
કારણ કે એક પત્ની ઘણી વાર પોતાના પતિની ફરિયાદ પોતાના બાળકો સામે કરતી નથી.
એ તો બાળકોના મનમાં પિતાની છબી જાળવી રાખવા માટે પોતાનું દુઃખ પણ છુપાવી લે છે.

કારણ કે સ્ત્રી માટે સંબંધ તોડવો એટલો સરળ નથી.
સંબંધ તોડતા પહેલાં એ પોતાને નહીં,
બધાને વિચારે છે.

સ્ત્રી…
ભગવાનની સૌથી સુંદર રચના.
પણ કદાચ સૌથી વધુ પરીક્ષાઓ પણ એની જ લેવાઈ છે.
શા માટે?
કારણ કે જન્મથી લઈને અંતિમ શ્વાસ સુધી એ કોઈ ને કોઈ સંબંધ માટે જીવતી રહે છે.
ક્યારેક દીકરી બનીને,
ક્યારેક બહેન બનીને,
ક્યારેક પત્ની બનીને,
ક્યારેક મા બનીને…
પણ આ બધા સંબંધો નિભાવતાં નિભાવતાં,
ક્યાંક એની પોતાની ઓળખ જ ખોવાઈ જાય છે.
એના હોઠ પર સ્મિત હોય છે,
પણ આંખોની પાછળ વર્ષો જૂનું દુઃખ છુપાયેલું હોય છે.
આ એ મૌન આંસુઓની વાત છે,
જે ક્યારેય કોઈએ જોયા નથી.
આ એ પ્રશ્નોની વાત છે,
જે સ્ત્રીએ પોતાના મનમાં હજારો વાર પૂછ્યા છે,
પણ ક્યારેય કોઈને કહી શકી નથી.

ક્યારેક સ્ત્રી રડે છે એટલે એ કમજોર નથી હોતી…
એ માત્ર એટલું ઈચ્છતી હોય છે કે સંબંધ હજી બચી જાય.
ઘર ચલાવવું કદાચ સરળ હોય,
પરંતુ ઘર જોડીને રાખવા માટે જે સહનશક્તિ જોઈએ છે, એ સ્ત્રી જ સૌથી વધુ જાણે છે.

દરેક સ્મિત પાછળ એક અધૂરી વાર્તા છુપાયેલી હોઈ શકે છે.
સ્ત્રીને સમજવા માટે હંમેશાં શબ્દોની જરૂર નથી પડતી…
ક્યારેક માત્ર સંવેદનાની જરૂર પડે છે.
પરંતુ હવે સમય આવી ગયો છે કે સ્ત્રી માત્ર સહન કરવાનું જ નહીં,
પોતાના માટે જીવવાનું પણ શીખે.
પોતાની ઈચ્છાઓને સમજવાનું શીખે.
પોતાના સપનાઓને ફરી જીવવાનું શીખે.
અને સૌથી અગત્યનું—
પોતાની જાતને ફરીથી ઓળખવાનું શીખે.

અંતમાં…
મારી આ વાત એ તમામ સ્ત્રીઓને સમર્પિત છે,
જેઓ જીવનના કોઈ ને કોઈ તબક્કે આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ છે.

જો ક્યારેક તમને સુનૈનામાં તમારો અંશ દેખાય…
જો એની કોઈ વાત તમને તમારા જીવનની યાદ અપાવે…

જો એની કોઈ ચુપ્પીમાં તમને તમારી પોતાની ચુપ્પી સંભળાય…
તો કદાચ આ પુસ્તક લખવાનું મારું કારણ સાચું સાબિત થશે.

કદાચ અરીસામાં તમારો ચહેરો જોતી વખતે,
એક દિવસ તમે અરીસાની પેલે પાર પણ જોઈ શકશો—

અને ત્યાં તમને કોઈ બીજી વ્યક્તિ નહીં…
પણ “તમે” જ દેખાશો.
 બેલા...

Comments