અરીસાની પેલે પાર...ભાગ – ૨ : કાગળની હોડી અને એક તૂટેલું બાળપણ

અરીસાની પેલે પાર...

ભાગ – ૨ : કાગળની હોડી અને એક તૂટેલું બાળપણ

સુનૈના નીચે પડેલા કાચના એક નાનકડા ટુકડામાં પોતાનું બાળપણ જોઈ રહી હતી.

ધીમે ધીમે કાચનો ટુકડો જાણે જીવંત થવા લાગ્યો...

એ બાળપણ… જેમાં સુનૈના માત્ર આઠ કે નવ વર્ષની એક નાની બાળકી હતી.

એ બાળપણ… જ્યાંથી તેની અંદરની નૈનાની કહાની શરૂ થઈ હતી.

એ બાળપણ...

જ્યાં ચિંતા નહોતી.

જ્યાં આવતીકાલનો કોઈ ડર નહોતો.

જ્યાં વરસાદ એટલે ઉત્સવ હતો.

સુનૈનાની આંખો સામે જાણે ભૂતકાળના બંધ દરવાજા ધીમે ધીમે ખુલવા લાગ્યા.

સુનૈના ત્યારે માત્ર આઠ વર્ષની હતી.

ગોરો નિખરતો ચહેરો, મોટી કાળી આંખો, કપાળ પર વાળની લટ અને હોઠ પર હંમેશાં રમતું નિર્દોષ સ્મિત.

ઘરમાં બધા કહેતા,

"આ છોકરી તો જાણે ઢીંગલી જેવી લાગે છે."

પણ સુનૈનાને પોતાના રૂપનો ખ્યાલ નહોતો.

તેને તો બસ વરસાદ ગમતો.

જેવો પહેલો વરસાદ વરસે, કે તરત જ તે જૂના અખબારમાંથી કાગળની હોડી બનાવતી. ઘરની બહાર વરસાદનું પાણી ભરાતું અને તેના માટે એ કોઈ નાનો ખાડો નહોતો—એ તો આખો સમુદ્ર હતો.

એ દોડતી...

છબછબિયાં કરતી...

હસતી...

અને પોતાની હોડીને પાણીમાં તરતી મૂકતી.

ઘરની અંદરથી મમ્મીનો અવાજ આવતો.

મમ્મી : "સુનૈના... બસ હવે અંદર આવી જા. બહુ ભીંજાઈશ તો તને તાવ આવી જશે."

સુનૈના હસી પડતી.

સુનૈના : "હજી પાંચ મિનિટ..."

એને લાગતું હતું કે જેમ તેની કાગળની હોડી પાણી પર હળવેથી તરતી જાય છે, તેમ તેનું જીવન પણ હંમેશાં આવું જ હળવું અને ખુશીઓથી ભરેલું રહેશે.

પણ તેણે ક્યારેય પાછળ ફરીને જોયું નહોતું...

વરસાદ વધે એટલે એ જ કાગળની હોડી ધીમે ધીમે પલળી જતી... વળી જતી... અને આખરે પાણીમાં જ ઓગળી જતી.

જિંદગી પણ ક્યારેક આવું જ કરે છે.

સપનાઓને ડૂબતા પહેલાં કોઈ અવાજ આવતો નથી.

થોડી વાર પછી સુનૈના ભીની થઈને ઘરમાં આવી.

એના નાનકડા પગલાં જમીન પર પાણીના નિશાન છોડી રહ્યા હતા.

એ દિવસે પહેલી વાર તેને એવી એક ઘટના અનુભવી, જેને એ સમજી શકી નહીં. તેને માત્ર એટલું જ સમજાયું કે કોઈ ખૂબ ઓળખીતું વ્યક્તિ હોવા છતાં તેની નજીક આવવાથી તેને અચાનક ડર લાગ્યો હતો.

"ઘરમાં અવારનવાર આવતા એક ઓળખીતા મોટા માણસનું વર્તન એ દિવસે સુનૈનાને અચાનક અજાણ્યું અને અસ્વસ્થ લાગ્યું. તેમની નજર અને નજીક આવવાની રીતથી તેના મનમાં એક અજાણ્યો ડર જન્મ્યો. એ પહેલી વાર હતું જ્યારે સુનૈનાને સમજાયું કે દરેક ઓળખીતો માણસ સુરક્ષિત હોય જ એવું નથી. શું થયું હતું, તે શબ્દોમાં મૂકી શકવાની ઉંમર પણ તેની નહોતી... પણ તેને એટલું જરૂર સમજાયું કે તેને આ બધું જરાય ગમતું નહોતું."

તે એક શબ્દ પણ બોલી શકી નહીં.

ગભરાયેલી સુનૈના દોડતી દોડતી પોતાના રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો.

રૂમમાં સામે મોટો અરીસો હતો.

ભીના વાળમાંથી પાણીના ટીપાં હજુ પણ ટપકી રહ્યા હતા.

સુનૈનાએ અરીસામાં પોતાને જોયું.

એની આંખોમાં વરસાદ નહોતો...

ડર હતો.

એની આંખોમાંથી આંસુ સરકી પડ્યાં.

એ જ ક્ષણે અરીસામાંથી જાણે કોઈ મીઠો અવાજ સંભળાયો.

નૈના : "શું થયું, સુનૈના?"

સુનૈના ચમકી ગઈ.

સુનૈના : "મને... મને બહુ ડર લાગે છે."

નૈના : "જો તને કંઈ ખોટું લાગ્યું હોય... તો મમ્મીને કહી દે."

સુનૈનાએ હિંમત ભેગી કરી.

એ દોડતી દોડતી રસોડા સુધી ગઈ.

મમ્મી રસોઈમાં વ્યસ્ત હતાં.

સુનૈનાએ મોઢું ખોલ્યું...

"મમ્મી..."

પણ શબ્દો ગળામાં જ અટકી ગયા.

મમ્મીએ પાછળ વળી પ્રેમથી કહ્યું,

મમ્મી : "પહેલા કપડાં બદલી લે બેટા. પછી ગરમ દૂધ પીજે."

સુનૈના મમ્મીને ભેટી પડી.

એને ખૂબ કંઈ કહેવું હતું.

પણ એ દિવસે...

મૌન જીતી ગયું.

એ રાત્રે પહેલી વાર સુનૈનાને સમજાયું કે ક્યારેક માણસ રડે છે, છતાં અવાજ બહાર આવતો નથી.

અને એ જ દિવસે...

અરીસામાં રહેતી નૈનાનો જન્મ થયો.

નૈના કોઈ પરછાંયો નહોતી.

એ સુનૈનાની અંદર બચી રહેલી હિંમત હતી.

એનો અવાજ હતો.

એનું સત્ય હતું.

અને કદાચ...

આગળના આખા જીવનમાં સુનૈનાને સૌથી વધુ સાથ આપનાર પણ એ જ બનવાની હતી.

આજે પહેલી વાર તેને સમજાયું હશે કે દુનિયા માત્ર વરસાદ, કાગળની હોડીઓ અને રમકડાંથી ભરેલી નથી. કેટલીક એવી લાગણીઓ પણ હોય છે, જેને એક નાનકડી બાળકી શબ્દોમાં કહી શકતી નથી.

સુનૈના ચૂપ રહી ગઈ.

થોડીવાર પછી મમ્મી રૂમમાં આવી.

મમ્મી : "ચાલ, વાળ સૂકવી દઉં. પછી ગરમ દૂધ પીજે."

સુનૈના મમ્મીની ગોદમાં માથું મૂકી બેસી ગઈ.

એને બધું કહી દેવું હતું...

પણ શબ્દો ફરી ગળામાં જ અટકી ગયા.


બીજા દિવસે સવાર પડી.

જાણે ગઈકાલે કંઈ બન્યું જ ન હોય એમ ઘરનું જીવન ફરી શરૂ થઈ ગયું.

સુનૈનાએ પોતાનો નીલો સ્કૂલ યુનિફોર્મ પહેર્યો.

સફેદ શર્ટ પર નીલો પિનાફોર, કમરમાં સરસ રીતે બંધાયેલો પટ્ટો, બે લાંબી ચોટલીઓ અને તેમાં બંધાયેલા સફેદ રિબન.

મમ્મીએ પ્રેમથી તેના કપાળ પર હાથ ફેરવ્યો.

મમ્મી : "મારી રાજકુમારી કેટલી સુંદર લાગે છે."

સુનૈનાએ અરીસામાં પોતાને જોયું.

પહેલાં એને આ શબ્દો સાંભળીને ખૂબ આનંદ થતો.

પણ આજે...

તેના મનમાં એક અજાણ્યો પ્રશ્ન જન્મ્યો.

સુનૈના : "નૈના... બધા મને સુંદર કેમ કહે છે?"

નૈના : "કારણ કે તું સુંદર છે."

સુનૈના : "પણ સુંદર હોવું સારું છે ને?"

નૈના થોડું મૌન રહી.

નૈના : "સુંદરતા ક્યારેય દોષ નથી હોતી. લોકોની નજર ખોટી હોઈ શકે... પણ તું ક્યારેય ખોટી નથી."

આ શબ્દો સુનૈનાના મનમાં ક્યાંક ઊંડે ઉતરી ગયા.


સમય પસાર થતો ગયો.

સુનૈના પહેલાં જેવી જ હસતી, રમતી અને સ્કૂલ જતી રહી.

પણ હવે એક ફેરફાર આવી ગયો હતો.

જ્યાં પહેલાં તે દરેક માણસ સાથે નિઃસંકોચ વાત કરતી હતી, ત્યાં હવે અજાણતાં જ થોડું અંતર રાખવા લાગી.

ઘરમાં કોઈ ઓળખીતું આવે તો તે ધીમેથી બીજા રૂમમાં ચાલી જતી.

કોઈ તેની નજીક ઊભું રહે તો તેને અસ્વસ્થતા અનુભવાતી.

તેને પોતાને પણ સમજાતું નહોતું કે આવું કેમ થાય છે.

દરેક સાંજે એ અરીસા સામે ઊભી રહેતી.

અરીસો હવે માત્ર કાચ રહ્યો નહોતો.

એ તો તેનો મિત્ર બની ગયો હતો.

એની અંદર રહેતી નૈના દરેક દિવસ તેની વાત સાંભળતી.

સુનૈના : "મને કેમ લાગે છે કે હું પહેલાની જેવી રહી નથી?"

નૈના : "કારણ કે તું મોટી નથી થઈ રહી... તું અંદરથી મૌન થવા લાગી છે."


એ દિવસે વરસાદ ફરી આવ્યો.

ઘરની બહાર બાળકો કાગળની હોડીઓ તરાવતા હતા.

સુનૈના બારી પાસે ઊભી રહીને તેમને જોતી રહી.

મમ્મીએ હસીને કહ્યું,

મમ્મી : "શું થયું? આજે હોડી નહીં બનાવે?"

સુનૈનાએ બહાર જોયું...

પાણી તો એ જ હતું.

વરસાદ પણ એ જ હતો.

પણ હવે એની અંદરનું બાળપણ પહેલાની જેમ નિર્ભય રહ્યું નહોતું.

એણે હળવેથી માથું ના માં હલાવ્યું.

મમ્મીને લાગ્યું—કદાચ દીકરી મોટી થઈ રહી છે.

પણ અરીસામાં ઊભેલી નૈનાને ખબર હતી...

સુનૈના મોટી નહોતી થઈ.

તે ફક્ત સમય કરતાં વહેલી ગંભીર બની ગઈ હતી.

આ જ રીતે સુનૈનાની સુંદરતા જ તેના જીવન માટે અભિશાપ બની ગઈ.

આ માત્ર સુનૈનાની જ વાત નથી, પરંતુ આવી કેટલીય સુનૈનાઓ હશે, જે કોઈ કાકા, મામા, ભાઈ કે અન્ય ઓળખીતાના ખોટા સ્પર્શ અને શોષણનો ભોગ બને છે. તે સમયે તેઓ એટલી નાની હોય છે કે ડર સિવાય કંઈ અનુભવી શકતી નથી. તેમને સમજાતું જ નથી કે શું થઈ રહ્યું છે, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

પછી શરૂ થાય છે પોતાની જ જાત સાથેનું એક મૌન યુદ્ધ... એવું યુદ્ધ, જે ઘણીવાર આખું જીવન ચાલતું રહે છે. શરીર પરના ઘા કદાચ સમય સાથે ભરાઈ જાય, પરંતુ મન પર પડેલા ઘા સહેલાઈથી નથી ભરાતા.

ખબર નથી... આવી માનસિકતા ક્યારે બદલાશે? ક્યારે આપણા સમાજની દરેક સુનૈના નિર્ભય બનીને પોતાનું બાળપણ જીવી શકશે?

હા, આજે સ્કૂલોમાં Good Touch અને Bad Touch વિશે શીખવવામાં આવે છે, માતા-પિતાને વાત કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ખૂબ સારો બદલાવ છે. પરંતુ હકીકત એ પણ છે કે દરેક બાળક હિંમત કરીને વાત કરી શકે એવું નથી હોતું. ડર, શરમ, ગૂંચવણ, "કોઈ માનશે કે નહીં?" જેવી લાગણીઓ હજુ પણ ઘણા બાળકોને ચૂપ રાખે છે. 

બીજા દિવસે જ્યારે સુનૈના શાળાએ જવા માટે રિક્ષામાં બેઠી, ત્યારે પાછળ જગ્યા ન હોવાથી તેને રિક્ષાવાળા કાકાની બાજુમાં બેસવું પડ્યું. રસ્તામાં વાતો કરતાં કરતાં રિક્ષાવાળા કાકા વારંવાર તેના પગ પર હાથ ફેરવતા અને તેની સામે વિચિત્ર રીતે હસતા. સુનૈનાને આ બધું જરાય ગમતું નહોતું, પણ તે ડરી જતી. શું કરવું તે તેને સમજાતું નહોતું.

શાળામાં પણ એક સર તેને ખરાબ નજરથી જોતો. એ નજરનો અર્થ સુનૈનાને સંપૂર્ણ સમજાતો નહોતો, પરંતુ એટલું જરૂર સમજાતું હતું કે.. તેને બિલકુલ ગમતું નથી.

ઘરે આવીને કપડાં બદલતી વખતે તે અરીસાની સામે ઊભી રહી. અરીસામાં દેખાતી નૈનાને તે પોતાની બધી વાતો કહેવા લાગી.

નૈના: "આવું હોય તો મમ્મીને હમણાં જ કહી દે. રિક્ષા બદલી દેશે."

સુનૈનાએ મનમાં વિચાર્યું, "આજે તો કહી જ દઉં."

પણ જેવી તે મમ્મી પાસે ગઈ, મમ્મીએ કહ્યું,

મમ્મી: "ટ્યુશનવાળા સરનો ફોન આવ્યો હતો. પરીક્ષામાં બહુ ઓછા માર્ક્સ આવ્યા છે. આજથી રમવાનું બંધ. પહેલાં જમવા બેસ, પછી હોમવર્ક કરજે. કાલે ફરી પરીક્ષા છે, એમ સર કહેતા હતા."

સુનૈના હિંમત કરીને કંઈક કહેવા જતી હતી...

સુનૈના: "મમ્મી... મને તમને એક વાત..."

પણ મમ્મીએ તેની વાત અધૂરી જ રાખી.

મમ્મી: "પહેલા જમી લે. પછી રૂમમાં જઈને હોમવર્ક કર. હું કપડાં લઈને આવું છું, ત્યાં સુધી મોઢે કરી લે. પછી આવીને તને ભણાવું."

સુનૈના ચૂપચાપ માથું ઝુકાવીને પોતાના રૂમમાં ચાલી ગઈ.

 સુનૈના ની નજર અરીસામાં પડી. અરીસા માં ફરી પોતાનો જ પડછાયો દેખાયો અને એ પડછાયાનું નામ નૈના પડ્યું.

નૈના: "ફરી વાત ન કરી ને...? ખબર નથી, તારું શું થશે..."

સુનૈનાની આંખો ભરાઈ ગઈ.

સુનૈના: "ટ્યુશનના સર પણ રોજ મને ખરાબ રીતે અડવાનો પ્રયત્ન કરે છે. મને જરાય ગમતું નથી. હું ના પાડું તો વધારે હોમવર્ક આપે છે. આજે તો મમ્મીને પણ એમણે ફોન કરી દીધો."

થોડી ક્ષણ મૌન રહ્યું.

પછી સુનૈના ધીમે ધીમે બોલી,

સુનૈના: "સુંદર દેખાવું... શું એ ગુનો છે? મારી સાથે જ બધા આવું કેમ કરે છે? મને આમાંથી કંઈ જ ગમતું નથી. શું બધી છોકરીઓ સાથે આવું જ થતું હશે?"

નૈનાએ ઊંડો શ્વાસ લીધો.

"કદાચ... ઘણી છોકરીઓ સાથે ક્યારેક આવું બનતું હોય છે. પણ લોકો સમજતા નથી કે આ ઉંમરે બાળકના મન અને લાગણીઓ પર કેટલી ઊંડી અસર પડે છે. ખબર નથી, આવા લોકોને બીજાને દુઃખ આપી શું આનંદ મળતો હશે."

રાત્રે જ્યારે સુનૈનાના પપ્પા ઘરે આવ્યા, ત્યારે સુનૈના દોડી જઈને તેમના ખોળામાં બેસી ગઈ. પપ્પાને વ્હાલ કરવા લાગી. પપ્પા હંમેશાં તેને મમ્મીના ગુસ્સાથી બચાવતા, હોમવર્કમાં મદદ કરતા અને ખૂબ પ્રેમ કરતા. જ્યારે પપ્પા ઘરે ન હોય ત્યારે સુનૈનાને બિલકુલ ગમતું નહોતું. રજાના દિવસે તો આખો દિવસ પપ્પાની આસપાસ જ ફરતી, તેમની સાથે રમતી અને ખૂબ મસ્તી કરતી.

પછી અરીસા સામે જઈને નૈનાને હસતાં હસતાં કહેતી,

સુનૈના: "આજે તો પપ્પા ઘરે છે. આજે તો બહુ મજા આવશે. અમે બંને ખૂબ મસ્તી કરીશું."

નૈના હસીને બોલી,

નૈના: "તો પછી તું પપ્પાને બધું કહી દે."

સુનૈના આશ્ચર્યથી બોલી,

સુનૈના: "શું કહું?"

નૈના: "અરે બુદ્ધુ... શાળામાં, ટ્યુશનમાં અને રિક્ષામાં જે લોકો તારી સાથે ખોટું વર્તન કરે છે, એ બધું. પપ્પા બધાને પાઠ ભણાવશે."

સુનૈનાએ ઘણી વાર નક્કી કર્યું કે આજે પપ્પાને બધું કહી દઈશ... પણ જ્યારે પણ બોલવાનો સમય આવતો, ત્યારે તેનો ગળો સુકાઈ જતો. ડર તેના શબ્દોને રોકી લેતો. તે એક પણ શબ્દ બોલી શકતી નહોતી.

"એ દિવસે પહેલી વાર સુનૈનાને સમજાયું કે દરેક સ્પર્શ વહાલનો નથી હોતો."
"તેને શું થયું હતું એ સમજાતું નહોતું, પણ એટલું જરૂર સમજાતું હતું કે કંઈક ખોટું થયું છે."
"એણે મોં ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ ડરે શબ્દોને હોઠ સુધી આવવા દીધા નહીં."

દિવસો પસાર થતા ગયા.

સુનૈનાની ઉંમર વધતી ગઈ...

અને તેની અંદરનો ડર પણ.

દરરોજ તે વિચારતી...

"આજે મમ્મીને કહી દઈશ..."

"કાલે પપ્પાને બધું કહી દઈશ..."

પણ એ "આજે" ક્યારેય આવતું જ નહોતું.

એક નાની છોકરીના જીવનમાં સૌથી મોટો સાથી ઘણી વાર તેનો ડર બની જાય છે. આ જ ડરના કારણે કેટલીય છોકરીઓ અંદરથી તૂટી જાય છે. બહારથી તેઓ હસતી હોય છે, પરંતુ તેમના હૃદયમાં ચાલતું યુદ્ધ કોઈ જોઈ શકતું નથી.

જ્યારે કોઈ બાળકને પહેલી વાર ન ગમતા સ્પર્શનો અનુભવ થાય, ત્યારે તેને હિંમત કરીને પોતાના માતા-પિતાને બધું કહી દેવું જોઈએ. કારણ કે મૌન ઘણી વાર દુઃખને વર્ષો સુધી જીવતું રાખે છે.

આજે જમીન પર પડેલા અરીસાના કાચના ટુકડાઓમાં પોતાનું પ્રતિબિંબ જોતા જોતા સુનૈનાને ફરી પોતાનું બાળપણ યાદ આવી ગયું.

તે ધ્રૂજી રહી હતી.

તે કાચમાં તેને પોતાનો વર્ષો જૂનો ડર ફરી દેખાઈ રહ્યો હતો.

આંખોમાં આંસુ સાથે તે નૈનાને કહેવા લાગી,

સુનૈના: "જો મેં એ વખતે તારી વાત માની હોત... જો મેં હિંમત કરીને મમ્મી-પપ્પાને બધું કહી દીધું હોત... તો કદાચ આજે હું આ રીતે ડર સાથે જીવતી ન હોત."

આ વખતે...

સામે ઊભેલી નૈના સંપૂર્ણ શાંત હતી.

તેની તરફથી કોઈ જવાબ આવ્યો નહીં.

નિરાશ થયેલી સુનૈનાની નજર બાજુમાં પડેલા અરીસાના બીજા એક કાચના ટુકડા પર ગઈ...

અને અચાનક...

તેને ફરી કંઈક યાદ આવવા લાગ્યું...

ક્રમશઃ...




























Comments