અરીસા ની પેલે પાર ભાગ 3 : સુનૈના અને મહાવારી ના દિવસો

અરીસાની પેલે પાર...

ભાગ – ૩ : સુનૈના અને મહાવારીના દિવસો

સુનૈનાની નજર બાજુમાં પડેલા અરીસાના બીજા એક કાચના ટુકડા પર ગઈ...

અને અચાનક...

ભૂતકાળનું એક વધુ પાનું તેની આંખો સામે ખુલવા લાગ્યું...

સમયની સાથે સુનૈના પણ ધીમે ધીમે મોટી થવા લાગી હતી. હવે તે ચૌદ વર્ષની થઈ ગઈ હતી.

એક રાત્રે લગભગ બે વાગ્યાનો સમય હતો. સુનૈના ગાઢ નિંદ્રામાં સૂતી હતી. અચાનક તેના પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો. પીડા એટલી તીવ્ર હતી કે ઊંઘમાં જ તેના મોઢામાંથી જોરદાર ચીસ નીકળી ગઈ...

"મમ્મી...!"

રૂમનો દરવાજો બંધ હતો. કદાચ તેનો અવાજ મમ્મી સુધી પહોંચ્યો નહીં.

પણ અરીસામાંથી એક ઓળખીતો અવાજ આવ્યો...

નૈના : "શું થયું સુનૈના? આમ અચાનક ચીસ કેમ પાડી? કોઈ ખરાબ સપનું જોયું?"

સુનૈના ફરી પીડાથી કણસી ઊઠી.

સુનૈના : "નૈના, અત્યારે તું ચૂપ રહે... મને બહુ પેટમાં દુખે છે... આવું તો મને ક્યારેય નથી થયું..."

નૈના : "ઓહ... તો સમય આવી ગયો લાગે છે..."

સુનૈના : "શેનો સમય? કંઈ સમજાય એમ બોલ."

નૈના : "હવે તારી મમ્મી જ તને સારી રીતે સમજાવી શકશે."

પેટ નું દર્દ સતત વધતું જતું હતો.

હિંમત કરીને સુનૈના ઊભી થઈ. બાજુના રૂમમાં મમ્મી-પપ્પા સૂતા હતા. તેણે દરવાજો જોરથી ખટખટાવ્યો.

સુનૈના ના મમ્મી અને પપ્પા ગભરાઈને જાગી ગયા.

દરવાજો ખોલતાં જ તેમણે જોયું કે સુનૈના પેટ પકડીને, દરવાજા પાસે બેસી ને રડતી ઊભી હતી.

 સુનૈના ના પપ્પાએ તરત તેને ઊંચકી ને બેડ પર સુવાડી.

સુનૈના ના પપ્પા એને પૂછી રહ્યાં હતાં, કે સુનૈના શું થયું ? આમ રડે છે કેમ ? 

સુનૈના ના પપ્પા ના મોઢા પર આજે એનો દીકરી પ્રત્યે નો પ્રેમ દેખાઈ રહ્યો હતો.

ત્યારે સુનૈના ની મમ્મી ની નજર સુનૈનાના કપડાં પર પડેલા લાલ ડાઘ પર ગઈ...

એક જ ક્ષણે સુનૈના ની મમ્મીને બધું સમજાઈ ગયું.

તેમણે શાંતિથી સુનૈના ના પપ્પાને ઈશારા થી વાત સમજાવી અને એમને બહાર જવાનો ઈશારો કર્યો.

સુનૈના ના પપ્પા પણ વાત સમજી ગયા, રૂમ માં થી બહાર નીકળી ગયા.

મમ્મીએ પ્રેમથી સુનૈનાના માથે હાથ ફેરવ્યો, તેને પોતાની છાતી સાથે ચાંપી લીધી અને કહ્યું,

"ડરતી નહીં બેટા... તારી સાથે કંઈ ખરાબ નથી થયું."

સુનૈના રડતાં રડતાં બોલી,

"મમ્મી... બહુ પેટમાં અને કમરમાં દુખે છે..."

મમ્મીએ તેને પાણી પીવડાવ્યું, ગરમ પાણીની થેલી પેટ અને કમર પર મૂકી, જરૂરી દવા આપી અને થોડો સમય તેની પાસે જ બેસી રહી.

થોડીવાર પછી સુનૈનાએ ધીમેથી પૂછ્યું,

"મમ્મી... આજે હું તમારી પાસે જ સૂઈ જાઉં? મને બહુ ડર લાગે છે..."

મમ્મીએ સ્મિત સાથે તેને પોતાની બાજુમાં સુવાડી, ચાદર ઓઢાડી અને તેના વાળમાં હાથ ફેરવતાં સમજાવવા લાગી...

"સુનૈના... આજે તારા જીવનમાં એક નવો પડાવ શરૂ થયો છે. આને મહાવારી કહે છે. દરેક છોકરીના જીવનમાં આ સમય આવે જ છે. આ કોઈ બીમારી નથી, કોઈ સજા નથી અને શરમાવાની પણ કોઈ વાત નથી. આ તો એ સંકેત છે કે તારું શરીર ધીમે ધીમે યુવાની તરફ આગળ વધી રહ્યું છે."

"દર મહિને થોડા દિવસો સુધી આવું થશે. ક્યારેક પેટમાં દુખાવો થશે, કમર દુખશે, થાક લાગશે કે મન પણ ઉદાસ થઈ જશે. આ બધું સામાન્ય છે. આવા દિવસોમાં શરીરને આરામ, સ્વચ્છતા, પૌષ્ટિક ખોરાક અને પોતાની સંભાળની જરૂર પડે છે."

"સૌથી મહત્વની વાત... આ વિશે ક્યારેય શરમ અનુભવતી નહીં. જો કોઈ તકલીફ થાય, વધારે દુખાવો થાય કે કોઈ પ્રશ્ન હોય, તો હંમેશા મારી સાથે ખુલ્લા મનથી વાત કરજે. હું હંમેશા તારી સાથે છું."

"તું હવે માત્ર મોટી નથી થઈ રહી... પણ ધીમે ધીમે એક મજબૂત સ્ત્રી બનવાની સફર શરૂ કરી રહી છે."

સુનૈના મમ્મીની દરેક વાત ધ્યાનથી સાંભળતી હતી.

બધી વાતો તેને પૂરી રીતે સમજાઈ નહોતી.

પણ એટલું જરૂર સમજાઈ ગયું હતું કે...

હવે તે એકલી નહોતી. તેની મમ્મી તેની સાથે હતી.

મમ્મીના ખોળામાં માથું મૂકતાં મૂકતાં ક્યારે તેને ફરી ગાઢ ઊંઘ આવી ગઈ, તેની તેને પણ ખબર ન પડી.


બીજા દિવસે સવારે પણ પેટમાં દુખાવો ચાલુ હતો.

તે ધીમે ધીમે રસોડા તરફ ગઈ.

ત્યાં જ બહારથી બાનો કડક અવાજ આવ્યો...

"સુનૈનાને કહી દેજે... ચાર દિવસ રસોડામાં નહીં આવે... અને મારા મંદિર પાસે પણ નહીં ફટકે."

આ શબ્દો સાંભળીને સુનૈના થંભી ગઈ.

તેને કંઈ સમજાયું નહીં.

મમ્મીએ માત્ર આંખોથી તેને શાંત રહેવાનો ઈશારો કર્યો.

પછી તેને પ્રેમથી રૂમમાં મોકલી દીધી.

"તું આરામ કર. હું દૂધ અને નાસ્તો રૂમમાં જ લઈને આવું છું."

સુનૈના ધીમા પગલે પોતાના રૂમમાં પહોંચી.

સામે અરીસો હતો.

તે પોતાની જાતને જોતી રહી.

થોડી ક્ષણો પછી...

અરીસામાંથી ફરી નૈનાનો અવાજ આવ્યો...

નૈના : "હવે કેમ છે સુનૈના? થોડું સારું લાગે છે?"

સુનૈના : "દર્દ તો હજુ છે... પણ મને એક વાત જ સમજાતી નથી. બા મારી પર આટલી નારાજ કેમ છે? અહીં ન જા... આને અડકતી નહીં... મંદિર પાસે ન જા... એવું શા માટે?"

નૈના : "મમ્મીએ તને બધું સમજાવ્યું ને?"

સુનૈના : "હા... પણ બધું હજુ સમજાયું નથી. સૌથી વધારે તો એ વાતનો ડર લાગે છે કે હવે દર મહિને આ બધું ફરી થશે. આ પીડા... આ નિયમો... આ બધું મને જ શા માટે સહન કરવું પડે?"

નૈના થોડું સ્મિત કરીને બોલી...

"આ પ્રશ્ન ફક્ત તારો નથી, સુનૈના... દુનિયાની કેટલીય છોકરીઓએ જીવનમાં પહેલી વાર આવો જ પ્રશ્ન પૂછ્યો છે."

સુનૈના મૌન રહી ગઈ.

તેની આંખોમાં હજી પણ અનેક પ્રશ્નો હતા...

અને કદાચ...

એ પ્રશ્નોના જવાબ તેને જીવનના દરેક નવા પડાવ સાથે ધીમે ધીમે મળવાના હતા...

સુનૈના મૌન રહી ગઈ.

તેની આંખોમાં હજુ પણ અનેક પ્રશ્નો હતા...

થોડીવાર પછી તે ધીમેથી બારી પાસે જઈને ઊભી રહી.

બહાર સૂરજ તો રોજની જેમ જ ઉગ્યો હતો...

પણ આજે સુનૈનાની દુનિયા બદલાઈ ગઈ હતી.

એક જ રાતમાં તે બાળપણમાંથી કિશોરાવસ્થાના ઉંબરે આવીને ઊભી રહી હતી.

હવે માત્ર શરીર જ નહીં...

તેના વિચારો, તેના પ્રશ્નો અને દુનિયાને જોવાની તેની નજર પણ બદલાવાની હતી.

પણ તેને ક્યાં ખબર હતી કે...

મહાવારી નો આ પહેલો દિવસ માત્ર પીડાની શરૂઆત નહોતો...

આ તો એવા અનેક સવાલોની શરૂઆત હતી, જેના જવાબ શોધવામાં તેને હજુ આખું જીવન પસાર કરવાનું હતું.

અને અરીસામાં ઉભેલી નૈના...

હજી પણ તેની સાથે જ હતી.

સુનૈના ફરી પૂછે: "શું હું ખરેખર અશુદ્ધ છું?"
નૈના : "અશુદ્ધ તારું શરીર નથી, સુનૈના... ઘણી વખત લોકોની માન્યતાઓ જૂની થઈ જાય છે."
 "દરેક ઘરના નિયમો અલગ હોય છે. કેટલાક નિયમો પરંપરામાંથી આવ્યા છે, કેટલાક પાછળ સ્વચ્છતા કે આરામના કારણો પણ હશે, અને કેટલાક સમય સાથે બદલાવા જેવા હોય છે. તેથી કોઈક વાર બા જે કહે છે, તેના પર ધ્યાન ન આપવું,  હવે જમાનો બદલાયો છે અને જમાના સાથે વિચારો પણ બધા ના બદલાય છે. "

બીજે દિવસે સ્કૂલે જવા પહેલાં સુનૈના વારંવાર પોતાનો યુનિફોર્મ તપાસી રહી હતી. મમ્મીએ તેને મહાવારી વિશે બધું શાંતિથી સમજાવ્યું હતું, છતાં તેના મનમાં એક અજાણ્યો ડર હતો.
તે અરીસા સામે ઊભી રહી, પોતાની જાતને નિહાળતી હતી. જાણે અરીસામાં રહેલી નૈનાને પૂછતી હોય...

સુનૈના: "કોઈને ખબર તો નહીં પડી જાય ને?
જો કપડાં પર દાગ દેખાઈ જશે તો?"

નૈના: "આજે તું કેટલી ચિંતામાં છે, સુનૈના! શાંત થા. તું જેવું વિચારે છે, એવું કશું જ થવાનું નથી.
ખરેખર તો આ ડર માત્ર તારો નથી. પહેલી વાર મહાવારી આવે ત્યારે કેટલીય છોકરીઓ આવું જ અનુભવે છે. તેથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. મમ્મીએ જે દવા આપી છે, તે સાથે રાખજે. જો પેટમાં વધારે દુખે તો દવા લઈ લે. જરૂર પડે તો તારી શિક્ષિકાને કહી દેજે. તેઓ ચોક્કસ તારી મદદ કરશે. થોડો આરામ કરવાની જરૂર લાગે તો નિઃસંકોચ આરામ કરજે.
હવે હસતાં હસતાં સ્કૂલે જા... અને સાંજે આવીને મને કહેજે કે તારો દિવસ કેવો ગયો."

એટલું કહીને નૈના અરીસામાંથી ધીમે ધીમે ઓગળી ગઈ.

સુનૈનાએ ઊંડો શ્વાસ લીધો, પોતાની બેગ ખભા પર લીધી અને સ્કૂલ તરફ નીકળી ગઈ.
સાંજે ઘરે આવીને તે સીધી અરીસા સામે આવી.
નૈના: "કેમ? આજનો દિવસ કેવો રહ્યો?"
સુનૈના: "ખૂબ સરસ! તું સાચું જ કેહતી હતી, હું જેટલી ડરતી હતી, એટલો ડર રાખવાની તો ખરેખર કોઈ જરૂર જ નહોતી. હવે મને ઘણું હળવું લાગે છે."
નૈના: "બસ... આવો જ આત્મવિશ્વાસ રાખજે."

રાત્રે સુનૈના ફરી અરીસા સામે ઊભી રહી.
થોડી ક્ષણ પોતાને જોતાં જોતાં તે ધીમા અવાજે બોલી...
સુનૈના: "હું તો એ જ સુનૈના છું... ગઈકાલે પણ હું આ જ હતી, આજે પણ હું આ જ છું...
તો પછી આજે અચાનક ઘરના બધાની નજરમાં હું બદલાઈ કેમ ગઈ ?
અને મને પોતાને પણ એવું કેમ લાગે છે કે જાણે હું કંઈક અલગ બની ગઈ છું ?"
નૈના: "આજે તને તારા શરીર વિશે પ્રશ્નો થાય છે...
કાલે સમાજ વિશે થશે...
અને એક દિવસ એવો આવશે, જ્યારે તું પોતાની સાચી ઓળખ શોધવા નીકળશે."
સુનૈના ફરી અરીસામાં પોતાની આંખોમાં જોઈને ધીમેથી બોલી...
સુનૈના: "જો સ્ત્રી બનવું કુદરતનો નિયમ છે...
તો પછી સ્ત્રી બનતાની સાથે જ મારા માટે આટલા બધા નિયમો કેમ બની જાય છે?"

આ પ્રશ્નનો જવાબ કદાચ તરત ન મળે...

ત્યાર બાદ સુનૈના અરીસા સામે થોડી વાર નિઃશબ્દ ઊભી રહી...
અરીસાના તૂટેલા કાચના ટુકડાઓમાં હવે તેને માત્ર પોતાનો ચહેરો જ નહીં, પરંતુ પોતાના જીવનના બદલાતા રંગો પણ દેખાવા લાગ્યા.

મહાવારીનો એ પહેલો દિવસ માત્ર તેના શરીરમાં થયેલો એક કુદરતી બદલાવ નહોતો... એ દિવસથી તેના વિચારો બદલાવા લાગ્યા, તેના પ્રશ્નો બદલાવા લાગ્યા અને દુનિયાને જોવાની તેની નજર પણ ધીમે ધીમે બદલાતી ગઈ.

કદાચ એ દિવસે તૂટ્યો હતો માત્ર અરીસો નહીં...

તૂટ્યો હતો તેના નિર્દોષ બાળપણનો એક ટુકડો પણ.

અને સુનૈના પોતાના પહેલા મહાવારી ના દિવસો યાદ કરી, પોતાની ઉપર જ હસે છે,  અને પોતાના હાથે, પોતાના માથે ટપલી મારતા કહે છે, કે એ દિવસો માં હું પણ કેટલી નાસમજ હતી ? જો ત્યારે નૈના મારી સાથે ન હતે તો....
એમ વિચારી સુનૈના એ કાચનો ટુકડો હાથ માંથી નીચે મૂકી બાજુ માં પડેલા બીજા કાચ ના ટુકડા તરફ નજર કરે છે.. અને ફરી કંઈક એને યાદ આવે છે..

ક્રમશઃ 









Comments